કડવું-62

ધન્યાશ્રી

વૈરાગ્ય વિના તનસુખ ન તજાયજી, તનસુખ તજ્યા વિના હરિ ન ભજાયજી;

હરિ ભજ્યા વિના ભક્ત ન નીપજાયજી, લીધી મેલી વાતે ભક્તપણું લજાયજી. ૧

ઢાળ

લજજા જાય આ લોકમાં, પરલોકે પણ પહોંચે નહિ;

એવી ભક્તિ આદરતાં, કહો ભાઈ કમાણી સહિ. ૨

જેમ કેશરિયાં કોઈ કરી ચાલે, ઘાલે કાખમાં કોળી તરણની;

કામ પડે કો’ કેમ આવે, પ્રતીતિ એના મરણની. ૩

જેમ સતી ચાલે બા’રે બળવા, ભેળાં ભરી લિયે જળ માટલાં;

આગ્ય લાગે ઊઠી ભાગશે, હોલવી તરણનાં ત્રાટલાં. ૪

એમ ભક્ત થઈ ભગવાનનો, વળી કે’વાણો સહુથી ભલો;

પણ શરીર સુખરૂપી રાખિયો, મોટો મિયાંનો ગોખલો. ૫

જ્યારે વેચી હવેલી વિત્ત લઈ, ત્યારે આળિયાનો શો અર્થ છે;

પણ દગો છે એના દિલમાં, જે અંતે કરવો અનર્થ છે. ૬

એવા ભમરાળા ભક્ત ન થાયે, થાયે ભક્ત આગળ કહ્યા એવા;

જ્યારે સાત ભાત્યની કરી સુખડી, ત્યારે ન બગાડિયે કાચરિયે વિ’વા. ૭

દીધું આંધણ જ્યારે દૂધનું, તેહ માંહી મીઠું ઓરવું નહિ;

ખાતાં ન ખવાય દૂધ જાય, કહો તેમાં કમાણી સહિ. ૮

ભલી ભક્તિ આદરી, પામવા પુરુષોત્તમ સહિ;

પછી પંડ સુખને ઈચ્છવું, એતો વાત બને નહિ. ૯

ખાવો ભૈરવ જપને જ્યારે, ત્યારે ખસતું ન મેલવું અંગ;

નિષ્કુળાનંદ જેમ દીવો દેખી, પાછો ન વળે પતંગ. ૧૦

વિવેચન : 

વૈરાગ્ય વિના શરીરના સુખ-દેહભાવના તજાતા નથી. શરીરના સુખનો ત્યાગ કર્યા વિના સાચી રીતે પ્રભુને ભજાતા નથી. તેવા ને તો શરીરનું જ અને શરીરના સુખનું જ અંતરમાં ભજન હોય છે. બહાર ભજન કરતો હોય તોય અંતરમાં તેનું ભજન થાય છે અને પ્રભુને અંતરથી ભજ્યા વિના સાચા ભક્ત થવાતું નથી એ નક્કી વાત છે. એક વખત જે ટેક લીધી તે છોડી દેવાથી કે ઢીલી પડી જવાથી તો ભક્તપણું લજવાય છે. તો પણ આને લાજ નથી આવતી. વળી પરલોકમાં મહારાજ પાસે તો પહોંચાતું નથી માટે જે કોઇ એવી ભક્તિ કરે તેને અંતે શી કમાણી થવાની? તેઓને કોઇ પ્રાપ્તિ થઇ શક્તી નથી. જેમ કોઇ શૂરવીરનો વેશ લઇ કેસરીયા કરી, કમરમાં કટાર ભરાવીને લડવા નીકળે પણ સાથે સાથે હારી જશું ને સાંકડ્યમાં આવી જશું તો નમી પડવા માટે દાંતમાં તરણાં લેવા કામ લાગશે એવી ધારણાથી બગલમાં કોઇને દેખાય નહિ તેવી નાની ઘાસની કોળી પણ સાથે લઇ લે એવા માણસ માટે વિશ્વાસ કેમ આવે કે એ કટોકટીના સમયે માથું મૂકીને લડાઇ કરશે? તેમ દેહભાવની બધી જ સુરક્ષા પ્રથમથી જ મનમાં-બહાર ગોઠવીને તેમજ સંસાર સુખોની પ્રથમ પ્રાયોરિટી ગોઠવીને ભક્ત-સંત કે સત્સંગી થવા ચાલી નીકળે તેનો ભગવાન કે સાચા ભક્તોને વિશ્વાસ કેમ આવશે કે આ કટોકટીમાં પણ આવો ને આવો (જેવો વેશ કાઢ્યો છે તેવો) ભક્ત-સંત-સત્સંગી રહેશે? વળી જેમ કોઇ સતી પોતાના પતિ પાછળ બળી મરવા ચાલી નીકળે અને સાથે પાણીનાં માટલાં પણ લઇ લે તે એવી ઘારણા રાખે છે કે જો આગ સહન નહિ થાય તો ઘાસની બાંધેલી ચારે તરફની ત્રાટીઓ પાણી નાખી ઠારી નાખીને ઊઠીને જલદી ભાગી નીકળીશ. જો વધારે ગરમી નહિ લાગે તો બેઠા રહીશું! તેમ જે ભક્ત-સંત-સત્સંગી મહારાજ પાસે જવા નીકળ્યા પછી પણ દેહભાવના, પંચવિષયના સુખ-સંસારી ગોઠવણીની જ વ્યવસ્થામાં મન પરોવી રાખે, મહારાજની સાચા-અંતરની પ્રામાણિકતાપૂર્વક ભક્તિ, નિષ્ઠા, આજ્ઞાનો જરા પણ વિચાર કે પોતાના જીવનમાં ગોઠવે નહિ તો પેલી સતી જેવો તે ગણાય. તેનો સાચા ભક્તો ને કે મહારાજને વિશ્વાસ કેમ આવશે કે આ ભગવાનને માટે ખપી જશે? એવી જ રીતે ભગવાનની સાચી ભક્તિ-નિષ્ઠા-આજ્ઞા-વૈરાગ્યની ટેક વિના તો ભગવાનનો ભક્ત કદાચ હોશિયાર હોય ને લોકમાં બધી જ રીતે પોતાને બરાબર બતાવી દેતો હોય, સારો કહેવરાવતો હોય છતાંય જે તે મીંયાના ગોખલાની પેઠે શરીરસુખની વાસના અંતરમાં રાખે, દેહભાવનાને જ પ્રાધાન્યતા આપે તો તે પણ તેના જેવો જ ગણાય. મીયાંએ પોતાની સમગ્ર હવેલી વેચી નાખી પણ એટલો કરાર કરાવ્યો કે એ હવેલીમાં એક નાનો ગોખલો છે તે કાયમી મીંયાભાઇનો રહેશે, તેને માટે થોડી કિંમત ઓછી લેવામાં આવી છે એવા કરારનો અર્થ તો એ થયો કે તેના દિલમાં દગો હતો કે છેવટે કાંઇક અનર્થ ઊભો

કરવો એમ ભગવાનની ભક્તિ બીજા કરતાં પણ સારી કરી દેખાડી ને પણ અંદરથી વાસના-દેહાભિમાન-માન-મોટાઇને પણ પોષણ કરવાના રસ્તાની જોગવાઇ કરી રાખવી એ ઉપર બતાવેલ દૃષ્ટાંત જેવું ગણાય, માટે જો ભગવાનના ભક્ત થવું તો પૂર્વે કહ્યા પ્રહ્‌લાદ આદિ ભક્તો તેના જેવું થવું પણ ભમરાળા ભક્ત ન થાવું. જ્યારે લગ્નમાં અનેક પ્રકારની સુખડીઓ-મિષ્ટાન્નો બનાવ્યા હોય અને દોમ દોમ ખર્ચો કર્યો હોય ત્યારે માત્ર ચીભડાંની કાચરી સારુ ખોટું દેખાય એવું ન કરવું, વિવાહ ન બગાડવો. જ્યાં પાણીના બદલે દૂધનાં આંધણ મૂકાયાં હોય ત્યાં તેમાં મીઠું ઓરવું તે વ્યાજબી નથી, કેમકે તે ખવાય પણ નહીં, દૂધ બધું જ નકામું જાય તેમાં શી કમાણી થઇ? માટે એ બધા દૃષ્ટાંતોનો સિદ્ધાંત એ છે કે પૂર્ણ પુરુષોત્તમ-શ્રીજી મહારાજ ને પામવા માટે રૂડે પ્રકારે ભક્તિ આદરી છે તો પણ તેની ભેળે આ શરીરના માયિક સુખોની ઇચ્છા કર્યા કરવી એ બન્ને વાત શક્ય ન બને. કોઇ ભૈરવ જપ ખાવા તૈયાર થાય તેણે તો હિંમતથી કૂદી પડીને ત્રાટકવું જોઇએ, પરંતુ શરીરને ઢીલું મૂકીને ધીરે ધીરે ધસડાતું-ધસડાતું જવા દેવું તે શોભે નહિ. વળી પતંગ જેમ દીવાને દેખીને પાછો ફરતો નથી તેમ જ ભગવાન તરફ ભક્તનો વેગ તીવ્ર અને કોઇ રીતે પાછો ન પડે તેવો હોવો જોઇએ.