કડવું-50

ધન્યાશ્રી

એમ કહી દેવી ગઈ છે સમાયજી, નથી હર્ષ શોક જડભરતને કાંયજી;

તેહ સમે રાજા આવ્યો એક ત્યાંયજી, નામ રહુગણ બેશી શિબિકાયજી. ૧

ઢાળ

શિબિકાનો વુઢારથી વાટમાં, પડયો માંદો આવી તેની ખોટ;

ઝાલી જડભરત જોડિયા, લીધા તે ઘડી દડિ દોટ. ૨

જડભરત જાળવે જીવજંતુ, કીડી મકોડી ન કચરાય;

દિયે તલપ તે દેખીને, તે થડક રાયે ન ખમાય. ૩

ત્યારે ભૂપ કહે છે ભોઈને, આવી કરો છો અવળાઈ કેમ;

ત્યારે ભોઈ કહે ભૂપાળને, આ નવો કરે છે એમ. ૪

ત્યારે નવા પ્રત્યે કહે નરપતિ, અતિ વસમાં લાવી વચન;

ત્યારે જડભરત બોલિયા, સુણ્ય વચન કહું રાજન. ૫

અવળાઈ જે મારા અંગની, તે કહું હું સર્વે તુજને;

તેં જે જે કહ્યું તારી જીભથી, તેનું નથી દુઃખ કાંઈ મુજને. ૬

તેં કહ્યું જોઈ આ તનને, તેહ નથી આત્મામાં એક;

દેહદર્શી તો એમ જ દેખે, જેને નથી અંતરે વિવેક. ૭

ત્યારે પૂછ્યું રાયે પિછાન પડી, લાગ્યા પાય પ્રણિપાત કરી;

ક્ષમા કરજો અપરાધ મારા, એમ કહ્યું અતિ કરગરી. ૮

એના જેવું થાય આપણે, ત્યારે પડે પૂરી પિછાન;

ખરા ખોટાની ખબર ખરી, નકી જણાયે નિદાન. ૯

ભાદે વડ ભીંડો તડોવડ્ય છે, સામું વડથી વધે છે વશેક;

નિષ્કુળાનંદ નમૂળિયાની, અંતે ટકે નહિ ટેક. ૧૦

વિવેચન :

ઉપર પ્રમાણે બોલીને દેવી તો મૂર્તિમાં સમાઈ ગઇ છે, પરંતુ જડભરતના મનમાં મરતા બચાવ્યા તેનો કાંઇ હરખ કે શોકની અસર થઇ નહિ. તેમને માટે મરવાનું હોય તો પણ ભગવાનમાં એકતાર સ્થિતિ હતી અને જીવવાનું હોય તો પણ ભગવાનમાં એકતાર સ્થિતિથી જીવતા હતા. તેથી હરખ-શોક કાંઇ થયા નહિ. એ સમયે રહૂગણ નામનો રાજા પાલખીમાં બેસીને જતો હતો, તે ત્યાંથી નીકળ્યો. તેની પાલખી ઉપાડનારા ભોયમાંથી એક જણ માંદો થઇ જવાથી એક જણ ઓછો થયો હવે તેને બદલે માણસની ખોળ કરતા આ જડભરત નજરે ચડ્યા. તેને મજૂર જેવા જાણીને એકદમ ઉપાડ્યા અને પાલખીમાં જોડી દીધા. જડભરત પાલખી ઉપાડતા ઉપાડતા પણ નીચું જોઇને ચાલતા હતા. કોઇ કીડી મકોડી વગેરે જીવજંતુ પગ તળે ન કચરાય જાય તેની કાળજી રાખતા હતા, તેથી કોઇ જંતુ પગ તળે આવી જવા જેવું લાગે ત્યાં પગ ન મૂકતા ઠેકડો મારી તેને ટપી જતા હતા. પરંતુ આમ ઠેકડો મારવાથી ખભે રાખેલી પાલખીને આંચકા લાગતા હતા અને તેના ધક્કા રહુગણ રાજાથી ખમાયા નહિ ત્યારે રાજાએ પાલખી ઉપાડનારા ભોયઓને કહ્યું કે ‘અલ્યા, આમ ચાલવામાં અવળાઇ કેમ કરો છો?’ત્યારે ભોયઓએ કહ્યું કે ‘મહારાજ, અમે તો સરખા ચાલીએ છીએ પણ નવો આવ્યો છે તે કૂદકા મારતો ચાલે છે.’ એ સાંભળીને રાજાએ ક્રોધ કરીને જડભરતને ધમકાવીને આકરાં વચનો કહ્યાં. તે સાંભળી જડભરત રહૂગણને કહેવા લાગ્યા કે ‘હે રાજન, હું કહું તે સાંભળ. તું જે અવળાઇની વાત કરે છે તથા કટાક્ષ વચન કહે છે તે એકે શબ્દો મને લાગુ પડતા નથી, પણ બધા દેહને લાગુ પડે છે. વળી તે જીભથી જેટલા કડવાં લાગે તેવા વચન કહ્યાં છે તેનું મને કાંઇ દુઃખ નથી. કેમ કે તે તો આ શરીરને જોઇને જ કહ્યું છે, પણ તે શરીરથી આત્મા તો જુદો છે, બન્ને એક નથી. જેનામાં આત્મા અનાત્માનો વિવેક નથી તેવા દેહાભિમાની લોકો તો બન્નેને એક રૂપે જ જુએ છે.’ આવા જ્ઞાનનાં વચનો સાંભળીને રાજાએ વિશેષ પૂછપરછ કરી ત્યારે તેમને ઓળખાણ પડી કે આ તો મહાત્મા જડભરતજી છે ત્યારે રાજા પાલખીથી નીચે ઉતરીને તેમના ચરણમાં પડી ગયો અને કરગરી વિનંતિ કરી કે ‘હે મહાપુરુષ, મારો અપરાધ ક્ષમા કરો’ આમ બન્યા છતાં જડભરતજીને તો હર્ષશોક કે માનઅપમાન જેવું કશું જ લાગ્યું નહિ.

એ રીતે આપણી પણ કસોટી થાય ત્યારે આપણે જેવા હોઇએ તેવી ખરી ઓળખાણ પડે છે અને ખરાખોટાની પરીક્ષા થાય છે. ઉપરથી જોતાં તો વડના છોડ સાથે ભાદરવા માસનો ભીંડો મોટા પાંદડાંથી સરખો દેખાય અને વડથી પણ કદાચ વિશેષ વધતો હોય તેમ લાગે છે પણ એવા ઋતુની અનુકૂળતામાં ઊગી નીકળેલા નમૂળિયાં (જેના મૂળ ધરતીમાં ઊંડા પેઠા ન હોય તેવા) ઝાડવાની સ્થિતિ ઊંડા મૂળવાળા મોટા વડલા જેવા વૃક્ષોની પેઠે ટકી રહેતી નથી. એ જ રીતે સત્ત્વ વિનાના નકલી આચરણ કરનારા જનોની ટેક પણ ખરે વખતે નભી શક્તી નથી, લાંબો સમય ચાલતી નથી.