ધન્યાશ્રી
એવા તો સનકાદિક સુજાણજી, વિષયસુખ દુઃખરૂપ જાણી તજી તાણજી;
ભજી પ્રભુ પામિયા પદ નિર્વાણજી, એહ વાત સરવે પુરાણે પ્રમાણજી. ૧
ઢાળ
પુરાણે વાત એહ પરઠી, સનકાદિક સમ નહિ કોય;
વેર કરી વિષય સુખ સાથે, ભજ્યા શ્રીહરિ સોય. ૨
જેહ સુખ સારુ શિવ બ્રહ્મા, સુર અસુર નર ભૂખ્યા ભમે;
તે સુખ સનકાદિકને, સ્વપ્નામાં પણ નવ ગમે. ૩
ભકિત કરી હરિને રિઝવ્યા, માગો માગો કહે શ્રીઘનશ્યામ;
માગિયે વય વર્ષ પાંચની, વળી રહિયે સદા નિષ્કામ. ૪
પછી પામી અવસ્થા વર્ષ પાંચની, સર્વે લોકમાં ફરે સુજાણ;
સુણાવે કથા શ્રીકૃષ્ણની, કરે બહુ જીવનાં કલ્યાણ. ૫
ઊંડી અંતરથી ઈચ્છા ગઈ, સ્પર્શ સુખ ત્રિયા તનની;
એની પેઠે કરો આપણે, મેલી દિયો ઈચ્છા મનની. ૬
નિરવિષયી ગમે છે નાથને, વિષય વિકળ ગમતા નથી;
જેમ સમળ નર બેસે સભામાં, સહુ જાણે ઊઠી જાયે આહીંથી. ૭
ઉપર બન્યા બહુ ઊજળા, માંયે મેલની મણા નથી;
એવા જન જોઈ જગપતિ, અભાવ કરે છે ઉરથી. ૮
ઈચ્છાઓ અનેક ઉરમાં, ખાન પાન સ્પર્શ સુખની;
એવા ભકતની ભગતિ, હરિ વદે નહિ વિમુખની. ૯
પંચ વિષયની પટારિયું, ઘણી ઘાટે ભરી ઘટમાંય;
નિષ્કુળાનંદ કહે નાથના, એહ ભક્ત તે ન કહેવાય. ૧૦
વિવેચન :
એવા જ્ઞાની વિચક્ષણ સંતો તો સનકાદિક હતા, જેઓએ વિષયસુખને દુઃખરૂપ જાણીને તેની ઇચ્છાનો મૂળથી જ ત્યાગ કર્યો હતો. અને પ્રભુને ભજીને મુક્ત પદવીને પામ્યા હતા. એ વાત સર્વે પુરાણોમાં પ્રસિધ્ધ ને પ્રમાણિત થયેલી છે કે વિષયસુખ સાથે વેર બાંધીને ભગવાનને ભજવામાં સનકાદિક સમાન કોઇ નથી. જે સુખને(સ્ત્રીસુખને) શિવ, બ્રહ્મા, દેવ, દાનવ અને માનવો ઇચ્છી રહ્યા છે. તે (સ્ત્રીસુખ) સનકાદિકને સ્વપ્નમાં પણ ગમતાં નથી. ભક્તિ કરતાં કરતાં ભગવાને રાજી થઇને જ્યારે તેમને વરદાન માગવાનું કહ્યું ત્યારે સનકાદિકોએ એવું માગ્યું કે ‘હે પ્રભુ, અમે કાયમ ઉર્ધ્વરેતા(સ્વપ્નદોષથી પણ રહિત) નિષ્કામી રહીએ માટે અમારી ઉંમર પણ સદાય પાંચ વર્ષની જ રહે એવું વરદાન આપો.’ પ્રભુએ પ્રસન્ન થઇને તેમને એ વરદાન આપ્યું. ત્યાર પછી એ ચારે સનકાદિક જ્ઞાની ઋષિઓ બધા લોકમાં ફરતા રહે છે અને ભગવાનની કથા સંભળાવીને અનેક જીવોના કલ્યાણ કરે છે. એમણે જેમ સ્ત્રી સંબંધી સ્પર્શસુખની ઇચ્છા અંતરમાંથી મૂળથી ઉખેડીને તજી દીધી તે રીતે આપણે પણ એમ જ કરો અને મનની એવી ઇચ્છાઓના મૂળ ઉખેડી નાખો કેમ કે ભગવાનને નિર્વિષયી જીવો બહુ ગમે છે, નિષ્કામી ભક્તો ભગવાનને બહુ વહાલા લાગે છે પણ વિષયને માટે વિકળ વૃત્તિવાળા જનો હોય તે ગમતા નથી. જેમ મળથી ખરડાયેલો-ગંધારો કોઇ મનુષ્ય આવીને સભામાં બેસી જાય તો બધા તેનાથી દૂર ખસી જાય અને સહુ એમ ઇચ્છા કરે કે આ અહીંથી જલદી દૂર થઇ જાય તો ઠીક. વળી કદાચને ઉપરથી ચોખ્ખા ને ઉજળા બની રહ્યા હોય, પરંતુ અંતર દોષોથી ગંધાતુ હોય, અંતર્શત્રુરૂપી મેલથી ભરપુર હોય એવા જનોને જોઇને તો ભગવાનને વધારે અભાવ આવે છે કારણ કે ઝાઝા શ્રદ્ધાળુ ભક્તોને તેનાથી છેતરાવાની સંભાવના રહે છે. જેના અંતરમાં ખાવું, પીવું, સ્પર્શસુખ કે માન-મોટાઇ મેળવવા એવી અનેક વાસનાઓ ભરેલી છે એવા ભક્તના વેશમાં કે સંતના વેશમાં હોય તો પણ તે ભક્ત-સંત નથી. નિષ્કુળાનંદ સ્વામી કહે છે તે તો વિમુખ છે તે ગમે તેટલી ઉપરથી કદાચ ભક્તિ કરે તો પણ એવા વિમુખની ભક્તિને ભગવાન સ્વીકારતા નથી. મતલબ કે જેના હૃદયમાં પંચ વિષય સંબંધી સુખના સંકલ્પોના ઘણા પેટી-પટારા ભરી રાખ્યા હોય તે ભગવાનના ભક્તો જ નથી.