કડવું-49

ધન્યાશ્રી

એવા ધીરજવાળા જાણો જડભરતજી, હતા અતિ આપે અત્યંત સમર્થજી;

સહ્યાં દુઃખ દેહે રહી ઉન્મત્તજી, કરે ઘર પર કામ તેમાં એક મતજી. ૧

ઢાળ

મત રહિત મુનિ રહે, મળે અન્ન જેવું તેવું જમે;

કોહ્યું કસાયું સડ્યું બગડ્યું, બળ્યું ઉતર્યું ખાઈ દિન નિર્ગમે. ૨

ત્યારે ભ્રાતે કહ્યું જડભરતને, રાખો ખરી ખેતની ખબર;

ત્યારે જડભરતજી જઈ રહ્યા, ઊભા રાતમાં અડર. ૩

અતિશે ભૂલી સૂધ અંગની, વરતે છે અંતરે વરતિ;

આપાપર ભાવ નથી ભાસતો; એવી ખરી કરી છે મતિ. ૪

મતિમાં રતિ નવ રહ્યો, સુખ દુઃખ સંભવ વળી;

એવી રીતે જડભરતજી, સાચવે છે ખેતર ખળી. ૫

ત્યાં તસ્કર નર આવીને, ઝાલી લઈ ગયા જડભરતને;

ઊભા રાખ્યા દેવી આગળ્યે, તેને મારવા તરતને. ૬

ત્યારે ચોર કહે પછી ચડાવિયે, સારી પેઠે જમાડી સુખડી;

ત્યારે જડભરત જમિયા, તરત વળી તેહ ઘડી. ૭

પછી તીખી તરવાર લઈ કરી, હાથ ઉપાડ્યો હણવા કાજ;

તે દેખી ન શકી દિલે દેવી, હાથ ઝાલી લીધો વાજોવાજ. ૮

પછી લીધી કરવાલ કરથી, તેણે કાપ્યાં સર્વનાં શીશ;

પીધું લોહી ખાધું માંસને, ત્યારે ઉતરી દેવીને રીશ. ૯

જોડી હાથ જડભરત આગળ, કરે અતિ વિનતિ તે વળી;

નિષ્કુળાનંદના નાથના વા’લા, તમને પીડ્યા પાપીયે મળી. ૧૦

વિવેચન :

એવી ધીરજવાળા જડભરતજી પણ હતા. તેઓ અત્યંત સમર્થ હતા. તો પણ તેણે ઉન્મત જેવા બની શરીરે ઘણા દુઃખો વેઠ્યાં હતાં. તેને પરનુ કે પોતાનું એવું કાંઇ હતું નહિ. બધાનું કામ કરતા. તે પોતાના દેહની દરકાર રાખતા નહિ. જેવું તેવું અન્ન જમી લઇને તેનાથી દિવસો ગાળતા. પછી તેના ભાઇએ કહ્યું કે ‘જડભરત, તારે ખેતરની ખબર રાખવા જવાનું છે’

તે સાંભળીને તુર્ત ચાલી નીકળ્યા અને આખી રાત ખેતરમાં ખડે પગે રહ્યા. આમ પોતાના શરીરનું ભાન ભૂલીને તેને અંતરમાં-પરમાત્માના સ્વરૂપમાં વૃત્તિ વર્તતી હતી. તેથી તેની બુદ્ધિમાં પોતાનું કે પરાયું એવો ભાવ મટી ગયો હતો. એવી રીતે તેણે એક પરમાત્માના સ્વરૂપમાં સ્થિર મતિ કરી હતી. તેમની એવી નિશ્ચળ મતિમાં સુખદુઃખનો સંભવ લેશમાત્ર રહ્યો ન હતો. એવી સ્થિતિમાં પોતે વર્તે છે ને ખેતરનું રખોપું કરે છે ત્યારે એક વખત ખેતરમાં ચોર પેઠા તે જડભરતને પકડીને ઉપાડી ગયા અને પોતાની દેવી પાસે ભોગ દેવા માટે ઊભા રાખ્યા.

એક ચોરે કહ્યું કે ‘આપણે એનો ભોગ આપવાનો છે તો તેને એક વખત સારી પેઠે સુખડી જમાડીએ’ એમ કહી જમવા માટે સુખડી આપી એટલે તે તો નિરાંતે બધી જ જમી ગયા પછી દેવી પાસે ઊભા રાખ્યા ને તીખી તલવાર ખેંચીને માથું કાપી નાખવા ઉગામી પણ આવું ક્રૂર કર્મ દેવી સહન કરી શકી નહિ. તેમણે કોપાયમાન થઇ પોતાનું વિકરાળ સ્વરૂપ પ્રગટ કર્યું અને મારનારનો હાથ ઝાલી લીધો પછી તેની જ તલવાર વડે એ બધાજ દુષ્ટોના માથાં કાપી નાખ્યાં! અને તેમનું લોહી પીધું. અને માંસ ખાધું ત્યારે દેવીને ક્રોધ શાંત થયો. પછી દેવીએ જડભરત પાસે હાથ જોડીને વિનંતિ કરી કે ‘હે પ્રભુના પરમભક્ત, તમને આ પાપીઓએ મારા નિમિત્તે કરીને દુઃખ દીધું છે તે ક્ષમા કરજો’