ધન્યાશ્રી
ત્યારે પ્રહ્લાદ કહે પિતા એ સારુંજી, ભણીશ જેમાં ભલું થાશે મારુંજી;
એટલું વચન માનીશ તમારુંજી, એવું સુણી સુતથી તેડ્યા અધ્યારુજી. ૧
ઢાળ
અધ્યારુ શંડામર્ક જે, તેને કહે છે એમ ભૂપાળ;
ભણાવો આને વિદ્યા આપણી, જાઓ તેડી બેસારો નિશાળ. ૨
પ્રહ્લાદ બેઠા પછી પઢવા, લખી આપ્યા આસુરી અંક;
તેને તર્ત ટાળી લખ્યા, નારાયણ થઈ નિઃશંક. ૩
ત્યારે શંડામર્ક કે’ સમજીયે, ભાઈ એ નહિ આપણું કામ;
એ છે વેરી આપણા અતિ, તેહનું ન લખવું નામ. ૪
ત્યારે પ્રહ્લાદ કહે પાપી જનના, હશે શત્રુ શ્રીભગવાન;
મારે તો સદા એ મિત્ર છે, આદ્ય અંતે મધ્યે નિદાન. ૫
ત્યારે શંડામર્ક એમ સમયા, છે આ વાતમાં વિવાદ;
એમ કહી ઉપેક્ષા કરી, ત્યારે કહે છે બાળકને પ્રહ્લાદ. ૬
મરી જાવું સહુને મૂરખો, શીદ ચઢો છો બીજે નોર;
ભજો શ્રી ભગવાનને, તજો બીજો શોર બકોર. ૭
જેને ભજ્યે જગ જીતી જાયે, અને થાય સુખિયા સદાય;
તેને તજી બીજું બોલે જેહ, તેહ કૃતઘ્ની કે’વાય. ૮
અમૂલ્ય તન જેણે આપિયું, આપ્યો સરવે સુખનો સમાજ;
તેને ભજિયે ભાવે કરી, તો સરે તે સઘળાં કાજ. ૯
ત્યારે બાળક સહુ બોલિયાં, જેમ કે’શો તેમ કરશું;
નિષ્કુળાનંદનો નાથ ભજતાં, નહિ થાય અમારું નરસું. ૧૦
વિવેચન :
પછી પ્રહ્લાદે કહ્યું કે પિતાજી, ‘સારુ’. જે રીતે મારું હિથઈેં એ રીતે ભણવાનું રાખીશ. પછી હિરણ્યકશિપુએ શંડામર્ક ગુરુને બોલાવીને કહ્યું કે પ્રહ્લાદને નિશાળે બેસારો અને તેને આપણી(આસુરી) વિદ્યા ભણાવો. પ્રહ્લાદ જ્યારે નિશાળે ભણવા બેઠા ત્યારે ગુરુએ તેમને આસુરી વિદ્યાના અંક-અક્ષરો લખી આપ્યા અર્થાત્ અંક-અક્ષર તો દૈવી અને આસુરીના કોઇ અલગ અલગ હોતા નથી. પરંતુ પાકા આસુરી થવાના રહસ્યસૂત્રો થોડાં બતાવ્યાં હશે કે કોઇ સારો વિષ્ણુનો-ભગવાનનો ભક્ત હોય તો તેને કનડવાનું ભૂલવું નહિ, તેનું કામ બગાડવામાં પોતાનું નુકશાન થાય તોપણ તેનું તો બગાડી જ નાખવું વિગેરે વિગેરે (સ.જી.પ્ર.૨ અ.૧૭ પ્રમાણે) બતાવ્યા હશે એમ ધારી શકાય છે. પરંતુ પ્રહ્લાદે તો તેને તુરત ભૂંસી નાખ્યા અને નિઃશંક-નિર્ભય થઇને નારાયણ એવા અક્ષરો લખ્યા તે જોઇને ગુરુ શંડામર્કે તેને સમજાવ્યું કે ભાઇ પ્રહ્લાદ, આ નામ(નારાયણ) લખવું આપણું(અસુરોનું) કામ નથી. ભાઇ, નારાયણ તો આપણા વેરી છે તેનું નામ આપણે ન લખાય. તેને આપણે યાદ પણ ન કરાય. ત્યારે પ્રહ્લાદે કહ્યું કે ભગવાન તો પાપીજનોના વૈરી ગણાય છે. પરંતુ મારા તો તે વેરી નથી, મારા તો ત્રણેય કાળમાં સદાય મિત્ર છે. ત્યારે શંડામર્કે આવા શબ્દો સાંભળીને વાતમાં વધારે વિવાદ થઇ જશે. વળી એકદમ નાનો બાળક છે, હઠ પકડી છે માટે અત્યારે તેની સામે ઝાઝી હઠ ન કરાય એમ જાણીને વાતને જતી કરી દીધી. તેમના તરફ વધારે ધ્યાન ન આપ્યું. પરંતુ પ્રહ્લાદે તો બીજા બાળકોને પણ કહેવા માંડ્યું કે ભાઇઓ, આપણે બધાને મૃત્યુના મુખમાં હોમાય જવાનું છે. કોઇ બચવાનું નથી માટે મિત્રો, મૂર્ખ બનીને ભગવાન સિવાય બીજે રસ્તે(ભામે) શા માટે ચડી જવું? બીજો જગતનો ડખ્ખો (હાયવોય) છોડી દઇને ભગવાનને ભજો, જેને ભજવાથી આ સંસારને જીતી જવાય છે અને હંમેશાં સુખી થવાય છે. તેને ભૂલી જઇને જે બીજી જગતની વાતો કરે છે તે કૃતઘ્ની કહેવાય છે તેને જીવ ઉપર ભગવાને કરેલા ઉપકારની ખબર જ નથી, કોઇ ગણતરી જ નથી. જે ભગવાને આવું અમૂલ્ય માનવ શરીર આપ્યું છે અને સુખનાં સાધનો આપ્યાં છે. કલ્યાણના પરમ સાધન રૂપ આ શરીરથી જો ભગવાને ભાવથી ભજીએ તો તમામ કાર્યો સફળ થાય છે અને થઇ ગયાં ગણાય છે. આવી પ્રહ્લાદની વાત સાંભળી તમામ બાળકો બોલી ઊઠ્યા કે હે પ્રહ્લાદજી ! જેમ તમે કહેશો તેમ જ અમે કરીશું.(અમને ગુરુના ઉપદેશ કરતાં પણ તમારો ઉપદેશ ખૂબ ગમે છે.) તમે જે ભગવાનની વાતો કરો છો તેનું ભજન કરતા અમારું અકલ્યાણ ક્યારેય નહિ થાય એવો અમને દૃઢ તમારો વિશ્વાસ છે