ધન્યાશ્રી
પછી એના શિષ્ય થયા ભૂપાળજી, એમ કરતાં પાછો પડી ગયો કાળજી;
આવ્યા એ ચોરટા સાધુ થઈ ઘાલી માળજી, તેને ઓળખ્યા જયદેવે તતકાળજી. ૧
ઢાળ
તતકાળ તેને ઓળખી, બહુ બહુ કરાવે છે સેવ;
ત્યારે ચોરટે પણ જાણિયું, આ ખરો ખૂની જયદેવ. ૨
આવ્યા અરિના હાથમાં, હવે ઉગર્યાની આશા સહિ;
જોઈ અપરાધ આપણો, માર્યા વિના એ મૂકે નહિ. ૩
પાપીને પાપ પોતાતણાં, આવ્યાં નજરે તે નિરધાર;
કહો ભાઈ કેમ કરશું, એમ ચિંતવે છે ચોર ચાર. ૪
પછી ચોરે ચાલવાનું કર્યું, ત્યારે અપાવ્યાં ઘઉં ગાડાં ભરી;
આગળ જઈ ક્યાંક ઉતર્યા, ગાડાંવાળાને વાત કરી. ૫
જયદેવ જાતનો ઝાંપડો, રાજાના ગુન્હામાં આવ્યો હતો;
અમને સોંપ્યો હતો મારવાને, ત્યારે અમે મેલ્યો એને જીવતો. ૬
તે ગુણે આપ્યાં ઘઉંનાં ગાડલાં, વળી બીન્યો પણ મનમાં સહી;
જાણ્યું એમ મારી જાતનું, રખે રાજાને આપે કહી. ૭
એમ કહેતાં ફાટી અવનિ, પહોંચ્યા ચોર ચારે પાતાળ;
ગાડાં વાળી ઘેર લાવિયાં, કહ્યું વૃત્તાંત થયું તેહ કાળ. ૮
ત્યારે જયદેવે ઘસ્યા કરચરણને, થયા સાજા તે સમયે સોય;
જુઓ વિચારી જન મને, એવા ક્ષમાવાન કોણ હોય. ૯
સાચા જન તેને જાણિયે, ખરી ક્ષમા રાખે મનમાંય;
નિષ્કુળાનંદના નાથને, એથી વા’લું નથી બીજું કાંય. ૧૦
વિવેચન :
હવે તે રાજા જયદેવજીનો શિષ્ય બન્યો. કેટલાક વર્ષો પછી ફરી મોટો દુષ્કાળ પડ્યો તે વખતે પેલા ચોર નિર્વાહ કરવા સારુ ગળામાં માળાઓ પહેરી, સાધુઓનો વેશ ધારણ કરીને ભિક્ષા માગવા લાગ્યા. દૈવયોગે તેઓ ફરતા ફરતા જ્યાં જયદેવજી બેઠા હતાં. ત્યાં જ ભિક્ષા માટે આવી ચડ્યા. જયદેવે તેમને જોતાંવેત ઓળખી લીધા, છતાં તેઓ તેમની સેવા કરાવવા લાગ્યા. ચોર પણ જયદેવને ઓળખી ગયા હતા. તેમણે માન્યું કે આ જયદેવ આપણને સપડાવવા માટે સેવા કરાવે છે, માટે ખરો ખૂની છે અરેરે! આપણે તો ખરેખરા દુશ્મનના હાથમાં સપડાઈ ગયા. હવે ઉગરવાની આશા ક્યાંથી હોય? આપણો ગુન્હો યાદ કરીને તે માર્યા વિના છોડશે નહિ. આમ તેને પોતાના પાપ નજર આગળ દેખાવા લાગ્યાં. પછી તો તેઓ વિચારવા લાગ્યા કે હવે શું કરવું? ત્યાંથી રજા માગીને નીકળી જવા ઉતાવળ કરવા લાગ્યા. જયદેવજીએ રોકવાનો આગ્રહ કર્યો પણ રહ્યા નહિ. ત્યારે દુષ્કાળનો સમય જાણીને તેમના નિર્વાહ માટે ઘઉંનાં ગાડાં ભરીને જયદેવે સાથે અપાવ્યા અને કહ્યું કે ‘આ લેતા જાઓ’ તે ગાડાં લઇને તેઓ જલદીથી ચાલી નીકળ્યા. રસ્તે જતા કોઇ સ્થળે મુકામ કર્યો ત્યાં ગાડાંવાળાઓ સાથે એ દુષ્ટોએ એમ વાત કરી કે ‘અલ્યા તમે જાણો છો? પેલો જયદેવ તો જાત્યનો ઝાંપડો છે ઝાંપડો. એ તો રાજાના વાંકમાં આવેલો એટલે એમને ઠાર મારવાનું અમને ફરમાન થયું હતું, પણ દયા આવવાથી અમે તેમને જીવતો મૂકી દીધો. આ તેના ઉપર અમારો ઉપકાર હતો. વળી પોતાની જાતને પોતે ઝાંપડો છે-તેની રાજાને ખબર ન પડી જાય માટે અમારી બીકથી અમને રાજી રાખવા આ ઘઉંના ગાડાં ભરી દીધાં છે.’ આવા વચનો એ દુષ્ટોએ ઉચ્ચાર્યાં એટલામાં તો ધરતી ધ્રૂજી ઊઠીને કડ્ડ્ડ્ કરતી ફાટી અને તેના પોલાણમાં એ ચારે દુષ્ટો ઉતરી પાતાળમાં ગરક થઇ ગયા.
પેલા ગાડાંવાળા તો ગાડાં પાછા હંકારી લાવ્યા ને જયદેવજીને બધી વાત કરી. ચોરોની આ દશા સાંભળી જયદેવજીના દિલમાં અત્યંત દુઃખ થયું. તેના પર અનુકંપા જાગી અને તેમણે પોતાના લૂલા પાંગળા હાથપગ જમીન પર ઘસ્યા, એટલામાં તેમના અપંગ હાથપગ મૂળ હતા તેવા સાજા બની ગયા. જુઓ, આવા ક્ષમાવાન કોણ હોય? ભગવાનના સાચા ભક્ત તેને જ જાણવા જેને મનમાં આવી અખૂટ ક્ષમા ભરી હોય. આવા ક્ષમાવાનથી ભગવાનને વિશેષ બીજું કોઇ વહાલું નથી