કડવું-48

ધન્યાશ્રી

એહ આદિ ભક્ત થયા બહુ ભૂપજી, સાચા સત્યવાદી અનઘ અનુપજી;

પરપીડા હરવા શુદ્ધ સુખરૂપજી, કરી હરિ રાજી તરી ગયા ભવકૂપજી. ૧

ઢાળ

ભવ કૂપરૂપ તે તર્યા, આગળે ભક્ત અનેક;

ધન્ય ધન્ય એની ભગતિ, ધન્ય ધન્ય એહની ટેક. ૨

એવી ટેક જોઈએ આપણી, કરવા પ્રભુને પ્રસન્ન;

જ્યાં સુધી ન રીઝે શ્રીહરિ, ત્યાં સુધી કરવી જતન. ૩

જેમ ધુવે કોઈ લૂગડું, પણ માંય રહી જાય મેલ;

ત્યાં સુધી ન જાણવું, એહ વસ્ત્રને ધોયેલ. ૪

જેમ બેસે કોઈ જા’જમાં, હોય ઊંડા અર્ણવમાંય;

ત્યાં સુધી સુખ ભૂમિનું, શીદ માનીને મકલાય. ૫

કર્યા કેશરિયાં શૂરા સરખાં, પણ લીધી નથી લડાઈ;

ત્યાં સુધી તે વેષની, કેમ વખાણાય વડાઈ. ૬

શૂરા દેખી દગે શત્રુને, કરે દગે કરી ઘણું ઘાય;

હરિજનને અરિ ઝીણા અતિ, કરે તે કોણ ઉપાય. ૭

કામ ક્રોધ લોભ કહીયે, એ અતિશે ઝીણા અરિ;

આવતાં એને ઓળખીને, વળી ખબર તે રાખવી ખરી. ૮

અખંડ આગ્રહ એહ ઉપરે, જેહ જેહ રાખે છે જન;

તેહ તેહ એ શત્રુ થકી, નર રહે નિરવિઘન. ૯

ગાફલને ઘાયલ કરે, સાજું રહેવા ન દિયે શરીર;

નિષ્કુળાનંદ સચેત રહેવું, ધરી દૃઢતા અતિ ધીર. ૧૦

વિવેચન : 

ઉપર પ્રમાણે બીજા પણ ઘણા સત્યવાદી અને નિષ્પાપ રાજાઓ થઈ ગયા છે. જેઓ પારકી પીડા હરનારા, શુદ્ધ અને સુખરૂપ હતા. વળી તેઓ ભગવાનને પ્રસન્ન કરીને આ સંસાર તરી ગયા છે. તેઓની ટેક તથા ભક્તિને ધન્ય છે. આપણે પણ પ્રભુને રાજી કરવા માટે એવી ટેક રાખવી ઘટે છે અને જ્યાં સુધી પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એ ટેક ટકાવી રાખવી જોઇએ પ્રસન્નતા પ્રાપ્ત કરીને જ જંપવું જોઇએ. જેમ કોઇ કપડું ધુવે પણ તેમાં મેલ રહી જાય ત્યાં સુધી એ ધોયેલું છે એમ ન જાણવું. વળી કોઇ વહાણમાં બેઠેલો માણસ મધદરિયે હોય ત્યાં સુધી જમીનનું સુખ છે એમ કેમ માની લેવાય? શૂરવીરના જેવા કેસરિયાં વસ્ત્ર ધારણ કરી લે પણ જ્યાં સુધી રણમેદાનની લડાઈમાં પાર ઊતરી જાય ત્યારે કેસરિયાનાં વખાણ બરાબર કહેવાય. તેમાં પણ શૂરવીરને તો પોતાના શત્રુ આંખ સામે દેખાય છે એટલે તેના ઉપર સીધો ઘાવ કરે છે, આક્રમણ કરે છે પરંતુ ભગવાનના ભક્તો-સંતોને તો શત્રુઓ આંખે દેખાય તેવા નથી, અતિ સૂક્ષ્મ છે તેમની સામે લડાઇ લેવાની છે. કામ, ક્રોધ અને લોભ એ સ્થૂળ આંખથી દેખાય નહિ તેવા સૂક્ષ્મ છે વળી આપણી અંદર આવી જઇને આપણા ઉપર આક્રમણ કરે છે માટે તેમની સામે લડવું હોય તો તો જ્યારે પોતાનામાં તે આવે ત્યારે તુર્ત તેને ઓળખી લેવાની ખરેખરી સાવધાની કે જાગૃતિ રાખવી જોઇએ પછી તેના વિરૂદ્ધમાં અખંડ એવો આગ્રહ રાખવો જોઇએ. જે એમ કરે છે તો જ તે કામાદિક શત્રુને જીતી શકે છે અર્થાત્‌ તે શત્રુ થકી નિર્વિકાર રહી શકે છે જે ભગવાનના ભક્ત થઇને પણ ગાફલપણે વર્તે છે તેવા ભક્તોને પણ તે અંતર શત્રુઓ ઘાયલ કરી દે છે, છિન્નભિન્ન કરી નાખે છે અર્થાત્‌ તેની મહારાજ પ્રત્યેની ભક્તિ-સમર્પણને છિન્નભિન્ન કરી નાખે છે. ભક્ત જેવું કશું રહેવા દેતા નથી. તેને નિર્દોષ રહેવા દેતા નથી, માટે અતિશય ધીરજ અને અતિશય દૃઢતા ધારણ કરીને હંમેશા સાવચેત રહેવું જોઇએ.