ધન્યાશ્રી
વળી કહું એક રાજા અંબરીષજી, તેને ઘેર આવ્યા દુર્વાસા લઈ શિષ્યજી;
ભોજન કરાવ્ય અમને નરેશજી, ત્યારે નૃપ કહે નાહી આવો મુનેશજી. ૦૧
ઢાળ
મુનિ વે’લા તમે આવજો, આજ છે દ્વાદશીનો દન;
નાવ્યા ટાણે જાણી નૃપે, કર્યું ઉદકપાન રાજન. ૨
વીતી વેળાએ મુનિ આવિયા, રાજા કેમ કર્યું તેં ભોજન;
મને જમાડ્યા વિના જમ્યો, દઉં છું હું શાપ રાજન. ૩
શાપ દઈ આપે ચાલિયા, આવ્યું સુદર્શન તે વાર;
બહુ ભાગે આવે બાળતું, પછી આવ્યા હરિને આધાર. ૪
કહ્યું હરિને કષ્ટ નિવારિયે, ટાળિયે સુદર્શનનો ત્રાસ;
ત્યારે શ્રીપતિ કહે ઋષિ સાંભળો, તમે જાઓ અંબરીષ પાસ. ૫
ત્યારે ઋષિ આવ્યા રાય પાસળે, રાય પાય લાગી કહ્યો અભિપ્રાય;
આજ તેદિ એક ભાવ હોય તો, સુદર્શન દૂર થાય. ૬
એમ શત્રુ મિત્ર જેને સમ છે, સમ છે સુખ દુઃખ દેનાર;
એવા ભક્ત જે જક્તમાંહી, તેની ઉપર પ્રભુનો પ્યાર. ૭
પર પ્રાણીને પીડે નહિ, મર પીડાય પંડ પોતાતણું;
એવો વિચાર જેને અંતરે, ઘડી ઘડીયે રહે છે ઘણું. ૮
હિતકારી ભારી સૌ જીવના, જેને ભૂંડાઈ ભાગ આવી નથી;
તેણે અવળું અવરનું, કેમ થાય ઉપર અંતરથી. ૯
સમુદ્ર શીતળ સદાય, કેને દુઃખ ન દિયે કાંય;
નિષ્કુળાનંદ એ ભક્તની, શ્રીહરિ કરે છે સા’ય.૧૦
વિવેચન :
એક અંબરીષ નામે ભગવાનના મહાન એકાંતિક ભક્ત રાજા હતા. તેને ત્યાં એક વખત દુર્વાસા ઋષિ પોતાના શિષ્યોનો મોટો સમૂહ સાથે લઇને મિજમાન તરીકે આવ્યા. તેમણે રાજાને કહ્યું કે ‘હે રાજન, અમો બધા ભૂખ્યા છીએ, માટે ભોજન કરવાં છે.’ રાજાએ ઘણાજ ભાવથી સત્કાર કરીને ‘ઘણી ખુશીથી કહ્યું’ મહારાજ, પાસે જ નદી છે તેમાં સ્નાનસંધ્યા કરીને આવો એટલે હું ભોજનની તૈયારી કરાવું છું, પરંતુ આજે દ્વાદશીનો દિવસ છે અને એકાદશીના વ્રતના પારણાં કરવાનાં છે, માટે વેળાસર પધારજો, બારશ થોડી જ ઘડી બાકી છે તે વીતી જશે તો પારણું થઇ શકશે નહિ. દુર્વાસા તો તે સાંભળી લઇ સ્નાન કરવા ગયા પરંતુ ત્યાં તો બહુવાર સુધી રોકાયા!’ અહીં બારસનો સમય વીતી જવા લાગ્યો અને રાજાને પારણું ન થાય તો બીજો ઉપવાસ થતો હતો. ઘણી રાહ જોઇ પણ સમય કહ્યો હતો તે પ્રમાણે ઋષિ આવ્યા જ નહિ. ત્યારે અંબરીષ રાજાએ પારણું ખાલી ન જાય માટે ભગવાનને ધરાવીને જમવાને બદલે માત્ર પ્રસાદીના ચરણામૃત, તીર્થજળ સાથે તુલસીપત્રનું આચમન લઇને ઉપવાસ છોડ્યો અને પછી ભોજન માટે ઋષિની રાહ જોતા બેઠા. મોડેથી ઋષિ સ્નાન કરીને આવ્યા અને પૂછ્યું કે ‘રાજન ! તેં પારણું કર્યું?’ અંબરીષે કહ્યું ‘મહારાજ, આપ વખતસર પધાર્યા નહિ અને બારશ થોડીજ ઘડી હતી, તેમાં જો પારણું ન થાય તો પછી સમય ચાલ્યો જતો હતો માટે મેં ફક્ત તુલસીપત્ર અને ચરણોદક આચમન લીધું છે. હવે આપ સૌને ભોજન કરાવ્યા બાદ જમીશ.’ આ વાત સાંભળી દુર્વાસા તો અતિશય કોપાયમાન થઇ ગયા અને બોલ્યા કે ‘હે રાજન, તેં અમો અતિથિઓનુંભારે અપમાન કર્યું છે તેં પારણાં નિમિત્તે આચમન તો લીધું ખરું જ ને? એ તો ભોજન કર્યા બરાબર થયું છે’ આમ ઘેર આવેલા અતિથિને જમાડ્યા સિવાય ગૃહસ્થથી પારણાનો વિધિ કરાય જ કેમ? તેં ગૃહસ્થધર્મનો લોપ કર્યો છે. તું અભિમાની થઇ ગયો છે. હું તને શાપ આપું છું. આ રીતે બોલી હાથમાં જળની અંજલિ લઇને જ્યાં શાપ આપવા તૈયારી કરે છે તેવામાં અંબરીષ જેવા મહાન ભક્તની રક્ષા કરવા માટે ભગવાને પ્રેરેલું મહા તેજસ્વી સુદર્શનચક્ર દુર્વાસા તરફ ધસી આવતું દેખાયું. દુર્વાસા ડરીને ભાગવા જ લાગ્યા, પરંતુ સુદર્શને તો તેમનો પીછો પકડ્યો. આગળ દુર્વાસા અને પાછળ ચક્ર. ચક્રના તેજથી બળતા અતિશય ત્રાસ પામતા દુર્વાસા ચૌદ લોકમાં ફરી વળ્યા, પણ કોઇ દેવ, દાનવ, માનવ કે મુનિઓએ તેમને સુદર્શનથી બચાવી લેવાની હિંમત બતાવી નહિ. છેવટે દોડતા દુર્વાસા વિષ્ણુ ભગવાનને શરણે ગયા અને પોકારવા લાગ્યા કે ‘પાહિ મામ્ પાહિ મામ્. હે પ્રભો, મને બચાવો’ ભગવાને કહ્યું ‘હે મુનિ, તમે અંબરીષ જેવા પરમ ભાગવત એકાંતિક ભક્તનો દ્રોહ કર્યો છે માટે તે દોષનું નિવારણ તો હું પણ નહિ કરી શકું! માત્ર બચવાનો એક જ ઉપાય છે કે તમે પાછા જલ્દી અંબરીષને જ શરણે જાઓ, તેની આજ્ઞા સિવાય ચક્ર પાછું નહિ વળે.’ આ પ્રમાણે ભગવાનનાં વચનો સાંભળીને દુર્વાસા ત્યાંથી ભાગતા અંબરીષ રાજા પાસે આવ્યા અને પોતાને બચાવી લેવા માટે પ્રાર્થના કરીને પગમાં પડ્યા. અંબરીષે તુર્તજ ઊભા થઇને સુદર્શનને પ્રણામ કરીને કહ્યું કે ‘દુર્વાસા મુનિ પ્રથમ આવ્યા હતા તે સમયે મારે તેમના પ્રત્યે જેવો પૂજ્યભાવ હતો તેવો ને તેવો જ પૂજ્યભાવ જો મને મારી નાખવા પ્રયત્ન કર્યા પછી અત્યારે પણ મારા અંતરમાં હોય અને તેમના પ્રત્યે રંચમાત્ર પણ દ્વેષભાવ ન થયો હોય, મારું અંતર તેમના પ્રત્યે દુભાયું ન હોય તો ‘હે ભગવાનના આયુધ, તમે શાંત થાઓ, પાછા વળી જાઓ.’ આ પ્રતિજ્ઞા સાંભળીને તુર્ત જ સુદર્શન પાછું વળીને પોતાને સ્થાને સ્થિર થયું અને દુર્વાસાને શાંતિ થઇ. આ રીતે જેના અંતરમાં શત્રુ ને મિત્ર બન્ને તરફ સમભાવ છે અર્થાત્ જગતમાં કોઇ શત્રુ છે જ નહિ તેમજ સુખ આપનાર કે દુઃખ આપનારને પણ સરખી રીતે માને છે એવા જે ભક્તો જગતમાં હોય તેના ઉપર જ પ્રભુની પ્રીતિ કે પ્રસન્નતા થાય છે. એવા ભક્તો તો ભલે પોતાને પીડા થાય પણ બીજા કોઇ પ્રાણીને પીડા કરતા
નથી. ને પળે પળે તેના ઉરમાં એ પ્રકારના જ વિચારો રહે છે વળી તે સકલ જીવોનું હિત કરનારા પણ હોય છે અને જેમના અંતરમાં ભૂંડાઈનો ખરાબ ઈરાદાનો લેશ માત્ર ભાગ પણ નથી હોતો તેવા સજ્જનો બીજાનું અવળું કહેતા ખરાબ કરવાની ઇચ્છા પણ કેમ કરી શકે? માટે જેનું હૃદય હંમેશાં શીતળ રહે છે અને જે કોઇને કશુંય દુઃખ દેતા નથી તેવા ભક્તોની સહાય શ્રી હરિ જરૂર કરે છે