ધન્યાશ્રી
આરુણી ઉપમન્યુ આપત્ય ધૌમ્યના શિષ્યજી, ગુરુ આગન્યામાં વરતે અહોનિશજી;
જાય અન્ન જાચવા હરખે હંમેશજી, આણી આપે ગુરુને નાપે ગુરુ તેને લેશજી ૧
ઢાળ
લેઈં ન આપે જ્યારે શિષ્યને, શિષ્ય જાચે અન્ન પછી જઈ;
ત્યારે ગુરુ કહે ગરીબ ગૃહસ્થને, ફરી ફરી પીડવા નહિ. ૨
ત્યારે પય પળી પીને વળી, કરે છે તેહ નિરવાહ;
ત્યારે ગુરુએ પય વત્સફીણની, પાડી છે ચોખી નાહ. ૩
પછી ખાધાં તેણે ક્ષુધામાંહિ, અર્કપાન થયા તેહ અંધ;
વનથી આવતાં વાટમાં, પડી ગયા છે કૂપમધ્ય. ૪
આવ્યાની વેળા વહી ગઈ, ત્યારે ગોતવા ગુરુ નિસર્યા;
પોકાર કરતાં પડેલ કૂવામાં, સામસામા સાદ કર્યા. ૫
પછી કૂવામાંથી કાઢી કહ્યું, ઉપમન્યું તું છે મારો દાસ;
મને તેં પ્રસન્ન કર્યો, હવે માગ્ય કાંઈક મુજ પાસ. ૬
એમ ગુરુની આગન્યા, જે પાળે પરમ સુજાણ;
નિરવિઘન તે નર થઈ, પામે પદ નિરવાણ. ૭
મન ગમતું મેલી કરી, રહે આજ્ઞાને અનુસાર;
તેજ શિષ્ય સાચા ખરા, બીજા સરવે સંતાપનાર. ૮
કુક્કર કાનના કીટ સરિખા, શિષ્ય ન થાવું સમઝી;
ગુરુ વાળે તેમ વળવું, અહંતા મમતા મનની તજી. ૯
ગુરુકૃપાએ સુખ પામીયે, ગુરુકૃપાએ ઉપજે જ્ઞાન;
નિષ્કુલાનંદ ગુરુ કૃપા કરે તો, આપે અવિચળ દાન. ૧૦
વિવેચન :
એક ધૌમ્ય નામના ઋષિ હતા તેમને ત્યાં હજારો શિષ્યો ભણવા માટે આવતા. તેમાં આરુણી અને ઉપમન્યુ નામના બે શિષ્યો પણ હતા. જૂના સમયમાં ગુરુ શિષ્યોની આકરી કસોટી કરતા. એ કસોટીમાંથી જે પાર ઉતરે તે સાચા શિષ્યને તેઓ પ્રસન્નતાપૂર્વક પોતાની વિદ્યા આપતા હતા. આરુણી અને ઉપમન્યુ તો ગુરુની આજ્ઞામાં જ કાયમ વર્તતા હતા. તેમાં ઉપમન્યુ રોજ વસ્તીમાંથી ભિક્ષા માગવા જતો અને જે કાંઇ ભિક્ષાનું અન્ન આવે તે ઉમંગથી ગુરુ આગળ મૂકી દેતો હતો, પરંતુ ગુરુએ ઉપમન્યુની કસોટી કરવાનો નિરધાર કર્યો. પછી તો ઉપમન્યુ જે કંઇ ભિક્ષા લાવે તે ગુરુ એ બધી જ લઇ લેવા માંડી ને તેમાંથી તેને લેશ માત્ર આપે નહિ! આથી ઉપમન્યુ ભૂખ્યો રહેવા લાગ્યો એટલે તે ફરીવાર ભિક્ષા માગવા જવા માંડ્યો. ત્યારે ગુરુએ કહ્યું કે ‘ઉપમન્યુ, તારે ફરીવાર ભિક્ષા લેવા ન જવું કેમ કે ગરીબ ગૃહસ્થો પાસે ફરી ફરી માગીને તેને સંતાપવા ન ઘટે.’ આ આજ્ઞા પ્રમાણે ઉપમન્યુએ ફરી ભિક્ષા માગવી બંધ કરી, પરંતુ ભૂખ ન સહન થવાથી તે ગુરુની ગાયો ચારવા જતો. ત્યાં ગાયોનું બહુ જ થોડું દૂધ પીને રહેવા લાગ્યો ત્યારે ગુરુએ તે જાણ્યું ત્યારે તે બોલ્યા કે ‘ઉપમન્યુ, ગુરુની ગાયોનું દૂધ એમ પૂછ્યા વિના પીવાય નહિ.’ ત્યારે તે કહે ‘સારુ, ગુરુજી ! દૂધ નહિ પીઉં,’ પણ પાછા ઉપવાસ થયા, ભૂખ્યા રહેવાયું નહિ એટલે ગાયોને ધાવતાં વાછરડાંને હોઠે દૂધના ફીણ વળતા હતા તે જીભથી ચાટવા લાગ્યો. વળી ગુરુજીએ કહ્યું કે ‘ઉપમન્યુ, વાછરડાંને મોઢે ચોંટેલા દૂધના ફીણ પણ ચાટવા તે યોગ્ય નહિ. તે વાછરડાંના ભાગના કહેવાય.’ ત્યારે ઉપમન્યુએ ફીણ ચાટવાનું પણ છોડી દીધું. પછી તો ગુરુની ગાયો વગડામાં ચારવા જતા બીજું કશું જ ખાવાનું ન મળતા તેણે આંકડાના સૂકાઈ ગયેલાં પાંદડાં ખાધા, પરંતુ તેની અતિશય ગરમી લાગવાથી તે રતાંધળો થઇ ગયો, તેથી થોડું અંધારું થાય ત્યાં દેખતો મટી ગયો. એક દિવસ ગાયો હાંકીને ગુરુને આશ્રમે આવતા વચ્ચે સાંજ થઇ ગઇ અને રસ્તામાં એક ખાલી કૂવો આવ્યો તે તેને દેખાયો નહિ, તેથી તેમાં તે પડી ગયો. ગાયો તો દરરોજના ક્રમ પ્રમાણે ઘેર આવી પણ ઉપમન્યુ આવ્યો નહિ, તેથી અંધારામાં તેને શોધવા માટે ગુરુ ચાલ્યા, પણ ઉપમન્યુને ક્યાંય દેખ્યો નહિ. તેથી ગુરુએ ઊંચા અવાજે સાદ કર્યો. તે સાંભળી ઉપમન્યુએ કુવામાંથી હોંકારો દીધો. પછી તેને કૂવામાંથી બહાર કાઢ્યો અને બધી હકીકત પૂછતાં ઉપમન્યુએ ગુરુની આજ્ઞા કેવી ચીવટથી પાળી તે જણાવ્યું. આથી ગુરુ તેના પર અતિ પ્રસન્ન થયા અને ‘તું મારો સાચો શિષ્ય છો’ એમ કહી તેને વરદાન આપ્યું. આવા જે શિષ્યો સાચી સમજણપૂર્વક ગુરુની આજ્ઞા પાળે છે તે પરમપદ ને પામે છે. વળી આ રીતે જે પોતાના મનનું ગમતું મેલીને ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તે છે તે જ સાચા શિષ્ય કહેવાય. એ વિના બીજા તો સંતાપ આપનારા જ માનવા, માટે શિષ્યોએ કૂતરાના કાનમાં ચોંટેલા ગીંગોડાની પેઠે ગુરુનું લોહી પીને જાડાપાડા થનારા શિષ્ય ન થવું, પણ સમજપૂર્વક પોતાના અહંભાવ તથા મમતા મનમાંથી મૂકી દઇ જેમ ગુરુ વર્તાવે તેમ વર્તવું, કેમ કે સદ્ગુરુની કૃપાથી જ સુખ થાય છે અને સદ્ગુરુની કૃપાથી જ જ્ઞાન થાય છે અને અવિચળ પ્રાપ્તિ પણ ગુરુકૃપાજ કરાવે છે, ગુરુકૃપાથી જ મળે છે.