કડવું-42

ધન્યાશ્રી

પછી પાંચે થયા નળપ્રમાણજી, પતિવ્રતા ધર્મથી પડી ઓળખાણજી;

નાખી નળકન્ઠે વરમાળ સુજાણજી, સુર નર થયા નિરાશી નિરવાણજી. ૧

ઢાળ

નિરાશી નર અમર ગયા, ત્યારે ઈન્દ્રે કર્યો ઉપાય;

આપી કળિને આગન્યા, તું પ્રવેશ કર્ય નળમાંય. ૨

ત્યારે નળ મતિ રતિ નવ રહી, રમ્યો દ્યુતવિદ્યા ભ્રાત સાથ;

રાજ સાજ સુખ સમૃદ્ધિ, લીધી જીતી કર્યો અનાથ. ૩

પછી કાઢ્યાં દંપતી પુરથી, આપી પેરવા એક અંબર;

મૂક્યાં કાઢી મોટા વનમાં, જ્યાં ન લિયે કોઈ ખબર. ૪

જળ ટાણે જળ નવ મળે, અન્ન ટાણે ન મળે અન્ન;

ભૂખ પ્યાસનાં ભેળાં ભમે, દુઃખ માંહિ નિગમે દન. ૫

મનુષ્ય માત્ર જ્યાં ન મળે, મળે વનવાસી વિકરાળ;

ખાવા આવે ખરાં થઈ, તોય ન કરે તન સંભાળ. ૬

ભૂત ભૈરવ ભયંકર ભમે, દમે દુુષ્ટ બીજાં આવી દેહને;

આપે સંકટ સંતાપે સહુ, કહે નહિ કાંઈ તેહને. ૭

જેને સંકટ શરીરમાંય, અણું જેટલો આવ્યો નથી;

તેને સંકટ સામટો પડ્યો, જે કહેવાય નહિ મુખથી કથી. ૮

અણવાણાં ફરે અરણ્યમાં, ચરણમાં ચાલે રુધીર;

તોય અકળાય નહિ અંતરે, સમજી મને સુધીર. ૯

રાત દિવસ એમ રડવડે, પડે અન્ન વિના ઉપવાસ;

નિષ્કુળાનંદ કહે એહ વનમાં, ફરે ધરે નહિ તનત્રાસ. ૧૦

વિવેચન : 

ઉપર પ્રમાણે સ્વયંવરમાં એક સરખા પાંચ નળનાં રૂપો દેખાયાં. પરંતુ ચતુર દમયંતીએ પતિવ્રતાની ટેકને લીધે ખરા નળને પારખી લીધા અને એના કંઠમાં જ વરમાળા પહેરાવી. આથી દેવતાઓ ખરેખર ખૂબ નિરાશ થયા. આમ નિરાશ થયેલા રાજાઓ અને દેવતાઓમાં પણ ઇન્દ્રને બહુ જ આકરું લાગ્યું, તેથી તેણે નળને તથા દમયંતીને દુઃખી કરવાના ઉપાયો આદર્યા. તેણે કળીને આજ્ઞા આપી કે ‘તું જઇને નળમાં પ્રવેશ કર’ પછી કળિએ નળના અંતરમાં પ્રવેશ કર્યો એથી નળની શુભ મતિમાં વિકૃતિ થઇ અને વિવેકવિચાર ભૂલી જઇને તેણે જુગાર રમવાનું શરૂ કર્યું. પછી પોતાના ભાઇ પુષ્કર સાથે રમતાં રમતાં પુષ્કરે તેનું રાજપાટ, સુખ-સમૃદ્ધિ બધું જ જીતી લઇ નળને તદ્દન અનાથ જેવી હાલતમાં મૂકી દીધો. છેવટે એકએકું વસ્ત્ર આપીને નળ-દમયંથીને રાજ્ય બહાર ઘોર જંગલમાં જ્યાં કોઇ ખબર પણ ના લે ત્યાં હાંકી કાઢ્યા. જંગલમાં ભૂખ લાગે ત્યારે ખાવાનું કે તરસ લાગે ત્યારે પાણી પણ મળતું ન હતું. એ રીતે ભૂખ્યા-તરસ્યા નળ દમયંતી દુઃખના દિવસો ગાળતાં જંગલમાં ભટકવા લાગ્યાં વનમાં મનુષ્યને નામે કોઇ જ દેખાતું ન હતું અને જો મળતાં તો જંગલી મનુષ્યોનો ભેટો થઇ જતો પણ તે તો ખાઇ જવા દોડતા. તો પણ રાજા-રાણી શરીરની કશી ચિંતા કરતા ન હતા. ભયંકર ભૂત, ભૈરવ વગેરે તથા બીજાં દુષ્ટ પ્રાણીઓ આવીને પીડા આપતા હતા. પણ તે સહન કરી લઇ કંઇ જ પ્રતિક્રિયા કરતાં ન હતાં. જેણે લેશ માત્ર સંકટ શરીરે જીવનમાં કદી પણ અનુભવ્યું ન હતું તેને એક સામટી વિપત્તિઓનાં વાદળાં આવી પડ્યાં કે જેનું વર્ણન થઇ ન શકે. ખુલ્લા પગે અરણ્યમાં ભટકતા પગમાં લોહીની ધારાઓ ચાલતી હતી, છતાં તે સમજપૂર્વક ધીરજ રાખી અકળાઇ જતાં ન હતાં. આ પ્રમાણે રાત-દિવસ અન્ન વગરના ઉપવાસી એ જંગલમાં ભટકી રહ્યાં હતાં અને ધીરજ ધરી શરીરનાં કષ્ટને ગણકારતાં ન હતાં.