કડવું-54

ધન્યાશ્રી

વળી ઋષી એક જાણો જાજળીજી, આરંભ્યું તપ અતિ વિષમ વળીજી;

કર્યું હરિધ્યાન તેણે તનસૂધ ટળીજી, આવ્યાં વનવિહંગ ઘણી સુઘરિયો મળીજી. ૧

ઢાળ

સુઘરિયે મળી માળા ઘાલ્યા, વળી બેઉ કાનની કોર;

ઈંડાં મૂકીને અહોનિશ, કરે છે શોર બકોર. ૨

અડગ પગે તે ઊભા રહ્યા, વળી જાય ન આવે ક્યાંય;

જાણે પંખીને પીડા ઉપજશે, એવી દયા ઘણી દિલમાંય. ૩

ચારે દિશે જાય ચણ્ય સારુ, વળી આવી રહે ત્યાં રાત;

પછી ઈંડાં મટી અંડજ થયાં, ગયાં ઊડી પ્રભાત. ૪

તોય જાજળી જોઈ રહ્યા, દિન કેટલાક સુધી વાટ;

પાછાં ન આવ્યાં પંખી જ્યારે, ત્યારે તજ્યો મન ઉચ્ચાટ. ૫

એના જેવી દયા દિલમાં, રાખવી અતિ ધરી ધીર;

જીણાં મોટા જીવનું સહેવું, સુખ દુઃખ તે શરીર. ૬

આપણે અંગે પીડા આવતાં, જો થાય સામાને સુખ;

તો ભાવે કરી ભોગવિયે, દિલમાં ન માનિયે દુઃખ. ૭

અલ્પ જીવ ઉપર વળી, રાખવો નહિ રોષ એક રતિ;

સ્થાવર જંગમ જીવ ઉપર, પરહરવી હિંસક મતિ. ૮

પરને પીડા કહું કરવી, એતો કામ છે કસાઈનું;

સર્વેને સુખ થાવા ઈચ્છવું, એહ કૃત્ય છે સંત સુખદાઈનું. ૯

એહ મત ખરો હરિભક્તનો, નવ પીડવાં પ્રાણધારીને;

નિષ્કુળાનંદનો નાથજી રીઝે, એવું કરવું વિચારીને. ૧૦

વિવેચન :

એક જાજળી નામના ઋષિ હતા તેણે અતિ કઠણ તપનો આરંભ કર્યો તેઓ ભગવાનનું એવું એકતાર ધ્યાન લગાવીને બેસી ગયા કે પોતાના શરીરની શુદ્ધિ જ ન રહી. પછી તો સુઘરી આદિક વનના પક્ષીઓએ આવીને બેઉ કાનમાં માળા કર્યા. તે માળામાં ઇંડાંઓ પણ મૂક્યાં અને દરરોજ કિલકિલાટ મચાવી મૂકે. ઋષિએ જાણ્યુ કે જો હું હાલીશ ચાલીશ તો બિચારાં પંખીડાં ઊડી જશે અને તેને પીડા થશે. આવી અતિશય દયા લાવીને એક પગે સ્થિર થઇને જ ઊભા રહ્યા. ક્યાંય પણ જવા આવવાનું રાખ્યું નહિ. પછી પેલા પંખીઓ ચારે તરફ ચણવા જાય અને માળામાં પાછા આવીને રાત રહે. એમ કરતા કરતા પંખીનાં ઇંડાંમાંથી બચ્ચાં થયાં. તે બચ્ચાં પણ પાંખો આવ્યા પછી એક પ્રભાતે ઊડી ગયાં, તો પણ કદાચ તે પોતાના માળામાં પાછાં આવશે. એમ ધારી ઋષિએ કેટલાક દિવસ સુધી તેની રાહ જોઇ પરંતુ તે પંખીઓ પાછાં ન આવ્યાં ત્યારે જ તેની ચિંતા ઋષિએ તજી દીધી.

ભગવાનના ભક્તોએ આવી દયા નિર્દોષ જીવો ઉપર અતિશય ધીરજપૂર્વક અંતરમાં રાખવી ઘટે અને પોતાને આશરે રહેલા નાના મોટા જીવો તરફથી સુખદુઃખ આવે તે શરીરે સહન કરવું જોઇએ. કદાચ આપણા અંગમાં પીડા થાય તો પણ જો સામા કોઇને સુખ થતું હોય તો મનમાં દુઃખ માન્યા સિવાય તે દુઃખ ભાવપૂર્વક ભોગવવું. નાના પ્રાણીઓ ઉપર સહેજ પણ રોષ ન રાખવો જોઇએ ને સર્વ સ્થાવર જંગમ જીવો તરફ હિંસાની વૃત્તિ તજી દેવી. બીજાને પીડા આપવી એ કામ તો ઘાતકી કસાઇ વર્ગનું છે. ત્યારે ‘સર્વે સુખિનઃ સન્તુ…..’ એવી ઇચ્છા રાખવી એ સુખદાતા સંતોનું કર્તવ્ય છે. માટે હરિભક્તનો ખરોમાર્ગ એ છે કે કોઇ પણ પ્રાણધારીને દુઃખ ન દેવું ને વિચારપૂર્વક એવી રીતે વર્તવું કે જેથી ભગવાન રાજી થાય.