ધન્યાશ્રી
વળી કહું વાત હરિજનની અમળજી, નલરપુરીનો રાજા એક નળજી;
રૂપ ગુણ શીલ ઉદાર નિર્મળજી, એવો વીરસેનનો સુત સબળજી. ૧
ઢાળ
સબળ ને સત્યવાદી સુણી, દમયંતીએ વિચારી વાત;
વરવું છે એ નળને, બીજા પુરુષ તાત ને ભ્રાત. ૨
તેહ વાત ન જાણે તાત એહનો, રચ્યો સ્વયંવર તેહ વાર;
તેમાં રાજા તેડાવિયા, સહુ આવવા થયા તૈયાર. ૩
ત્યારે નારદે કહ્યું જઈ ઈન્દ્રને, ધર્મ અગ્નિ સુણો વરુણ;
તમ જોગ્ય એ કન્યા ભીમની, સુણ્યા સર્વે એના મેં ગુણ. ૪
પણ એને વરવું છે નળને, એવી દૃઢ ધારી છે ટેક;
ટેક તજાવી તમે વરો, તો વળે વડો વશેક. ૫
નળ અંતરે નિરમળ છે, જેમ કહેશો તેમ કરશે;
તજી પ્રિય પોતાતણું, તમારું પ્રિય અનુસરશે. ૬
ત્યારે ચારે મળી કહ્યું નળને, તું કર્ય અમારાં વખાણ;
તું તારી નિંદા કરજે, તો અમને વરશે એહ જાણ. ૭
ત્યારે નળે કહ્યું જઈ દમયંતિને, ઈન્દ્ર અગ્નિ ધર્મ ને વરુણ;
એને વર્ય તું વેગે કરી, તો તારે તોલે આવે કહું કોણ. ૮
ત્યારે દમયંતિ કહે એ દેવતા, હું તો વરી છું નળરાય;
હવે ડગાવું જો દિલને, તો પતિવ્રતાપણું જાય. ૯
ત્યારે ઈન્દ્રાદિ ચારે નળ થયા, પલટાવી પોતાનો વેષ;
નિષ્કુળાનંદ કહે નાથ સમરી, ત્યાં આવ્યા નળ નરેશ. ૧૦
વિવેચન :
વળી બીજી કથા નલરપુરીના પવિત્ર નળરાજાની કહું છું. નળરાજા રૂપ, ગુણ અને સ્વભાવમાં ઉત્તમ તથા પવિત્ર અને ઉદાર હતા. તેમના પિતાનું નામ વીરસેન હતું. નળરાજા બળવાન અને સત્યવાદી છે એવું સાંભળીને વિદર્ભ દેશના રાજા ભીમકની કુંવરી દમયંતીએ મનમાં એવો નિશ્ચય કર્યો કે ‘જો વરવું તો એ નળ રાજાને વરવું. જગતમાં એના સિવાય અન્ય પુરુષો મારે પિતા કે ભાઇ સમાન છે.’ આ નિશ્ચયની તેના પિતાને ખબર હતી નહિ. તેમણે તો પુત્રીને ઉંમરલાયક જાણીને તેને વરાવવા સારુ મોટો સ્વયંવર સમારંભ યોજ્યો. તેમાં દેશ દેશના રાજાઓને આમંત્રણ આપ્યા. રાજાઓએ દમયંતીની પ્રશંસા ખૂબ સાંભળેલી, તેથી તેને વરવાની આશાએ સૌ તૈયાર થઇ ગયા, આ સમયે નારદે ઇન્દ્ર, ધર્મ, અગ્નિ, વરુણ-એ દેવોને વાત કરી કે ‘હે દેવો ! મેં દમયંતીના બધાજ ગુણો સાંભળ્યા છે એ ઉપરથી કહું છું કે એ ભીમકની કન્યા તો તમારે લાયક છે પણ એક વાંધો છે તેમણે એવી દૃઢ ટેક લીધી છે કે મારે તો નળરાજાને જ વરવું.’ માટે જો તમે તેની ટેક કોઇ પ્રકારે તજાવીને વરી શકો તો તમારો રંગ રહી જાય અને તો જ તમારી દેવોની વિશેષતા ગણાય. જુઓ, નળરાજા અંતરનો એટલો નિર્મળ છે કે તે પોતાનું હિત તજીને પણ તમે કહેશો તેમ તમારું હિત કરવા કબૂલ થશે. આ વાત સાંભળી ને તે ચારે દેવો તે નળની પાસે ગયા અને બોલ્યા જે ‘હે રાજન, અમારે દમયંતીને વરવાની ઇચ્છા છે તો તું અમને મદદ કર. અમે તારી પાસેથી એટલું માગીએ છીએ કે તારે દમયંતી પાસે જઇને અમારાં વખાણ કરવા. અને તારી પોતાની નિંદા કરવી, જેથી દમયંતી તારા તરફનો ભાવ તજીને અમને વરે.’ નળે તો એ દેવોની માંગણી કબૂલ કરીને દમયંતી પાસે જઇ કહ્યું કે ‘હે દમયંતી, તારે લાયક તો ધર્મ, અગ્નિ, ઇન્દ્ર અને વરુણ જેવા દેવો છે. જો તું તેને વરીશ તો પછી તારા સમાન ઉત્તમ કોણ ગણાશે?’ દમયંતીએ જવાબ આપ્યો કે ‘ભલે એ રૂપવાન અને ગુણવાળા દેવો છે પરંતુ હું તો માનવલોકના નળ રાજાને મનથી વરી ચૂકી છું. હવે જો હું મારું મન ડગમગાવું તો મારું પતિવ્રતાપણું જાય, માટે એ બનશે નહિ.’ પછી તો સ્વયંવર રચાયો. તેમાં એ ચારે દેવોએ કપટથી નળનાં રૂપો ધારણ કર્યાં. અને નળરાજા પણ ત્યાં પ્રભુનું સ્મરણ કરી હાજર થયા.