ધન્યાશ્રી
ટેક એક નેક શુકજીની સારીજી, મતિ અતિ મોટી સૌને સુખકારીજી;
ગજપુર આવ્યા રાય પાસે વિચારીજી, પંથમાં પીડા પામ્યા મુનિ ભારીજી. ૧
ઢાળ
ભારે પીડા પામિયા પરથી, કરી બહુ બહુ ઉપહાસ;
ઉન્મત્ત જાણી કહે કઠણ વાણી, ડરાવે દેખાડી ત્રાસ. ૨
કોઈક નાખે ગોબર ઠોબર, પિશાબ ઈંટ પાણા કઈ;
કોઈક સંચારે છે સળિયા, પાપી નર પૂંઠ્યમાં લઈ. ૩
કોઈક તાડે તાલી પાડે, પમાડે દુઃખ વિમુખ ઘણું;
શોક હરખ તેનો શુકજીને, નથી અંતરની માંય અણુ. ૪
કે’તા નથી તેનું કોઈને, જાણી જકતના જીવ અજાણ;
એવા થકા આવ્યા નરેશ પાસે, કર્યું રાજાનું કલ્યાણ. ૫
આગે વ્યાસને આપ્યો જેણે, ઉત્તર જન વનમાં રહી;
આવરણ રહિત આત્મદર્શી, એવા સમર્થ શુકજી સહી. ૬
સમર્થ પણ એ સર્વે સહ્યું, અસમર્થ સહે તેનું શું કહીએ;
આજ તપાસો આપણું, એના જેવા નથી કે છઈએ. ૭
ભક્તની રીત જો ભક્તમાં, જન જાણો જોઈએ જરૂર;
પોતાની રીત પરહરી પરી, હરિદાસ ન કરવી દૂર. ૮
વેષે લેશ લેવાય નહિ, શાહુકાર નરેશનું સુખ;
બેાલી દેશી તો બહુ તેમજ કરે, પણ દામ હૂકમનું રહે દુઃખ. ૯
ઓઢી અજિન અંગે સિંહનું, જંબુક કરે જેમ જોર;
નિષ્કુળાનંદ એહ વાતનો, અંતે નહિ આવે નોર. ૧૦
વિવેચન :
એવી ખરેખરી ટેકવાળા શુકદેવજી યોગી હતા, જેમની બુદ્ધિ ઘણી વિશાળ અને સર્વ લોકોને સુખદાયક હતી. એક સમયે તે શુકદેવજી પોતાની ઉન્મત્ત દશામાં ફરતા ફરતા હસ્તિનાપુર નામની પરીક્ષિત મહારાજની રાજધાનીમાં આવી ચડ્યા. અને કંઇક વિચાર કરી રાજા પાસે ગયા. તેને રસ્તામાં ઘણુ સંકટ પડ્યું હતું. કેટલાકે તેમને ગાંડા ગણી ઠઠ્ઠા મશ્કરી કરીને ગાળો દીધી અને ત્રાસ આપીને ડરાવ્યા. કેટલાકે છાણ, મૂત્ર, માટીના ઠોબારા, અને ઇંટ, પથ્થરા પણ ફેંક્યા હતા. કેટલાક પાપીઓએ દિગમ્બર અવસ્થા જોઇને પાછળ સળિયા વગેરે મારતા હતા. કેટલાક તેવું જોઇને તાળીઓ પાડતા હતા. આમ પ્રભુના ડર વિનાના વિમુખ લોકોએ અતિશય ત્રાસ આપ્યો, છતાં શુકજીના અંતરમાં હર્ષ શોકની રંચ માત્ર અસર થઇ નહિ. જગતના જીવો તો એવા અજ્ઞાની અને પામર જ હોય એમ માનીને તેઓ પોતાનું દુઃખ કોઇને જણાવતા ન હતા. આમ કરતા કરતા તેઓ પરીક્ષિત રાજા પાસે આવી પહોંચ્યા અને તેને જ્ઞાનનો ઉપદેશ આપી તેનું કલ્યાણ કર્યું. લોકો જેને ગાંડો છે કે નાગો બાવો છે એમ માનીને ત્રાસ આપતા હતા તે આ શુકદેવજી જ્યારે જનમ્યા ત્યારે જન્મતાં વેત જ માતાના ઉદરમાંથી ઓરનો પછેડોે ખંભે નાખીને ભાગ્યા હતા, કેમ કે રખે ને થોડુંક ઘરમાં રહેવાથી પણ કદાચ જગતનો મોહ જાગે, રખે માયાનો પાશ લાગી જાય તો! જ્યારે પોતાના એકના એક પુત્ર શુકજીને આમ ઘર તજીને ભાગતા જોયા ત્યારે તેમના પિતા ભગવાન વેદવ્યાસજી તેમને પાછા વાળવા સારુ પાછળ નીકળ્યા. પણ શુકજી તો ઉતાવળા ચાલીને દૂર નીકળી ગયા. કેટલેક દૂર જતા તેને પહોંચી નહિ શકાય એમ ધારી વ્યાસજીએ અવાજ કર્યો કે ‘હે પુત્ર શુકદેવ, તમે પાછા વળો’ આ અવાજ વ્યાસજીએ પોતાના અદ્ભુત સામર્થ્યથી સ્થાવરજંગમ તમામ પદાર્થોમાં વ્યાપીને કર્યો. આથી સૃષ્ટિના સર્વ પદાર્થ બોલી ઉઠ્યા ‘હે પુત્ર શુકદેવ ! પાછા વળો’ આવો સ્થાવર જંગમમાં વ્યાપીને કરેલો અને અણુ અણુમાંથી ઉઠેલો અવાજ સાંભળીને શુકજીએ ઉત્તર આપ્યો કે ‘પિતાજી મારે તપ કરવું છે, હું પાછો નહિ વળું’ આ જવાબ પણ તેમણે સ્થાવર જંગમ સર્વ પદાર્થોમાં વ્યાપીને જ આપ્યો, તેથી બધા જ પદાર્થો ફરી એ જ પ્રમાણે બોલી ઊઠ્યા હતા. આવા તે સમર્થ હોવા છતાં લોકોનો સઘળો ત્રાસ સહન કર્યો, ત્યારે કોઇ અસમર્થ સહન કરે તેમાં શું વિશેષ છે?
આજે આપણે આપણી બાજુ તપાસી જોવી જોઇએ. કે આપણે એમ વર્તી શકીએ કે નહિ? ભક્તની જે રીત છે તે ભક્તમાં જરૂર હોવી જોઇએ. માટે પોતાની સ્વભાવ રૂપ પડેલી ટેવો છોડીને ભગવાનના ભક્તની રીત રાખવી ઘટે, કેમ કે રાજા કે શાહુકારનો વેશ કાઢવાથી કાંઇ તેના વૈભવનું સુખ આવી જતું નથી. કોઇ રાજાનો કે શાહૂકારનો વેશ કાઢી તેના જેવી બોલી બોલે, ચેષ્ટાઓ કરે, હાલે ચાલે પણ નાણાં અને હૂકમ ક્યાંથી કાઢે? તેનું તો દુઃખ જ રહેવાનું. વળી શરીરે સિંહનું આખું ચામડું ઓઢીને-ખોળિયું પહેરીને શિયાળીયું કદાચ બહુ બળ બતાવે પણ અંતે તો તે બાબતનો મેળ બેસશે નહિ. અંતે તો પોતે સિંહ નથી, શિયાળીયું છે તે છતું થયા વિના રહેવાનું નથી. તેમજ પામર જીવો પોતાની પહોંચ વિના સંત કે ભક્તના જેવો જ વેશ રાખીને તેના જેવી જ નાટકીય ચેષ્ટાઓ કરીને પોતાની મોટાઇ બતાવતા ફરે તેનું પણ પરિણામ શિયાળીયા જેવું પોકળ દેખાવાનું જ.