કડવું-61

ધન્યાશ્રી

થોડી થોડી વાત કહી રાય ઋષિની કથીજી, જેમ છે તેમ તે કહેવાણી નથીજી;

વિસ્તારે વાત સુણજો પુરાણથીજી, એ જેવા થયા અધિક એક એકથીજી. ૧

ઢાળ

એક એકથી અધિક થયા, કૈક ઋષિ કૈક રાજન;

તે પ્રસિદ્ધ છે પુરાણમાંયે, સહુ માનજો જન મન. ૨

કઠણ કસણી સહી શરીરે, કાઢયો મેલ માંહેલો માયાતણો;

ત્રણ ગુણ પંચ વિષય વાસના, કર્યો ત્યાગ તેનો તને મને ઘણો. ૩

અખંડ વરતે નિત્ય અંતરે, બાહ્ય દૃષ્ટિને સમેટી વળી;

જેમ વરસે જળ અચળ પર, પણ નીચી ભૂમિએ આવે ઢળી. ૪

તેમ વૃત્તિયો સર્વે વળી, મળી આવી તે અંતર માંયે;

પછી મૂર્તિ મેલી મહારાજની, જાયે ન આવે ક્યાંયે. ૫

માલ મળ્યો મોટો ઘણો ઘરમાં, તેના અમલનો આનંદ રહે;

મેલી ચંદન મળિયાગરુ, વળી વેઠે કોયલા કોણ વહે. ૬

એવા સુખ સંસારનાં, જાણો કૂચ્ય કોયલા સમાન;

કાળપ્ય આપે ખંજોળી સંતાપે, વળી ના’પે સુખ નિદાન. ૭

એવા સુખને અભાગિયા, રાત દિવસ રૂવે છે રહ્યા;

પણ વાત નથી વિચારતા, જે ઠાલે હાથે કૈક ગયા. ૮

મહા દુઃખે જે સુખ મળે, તે પણ ટળી વળી જાય;

એવાં સુખને અજ્ઞ જન વિન, કહો ભાઈ કોણ ચહાય. ૯

એમ આગળ રાય ઋષિએ, સમજીને કીધો છે ત્યાગ;

નિષ્કુળાનંદ કહે નર અભાગીને, નથી ઉપજતો વૈરાગ. ૧૦

વિવેચન : 

ઉપર પ્રમાણે રાજાઓ, ઋષિઓ અને ભક્તોની થોડી થોડી સંક્ષિપ્ત વાતો કહી છે, પણ જેમ છે તેમ વિસ્તારથી કહેવાઈ નથી. તેનો વિશેષ વિસ્તાર તો પુરાણોમાંથી જાણી લેવો એવા તો એકએકથી અધિક રાજાઓ, ઋષિઓ, ભક્તો થઇ ગયા છે એવા લોકોએ કઠણ કસોટી સહન કરીને અંતઃકરણમાંથી માયાનો મેલ જે ત્રણ ગુણ અને પંચવિષયની વાસના એ સર્વેનો ત્યાગ કર્યો હતો. અખંડ અંતરવૃત્તિ કરીને બાહ્યદૃષ્ટિ (દેહભાવની સમજણ અને સંસારની દૃષ્ટિ) સંપૂર્ણપણે સંકેલી લીધી હતી. જેમ વરસાદનું પાણી પર્વત ઉપર પડે તે બધું તળેટીમાં અને ત્યાંથી ખીણમાં (ઊંડાણવાળા ભાગમાં) ધસી આવે છે તેમ એવા ભક્તોની અંતઃકરણનીવૃત્તિઓ મળીને હૃદયમાં સંકેલાઇને આવી જાય છે પછી તે વૃત્તિઓ ભગવાનનું સ્વરૂપ-મૂર્તિને મેલીને કોઈ સ્થળે આવતી જતી નથી. જ્યારે ભગવાનની પ્રાપ્તિ રૂપી મહામાલ ઘરમાં જ મળી ગયો તેના કેફનો આનંદ રહે છે મળિયાગર ચંદન મળ્યું હોય તેને મૂકીને કૂચ્ય અને કોયલા ઉપાડવાની વેઠે કોણ જાય? તેમ ભગવાનના સુખ આગળ દેહભાવના સુખો તથા સંસાર સંબંધી સુખો એવા કૂચ્ય અને કોયલા જેવાં છે જેને મળવાથી શરીર કાળું થાય ને વળી તેની ભારે ખંજવાળ ઉપડે પછી તેને ખંજવાળ્યા વિના-મેળવ્યા વિના રહી શકાતું નથી અને ભગવાનનું સાચું સુખ હરામ થઇ જાય છે. જે દુર્ભાગી જનો એવા સંસારી તુચ્છ સુખોને મેળવવા માટે રોતા-હાયવોય કરતા ફરે છે તે એટલું પણ વિચારતા નથી કે અસંખ્ય મનુષ્યો આ જગતમાંથી એવા સુખ મેળવીને પછી ખાલી હાથે ચાલ્યા ગયા છે,મોટાં કષ્ટો વેઠીને જે સુખો મેળવેલાં હોય તે પણ ટળી જાય છે તો પછી હે ભાઇ, એવા સુખોને અજ્ઞાની-મૂર્ખ મનુષ્યો સિવાય કોણ ઇચ્છે? આવી સમજણથી પૂર્વે રાજાઓ અને ઋષિઓએ વિચારીને ત્યાગનો માર્ગ ગ્રહણ કર્યો હતો. આ બધું જોવા સાંભળવા સમજવા છતાં અભાગી મનુષ્યોને તેમાંથી વૈરાગ્ય થતો નથી.