કડવું-40

ધન્યાશ્રી

જેને ઉપાય કરવો હોય એહજી, તેને થાવું સહુથી નિઃસનેહજી;

જેમ વરત્યા જનક જેહજી, કરતાં રાજ્ય કે’વાણા વિદેહજી. ૧

ઢાળ

વિદેહ કહેવાણા તે સાંભળી, ત્યાં આવ્યા નવ ઋષિરાય;

ઊઠ્યા જનક ભેટ્યા સહુને, ઘણે હેતે ઘાલી હૈયામાંય. ૨

પછી મળ્યા એક એકને, તેની પૂછી ઋષિયે વાત

અમે ન સમજ્યા આ મર્મને, તમે સમજાવો સાક્ષાત્‌. ૩

ત્યારે જનક કહે આ દેહનો, નથી પળ એકનો વિશ્વાસ;

મળાય કેમ આ મુનિને, જ્યારે થઈ જાય તન નાશ. ૪

એમ કહીને પૂજા કરી, ભાવે કરાવ્યાં ભોજન;

પછી બેઠા સભા કરીને, પૂછ્‌્યા રૂડા પ્રશ્ન. ૫

ત્યાં મિથિલા પુરી પરજળી, ધાયાં સહુ સહુને ઘેર લોક;

જનક કહે મારું નથી ઝળતું, શાને કરું હું મને શોક. ૬

રાજ સાજ સુખ સંપત્તિ, વળી દેહ ગેહ દારા દામ;

એહ કોણ કેનાં કોણ આપણે, કોઈ કેને ન આવે કામ. ૭

અણ સમજણે આપણું, સહુ માની રહ્યું મનમાંય;

જુવે વિચારી જીવમાં, તો નથી આપણું કાંય. ૮

એમ રાજ્યમાં રહી રાગ તજ્યો, એ છે લક્ષ લેવા જેવો ઘણો;

તુચ્છ પદાર્થ સારુ તણાવું, એવો જોઈએ નહિ મત આપણો. ૯

ખાવા ખટરસ નરેશ સુતને, તોય ડોડા દેખી ડગે દલ;

નિષ્કુળાનંદ એ કંગાલ છે, નથી આવ્યો રાજાનો અમલ. ૧૦

વિવેચન :

 જેને એ પ્રમાણે ભક્તિ કરીને મોક્ષનો ઉપાય કરવો હોય તેણે તો સર્વ સાથે નિઃસ્નેહ પણે જેમ જનક રાજા વર્ત્યા હતા તેમ રહેવું જોઇએ. જુઓ જનક રાજા રાજ્ય કરતા હતા છતાં વિદેહીની પદવી પામ્યા હતા. એક સમયે નવ યોગેશ્વરોએ સાંભળ્યું કે જનક રાજા તો વિદેહી કહેવાય છે, તેથી તેઓ તેમને મળવા આવ્યા. તેઓને આવેલા જોઇને જનક એકદમ ઊઠ્યા અને અતિશય પ્રેમથી તે નવે નવ મહાપુરુષોને એકસામટા બાથ ભીડીને મળ્યા. ત્યાર પછી ફરીવાર દરેક યોગેશ્વરને જુદા જુદા મળ્યા. ઋષિઓએ પૂછ્યું કે ‘હે રાજન, તમે મળવામાં આમ કેમ કર્યું? અમે તેનો મર્મ સમજી શક્યા નથી તો આપ સમજાવો.’ જનક બોલ્યા ‘હે મહાપુરુષો! આ શરીર ક્ષણભંગુર છે તેનો એક પળનો પણ વિશ્વાસ નથી. કે તે કઇ ઘડીએ નાશ પામશે. જો હું પ્રથમ બધાને ન મળી લઉં અને એક એકને મળવા રહું તેમાં વચ્ચેજ મારો દેહ પડી જાય તો તમારા જેવા સત્પુરુષોને મળવાનું અધૂરું રહી જાય માટે જ પ્રથમ સૌને એક સાથે ભેટ્યો હતો’ આમ કહીને પછી ઋષિઓની વિધિપૂર્વક પૂજા કરીને ભાવ સહિત ભોજન કરાવ્યાં. પછી સભા ભરીને બેઠા અને પ્રશ્નો પૂછ્યા. આવી સભામાં એક સમયે કથા પ્રસંગ ચાલતો હતો. તેવામાંં જનક રાજાની રાજધાની મિથિલા નગરીમાં મોટી આગ લાગી. ત્યારે ત્યાં સભામાં બેઠેલા બધાજ શ્રોતાઓ પોતપોતાના ઘરની સંભાળ લેવા દોડ્યા. માત્ર જનક રાજા સ્થિરચિત્તે ભગવાનની કથા સાંભળતા બેસી રહ્યા. તેમને ઋષિએ(કથા વાચનારાએ) કહ્યું ‘જનક, જાઓ જાઓ તમારી આખી નગરી સળગી ઊઠી છે’ એ સાંભળી જનક જરા પણ વ્યગ્ર થયા વિના બોલ્યા કે ‘મહારાજ, આ ક્ષણભંગુર જીવનમાં આપના જેવા સત્પુરુષના મુખથી જે ભગવાન સંબંધી કથા ચાલી રહી છે તેનો અમૂલ્ય લાભ છોડીને એ નાશવંત વસ્તુ સારુ શા માટે દોડવું જોઇએ? ‘मिथिलायां प्रदीप्तायां न मे दह्यति किंचन ।” આ મિથિલા નગરી સળગી રહી છે. તેમાં આત્મદૃષ્ટિએ મારું કશું જ બળતું નથી માટે તેનો શોક શા માટે કરું? અને આત્મદૃષ્ટિએ જે મારું છે તે કોઇ પ્રકારે બળે તેવું નથી, તેને અગ્નિ બાળી શકે તેમ નથી. આત્મદૃષ્ટિએ એક પરમાત્મા જ મારા છે-આ જીવની સાચી સંપત્તિ છે તે બળવાવાળી નથી.

જગતમાં પ્રાપ્ત થયેલ રાજપાટ-સુખસંપત્તિ, શરીર, ઘર, સ્ત્રી અને દ્રવ્ય આ બધી શી વસ્તુ છે? એ કોનાં છે? હું કોણ છું? તેનો ઊંડો નિર્ણય કરવો જોઇએ. એ સૌ કોઇને કોઇ પણ વાસ્તવિક રીતે અંતે કામ નથી આવતાં. આ બધું અણસમજણને લઇને અજ્ઞાનને લઇને ‘મારું છે’ એમ માની લીધું છે, પણ અંતરનાં ઉંડાણમાં તત્ત્વ દૃષ્ટિએ જોતાં તેમાં કશુંય આપણુ નથી અને કદી પણ આપણું થઇ શકે તેમ નથી. એ પ્રમાણે જનક રાજાએ રાજ્યમાં રહેવા છતાં રાગનો(મારા પણાનો) ત્યાગ કર્યો હતો. સંસારના વિષયો તરફ પ્રીતિ રાખી ન હતી એવી સમજણ રાખી હતી. આવો વિચાર આપણે પણ ગ્રહણ કરવા જેવો છે એટલે કે જગતની તુચ્છ વસ્તુઓમાં બંધાય જવું એવો આપણો મત ન હોવો જોઇએ, એવી આપણી રીતભાત કે વિચારધારા ન હોવી જોઇએ. આપણે શ્રીજી મહારાજના છીએ. જે રાજાના પુત્રને રાજ્યવૈભવમાં સર્વપ્રકારના સ્વાદિષ્ટ ખાન-પાન પ્રાપ્ત હોવા છતાં જો તે મકાઈના ડોડા માટે રાંકાની પેઠે લલચાઈ રહે, તેનો જીવ તેમાં તણાય જાય તો ખરેખર એ રાજાનો પુત્ર હોવા છતાં મનથી ઘણો જ કંગાલ છે એને પોતાનો પિતા રાજા છે અને પોતે પણ રાજ્ય સમૃદ્ધિનો વારસદાર છે એવી ઊંચી ભાવનાનો કેફ(ખુમારી,ગૌરવ) આવ્યો નથી. તેવી જ રીતે જે ભગવાનનો દાસ થયા પછી ભગવાન સંબંધી-ભગવાનના વારસારૂપ ઉત્તમ ગુણોનો આદર્શ ભૂલી જઇને સંસારના તુચ્છ વિષયો સંબંધી આદર્શ પકડી લે ને વિષયો માટે વલખાં કરે, મેળવવા ઝડપું મારે તે પણ એ રાજાના પુત્રની પેઠે અંદરથી કંગાલ વૃત્તિવાળો અને કંગાલ સમજણ વાળો છે એમ જાણવું.