કડવું-47

ધન્યાશ્રી

હંસધ્વજ સુત સુધનવા જેહજી, તેને અતિ શ્રીહરિમાં સનેહજી;

દૃઢ હરિભક્ત અચળ વળી એહજી, અલ્પ દોષે આવ્યા તાતના ગુન્હામાં તેહજી. ૧

ઢાળ

તેને તાતે તપાસ કઢાવી, નાખ્યો તપેલ તેલની માંઈ;

શ્રીહરિના સ્મરણ થકી, વળી કાયા ન બળી કાંઈ. ૨

ત્યારે કહે તેલ તપ્યું નથી, કાં તો ઔષધિ છે એહ પાસ;

તેલ પણ તપેલ ખરું, નહિ ઔષધિ કાઢ્યો તપાસ. ૩

ત્યારે કહે મંત્ર છે એના મુખમાં, તેનો અખંડ કરે છે ઉચ્ચાર;

તે મંત્ર તો શ્રીહરિ સ્મરણ, એણે નાવ્યો અંગે અજાર. ૪

સાચો ભક્ત શ્રીકૃષ્ણે જાણીને, કરી કષ્ટમાંયે એની સહાય;

ખરી પળે નવ ખમી શકે, દુઃખ દાસનું મનમાંય. ૫

પળપળની પીડા હરવા, હરિ હરિજન પાસે રહે;

વણ વિશ્વવાસી એહ વાતને, લેશમાત્ર પણ નવ લહે. ૬

રાત દિવસ રક્ષા કરે, નિજભક્તની ભગવાન;

મીટે થકી તે મૂકે નહિ, નિશ્ચય નાથજી નિદાન. ૭

જનક જનની નિજજનના, સાચા શ્રીહરિ કહેવાય;

એહ હેત જેવું કરે જીવને, તેવું બીજે કહો કેમ થાય. ૮

નક્કી ભક્ત સારુ નાથજી, અવનીયે રહે છે અખંડ;

દુર્મતિ તે દેખે નહિ, જેમ પડદા આડું પંડ. ૯

પડદે રહીને પેખે હરિ, દેખે દાસની દૃઢતા ધીર;

નિષ્કુળાનંદ કહે કષ્ટમાંહી, કરે સહાય હરિ અચીર. ૧૦

વિવેચન : 

એક હંસધ્વજ નામે રાજા હતો તેના પુત્રનું નામ સુધન્વા હતું. એ સુધન્વા શ્રીહરિના અતિશય પ્રેમી દૃઢ ભક્ત હતા. એક સમયે તેનાથી અજાણ્યે કંઇક અપરાધ થવાથી પિતાના ગુન્હામાં આવી ગયા તેથી તેના પિતા હંસધ્વજે સુધન્વાને તેના ગુન્હા બદલ શી શિક્ષા કરવી તેનો શાસ્ત્રજ્ઞો પાસે તપાસ કરાવ્યો, તો પ્રાયશ્ચિત એવું ઠર્યું કે સુધન્વાને ઉકળતા તેલના તાવડામાં નાખવા જોઇએ. ત્યારે હંસધ્વજે તે પ્રમાણે તુર્તજ તેલનો તાવડો મૂકાવીને તેલ ગરમ કરાવ્યું. જ્યારે તેલ ખૂબ તપી ગયું ત્યારે સુધન્વાને તેમાં નાખી દેવાની આજ્ઞા કરી. આજ્ઞા થતા જ ચાકરોએ સુધન્વાને ઉપાડીને ઉકળતા તેલમાં નાખ્યા. આ વેળાએ સુધન્વા એક ધ્યાનથી ભગવાનનું નામ સ્મરણ કરી રહ્યા હતા. સર્વ લોકોના દેખતાં સુધન્વા તો ઉકળતા તેલના તાવડામાં બેઠા છે તેને ભગવાનના સ્મરણના પ્રતાપે શરીરે કશી જ ઈજા થતી નથી. રાજા કહે એમ કેમ બને? ઉકળતા તેલમાં તો શરીર તળાઇ જવું જોઇએ. જુઓ, તપાસો એની પાસે કાંઇ જડીબુટ્ટી હશે. અથવા તો તેલ જ તપ્યું નહિ હોય. સેવકોએ રાજાના ફરમાન પ્રમાણે બધો તપાસ કર્યો અને જણાવ્યું કે ‘મહારાજ, તેલ તો ઘણું જ ગરમ છે અને તેની પાસે કશી ઔષધિ પણ નથી.’ ત્યારે રાજાએ વિચારીને કહ્યું કે ‘બીજું કશું કારણ જણાતું નથી પણ તેના મુખમાં શ્રીહરિના સ્મરણનો મંત્ર છે.’ એજ ખરી જડીબુટ્ટી છે તેના અખંડ જપથી જ તેને કશી ઇજા થઇ નથી. આ રીતે ભગવાને સુધન્વાને સાચો ભક્ત જાણીને સંકટમાં સહાય કરી હતી, ભક્તને ખરી વિપત્તિ પડે ત્યારે ભગવાન પોતાના ભક્તની પીડા હરી લેવા તેની પાસે હાજર જ હોય છે પણ જે લોકોને વિશ્વાસ નથી તે લોકો આ વસ્તુને લેશમાત્ર સમજી શક્તા નથી. પ્રભુ તો પોતાના ભક્તને પોતાની આંખથી અળગો કરતા જ નથી. રાત દિવસ તેની રક્ષા કરે છે એ નક્કી વાત છે તે તો ભક્તનાં સાચાં મા-બાપ છે એ જેવું હેત કરે તેવું બીજાથી શી રીતે બની શકે? ભક્ત માટે જ ભગવાન આ પૃથ્વી ઉપર અખંડ રહેલા છે પણ દુષ્ટ મતિવાળા જનો તેને ઓળખી શક્તા નથી. જેમ પડદા પાછળ રહેલું શરીર દેખાતું નથી તેમ ભગવાન પણ પડદા પાછળ રહીને પોતાના ભક્તની દૃઢતા અને ધીરજ તપાસે અને ભક્ત જ્યારે કસોટીમાં સાચો નીવડે છે ત્યારે તેમને તુર્તજ સહાય કરે છે.