કડવું-5

ધન્યાશ્રી

જેહને થાવું હોય હરિભક્તજી, તેહને ન થાવું આ દેહમાં આસકતજી;

વળી વિષયસુખથી રે’વું વિરકતજી, જેહ સુખ સારુ આ જળે છે જક્તજી. ૧

ઢાળ

જક્ત સુખમાં ન જળવું, વળી વિષય સુખને સ્વાદ;

શુદ્ધ ભક્ત શ્રીહરિતણા, થાવું જેવા જન પ્રહ્‌લાદ. ૨

પ્રહ્‌લાદ ભક્ત પ્રમાણિયે, જાણિયે જગવિખ્યાત;

હિરણ્યકશિપુ સુત હરિજન થયા, કહું ક્યાધુ જેની માત. ૩

ગર્ભવાસ માંહિથી ગુરુ કર્યા, મુનિ નારદને નિરધાર;

નિશ્ચય કર્યું હરિ ભજશું, તજશું સુખ સંસાર. ૪

પછી પ્રહ્‌લાદજી પ્રસવ્યા, વળી વીત્યાં વરસ સાત;

ત્યારે તાતે તેડાવીને, કહી નિજકુળ રીત ભાત. ૫

આસુરી વિધા આપણી, તમે પઢો કરી બહુ પ્રીત;

વિબુધ વામ વિષ્ણુ થકી, તો થાઓ અતિશે અજિત. ૬

ત્યારે પ્રહ્‌લાદે પરીક્ષા કરી, આ તો દિસે છે અસુર;

મારે એને કેમ મળશે, એમ વિચારિયું વળી ઉર. ૭

મારે ભજવા ભગવાનને, તજવી વિષય સુખની આશ;

દેહ ગેહ દારા દામથી, અતિ થાવું છે ઉદાસ. ૮

એહ વાત અસુરને, વળી નહિ ગમે નિરધાર;

માટે મારે એને નહિ મળે, એવો કર્યો ઉર વિચાર. ૯

પણ હમણાં તો એને હા કહું, વળી ના કે’વાયે કેમ;

પછી નિષ્કુળાનંદના નાથનું, થાશે જેમ ધાર્યું હશે તેમ. ૧૦

વિવેચન : 

જેને શ્રીહરિના સાચા ભક્ત થાવું હોય તેણે આ દેહમાં આસક્તિ રાખવી ન જોઇએ, તેણે દેહભાવ બિલકુલ રાખવો ન જોઇએ. તેણે આત્મભાવ તથા મહારાજને વિષે સાચો સેવક ભાવ કેળવવો જોઇએ. જેને અંતરમાં એવું થવાની ઇચ્છા હોય તેને માટે આ ધીરજાખ્યાનની કથા છે. જે સુખને માટે જગત આખુ ઝંખી રહ્યું છે, પડાપડી કરી રહ્યું છે. ભગવાનના ભક્તે-જેને મહારાજ પાસે જાવું છે તેને તે વિષયસુખથી વિરક્ત થવું જોઇએ તે વિષયસુખનું અંતરથી ખેંચાણ છોડવું જોઇએ. એવા વિષયસુખના સ્વાદ માટે જગતમાં જીવવું ન હોય, તલપાપડ થવાનું ગમતું ન હોય તેણે તો જેવા પ્રહ્‌લાદ ભક્ત હતા તેવા આપણે શ્રીજી મહારાજના શુદ્ધ ભક્ત થાવું જોઇએ.

પ્રહ્‌લાદ તો જગપ્રસિદ્ધ આદર્શ ભક્ત થઇ ગયા. કોઇપણને ભક્ત થાવું હોય તો તેમનો આદર્શ (રોલમોડલ) ધ્યાનમાં રાખવા જેવો છે અર્થાત્‌ કેવા ભક્ત થાવું છે ? તો પ્રહ્‌લાદજીના જેવા શ્રીજી મહારાજના ભક્ત થાવું છે એવો આદર્શ રાખવો જોઇએ. તેનો પિતા હિરણ્યકશિપુ હતો, તેની માતાનું નામ ક્યાધુ હતું. ગર્ભમાં હતા તે સમયે જ નારદ મુનિનો ઉપદેશ ગ્રહણ કરી લીધો હતો. તેમણે ગર્ભમાં જ નિર્ણય કરી લીધો હતો કે નારદજી ભગવાન ભજવાનો કેવો સુંદર ઉપદેશ આપે છે ! મને બહુ જ સારો લાગે છે; માટે મારે તો જન્મીને ભગવાન જ ભજવા છે ને સંસારનું તમામ સુખ છોડી દેવું છે. પછી પ્રહ્‌લાદજીનો જન્મ થયો. જન્મીને સાત વર્ષના થયા ત્યારે પિતાએ(હિરણ્યકશિપુએ) પાસે બોલાવ્યા. પ્રેમથી ખોળામાં બેસારીને પોતાના કુળની રીતભાત સમજાવતાં(સમજાવવા) કહ્યું કે બેટા પ્રહ્‌લાદ, આપણા કુળની વિદ્યા આસુરી છે તે તમે પ્રેમથી ભણો એ વિદ્યાથી દેવતાઓ, શિવજી અને વિષ્ણુથી પણ તમે અજીત થઇ જશો. પછી તે કોઇ તમને જીતી શકશે નહિ. આવું સાંભળીને પ્રહ્‌લાદે પારખી લીધું કે આ તો મોટો અસુર જણાય છે. મારા પિતાનો મત તો અસુરનો જણાય છે મારે તેની સાથે કેમ મેળ પડશે? મારે તો વિષયના સુખની આશા છોડીને ભગવાન ભજવા છે અને દેહ, ઘર, સ્ત્રી તથા સંપત્તિથી ઉદાસ થવું છે, તેમાંથી પ્રીતિ તોડીને ભગવાનમાં જોડવી છે એવું બધું તો અસુરોને ગમશે નહિ. એ તો બધા ભગવાનમાં પ્રીતિ નહિ કરીને ત્યાંથી તોડીને દેહ ગેહાદિકમાં પ્રીતિ કરનારા કરાવનારા છે અને નક્કી મારે ને આને નહિ બને એ વાત તો નક્કી છે. પણ અત્યારે તો ના કેમ કહેવાય? માટે હમણાં તો હા કહી દઉં પછી તો નૃસિંહ ભગવાનની ઇચ્છા હશે તેમ થાશે!