કડવું-46

ધન્યાશ્રી

વળી કહું એક ભક્ત વિભીષણજી, ભજે હરિ કરી વિવેક વિચક્ષણજી;

તેહ જાણી રાવણ કોપ્યો તતક્ષણજી, તેનું કોણ કરે રાક્ષસ રક્ષણજી. ૧

ઢાળ

રાક્ષસ રાવણે લાત મારી, કાઢ્યા લંકાથી બા’ર;

આવ્યા રામના સૈન્યમાં, ના’પ્યા ગરવા તે વાર. ૨

ત્યારે વિભીષણ કહે રખવાળને, જઈ કહો રામજીને વાત;

ભક્ત તમારો નામ વિભીષણ, આવ્યો છે રાવણનો ભ્રાત. ૩

ત્યારે સેવકે કહ્યું શ્રીરામને, સુણી રામ કહે સુણ્ય દાસ;

આવે તો આવે સમ ખાઈને, વણ સમે નહિ વિશ્વાસ. ૪

ત્યારે સેવકે કહ્યું વિભીષણને, ખાઈ આવ્ય સૂધા સાચા સમ;

તો તેડી જાઈએ પ્રભુ પાસળે, નહિતો જાવાનું છે વિષમ. ૫

ત્યારે વિભીષણ કહે સુતદારા સંબંધી, રાજસાજ અમલ અન્ન ધન;

આપે રૂપ અનુપ રામજી, જો દગો હોય મારે મન. ૬

તે સેવકે સુણાવ્યું શ્રીરામને, સુણી તુર્ત તેડાવિયા પાસ;

ભલો ભક્ત વિભીષણ તું, જગ સુખથી છો ઉદાસ. ૭

સુત કલત્ર કારણે, સુર અસુર નર ઈચ્છે ઘણું;

રાજ્ય ધનરૂપે સહુએ સુખ માન્યુંછે, તે તેં બંધન જાણ્યું આપણું. ૮

એમ કહી વિભીષણને, રાજી થયા શ્રીરામ;

ધન્ય એવા હરિજનને, જેને સુખ સંસારી સમને ઠામ. ૯

એમ નર નિર્ઝરનાં, જેને સુખ સ્વપ્નાને તુલ્ય;

નિષ્કુળાનંદ કહે એ ભક્ત હરિના, અતિ મોટા અમૂલ્ય. ૧૦

વિવેચન :

વળી વિભીષણ નામે એક ભક્ત હતા. એ રાવણના ભાઇ થતા હતા. રાવણ સીતાને હરી લાવ્યો. ત્યાર બાદ ભગવાન રામચંદ્રજી અઢારપદ્મ વાનરસેના લઇને લંકા ઉપર ચઢી આવ્યા અને સુવેળ પર્વતની તળેટીમાં છાવણી નાખી. લડતાં પહેલાં જો રાવણ સીતાને આપી દે તો નાહક સંહાર ન થાય તે માટે અંગદને વિષ્ટિ કરવા મોકલ્યા તોપણ દુષ્ટ રાવણ માન્યો નહિ. ત્યારે વિભીષણે વિનંતિ કરીને ભાઇને સમજાવવા પ્રયત્ન કર્યો પણ રાવણે તેનો તિરસ્કાર કરીને લાત મારીને લંકાથી બહાર કાઢી મૂક્યા. આથી વિભીષણ રામચંદ્રજી ભગવાનને શરણે આવ્યા, પણ ચોકીદારે છાવણીમાં પેસવા ન દીધા કેમ કે તે તો રાવણનો, શત્રુનો ભાઇ હતો. ત્યારે વિભીષણે ચોકીદારને કહ્યું કે ‘ભાઇ, તું ભગવાનને કહે કે તમારો ભક્ત રાવણનો ભાઇ વિભીષણ આવ્યો છે.’ સેવકે એ પ્રમાણે જઇને સમાચાર આપ્યા. તે સાંભળીને ભગવાને ચોકીદાર સાથે કહેવરાવ્યું કે ‘અમને વિશ્વાસ આવતો નથી. માટે જો આવવું હોય તો સોગન ખાઇને આવો’ સેવકે એ પ્રમાણે વિભીષણને હકીકત કહીને જણાવ્યું કે ‘સોગન લીધા સિવાય અંદર આવવાનું મુશ્કેલ છે. તે સાંભળતા જ વિભીષણે ત્યાં સોગન લીધા કે ‘જો મારા મનમાં દગો હોય તો ભગવાન ભલે મને સ્ત્રી, પુત્ર, સંપત્તિ, રાજપાટ, અધિકાર, અન્ન, ધન તથા મારા અંગમાં ઘણું જ રૂપ, બળ એ તમામ આપે.’ આ પ્રમાણે સોગન લીધા તે સાંભળીને સેવકે જઇને ભગવાન રામચંદ્રજી પાસે જઇને બધું કહ્યું. એ હકીકત જાણતા ભગવાને તુર્ત તેને પોતાની પાસે બોલાવ્યા અને તેમની પ્રશંસા કરીને કહ્યું કે ‘હે વિભીષણ, તમે ભગવાનના સાચા ભક્ત છો કારણ કે જગતના સુખથી તમારું ચિત્ત ઉદાસ છે.’ દેવ, દાનવ, માનવ એ તમામ સ્ત્રી, પુત્ર અને સંપત્તિની ઘણી ઘણી ઇચ્છા રાખે છે તેમજ રાજપાટ અને દોલતમાં સૌએ સુખ માન્યું છે, પરંતુ તમે તો એ બધાં બંધનરૂપ છે એમ માની તેમની તૃષ્ણા રાખી નથી.આમ કહીને ભગવાન વિભીષણ ઉપર ખૂબ પ્રસન્ન થયા. આવા જે ભગવાનના ભક્ત હોય તેને ધન્ય છે જેણે સંસારના સુખોને દુઃખરૂપ સોગન ખાવાને ઠેકાણે માન્યા છે આવી રીતે જેને આ લોકના કે દેવલોકના સુખોને સ્વપ્ન જેવાં કરી રાખ્યાં છે તે અણમૂલા અને અતિ મહાન ભક્તો છે એમ જાણવું