કડવું-44

ધન્યાશ્રી

દમયંતી પોકાર કરે હે રાજનજી, મેલી તમે મુજને રડવડતી વનજી;

હું પતિવ્રતા મારું અબળાનું તનજી, તમ વિના મારી કોણ કરશે જતનજી. ૧

ઢાળ

જતન કરતા તે જાતા રહ્યા, હવે રહીશ હું શી રીતમાં;

હે દૈવ દીધું દુઃખ તેં સામટું, તેહનું ન વિચાર્યું ચિત્તમાં. ૨

રડી લડથડી પડી ગઈ, સૂધ ન રહી શરીરની;

નળ વિયોગે એ નારને, નયણે નદી ચાલી નીરની. ૩

પછી પડતી આખડતી વળી, ચાલી એકાએક વનમાં;

લાગ્યા કાંટા કાંકરા ખરા, તેની પીડા થઈ છે તનમાં. ૪

તેમજ નળરાય તનમાં, પામે છે પીડા અતિ ઘણી;

પણ સત્ય ન મૂકે ધર્મ ન ચૂકે, શું કહિયે ધીરજ તેહતણી. ૫

એમ કંઈક કષ્ટ ભોગવ્યાં, તેનો કહેતા ન આવે પાર;

રાત દિવસ રડવડતાં, વળી વહી ગયાં વર્ષ બાર. ૬

પછી પામ્યા નિજરાજ્યને, ભાવે ભજ્યા શ્રી ભગવાન;

એટલું કળિ વળી કરી ગયો, તોય ન ચળ્યાં સત્યથી નિદાન. ૭

એમ સાધુને સત્ય રાખવું, રાખવી દૃઢમતિ ધર્મમાં;

સુખ દુઃખ સહી શરીરને, રહેવું અચળ નિજ આશ્રમમાં. ૮

ધર્મસમ ધન નથી, નર નારીને નિદાન;

ધર્મ જાતાં જો ધન મળે, તો જાણવું થયું એ જ્યાન. ૯

એવી આંટી પાડી અંતરે, હરિજન હિંમત રાખો હૈયે;

નિષ્કુળાનંદનો નાથજી, થાશે રાજી અતિશે તૈંયે.૧૦

વિવેચન : 

વિકટ અરણ્યમાં એકલી પડેલી દમયંતીએ કરુણ વિલાપ કરવા માંડ્યો ‘હે નળરાય, તમે મને એકલી રડવડતી કેમ મૂકી ગયા? હું પતિવ્રતા છું, મારો સ્ત્રીનો અવતાર છે અહીં તમારા વિના મારી સંભાળ કોણ લેશે? હે વિધાતા, તે મારા પતિનો વિયોગ કરાવીને મને આમ સામટું દુઃખ કેમ આપ્યું? તેનો મનમાં વિચાર પણ ન કર્યો?’ આમ રુદન કરતી ને લડથડિયાં ખાતી પડી જઇને બેભાન બની ગઇ. નળના વિયોગે તેની આંખોમાંથી અશ્રુનો પ્રવાહ વહી રહ્યો હતો. પછી સુધ આવતા વનમાં ચાલી. પગમાં કાંટા, કાંકરા વગેરે લાગવાથી વેદના થતી હતી. આ તરફ નળરાજા પણ વનમાં ભટકતો ઘણી વેદના ભોગવવા લાગ્યો. આટલાં સંકટો શિર પર પડ્યાં છતાં બન્ને રાજા-રાણી પોતાનો ધર્મ ચૂક્તા ન હતા. તેમજ સત્યની ભાવના તજતા ન હતા તેની ધીરજની શી વાત કરવી? આમ અનેક કષ્ટો સહન કરતાં કરતાં અને રાત્રિ દિવસ બૂરે હાલ રખડતાં બાર વર્ષ વીતી ગયાં. છેવટે પ્રભુ કૃપાથી બન્નેનો મેળાપ થયો અને ગયેલું રાજપાટ પણ પાછું સાંપડ્યું. અને ભગવાનની ભક્તિ કરી. કળિયુગના પ્રભાવથી તેમના પર આટલી આટલી વિપત્તિ પડી છતાં તેમણે પોતાનું સત્ય બિલકુલ તજ્યું ન હતું.

એ જ પ્રમાણે સાધુપુરુષો તથા સજ્જન પુરુષો છે તેમણે પણ પોતાની સત્ય ટેક અને ધર્મમાં અડગ મતિ રાખવી જોઇએ. દરેક સ્ત્રી કે પુરુષે શરીરે સુખ દુઃખ સહન કરીને પણ પોતાના આશ્રમધર્મમાં અચળ પણે રહેવું ઘટે છે કેમ કે જગતમાં ખરેખર ધર્મ જેવું બીજું ધન નથી. ધર્મ જતાં જો ધન મળતું હોય તો તે લાભ નથી પણ નુકશાન જ જાણવું. આવો મનમાં નિશ્ચય કરી હરિભક્ત હિંમત રાખે ત્યારે જ ભગવાન પ્રસન્ન થાય છે.