કડવું-39

ધન્યાશ્રી

આપ્યું કાપી તન સત્યવંત શિબિરાજજી, તેતો પરલોકના સુખને કાજજી;

એના જેવું આપણે કરવું તે આજજી, ત્યારે રીઝશે ઘનશ્યામ મહારાજજી. ૧

ઢાળ

ઘનશ્યામ ઘણું રીઝે ત્યારે, જ્યારે રહે એ રાજાની રીત;

ધીરજ ધર્મ સત્ય સુશીલતા, તેના જેવી કરવી જોઈએ પ્રીત. ૨

અંગથી અળગું અવનિએ, વળી જે જે જણસો હોય;

તેતે આપે ત્રિલોકમાં, સુખે થકી સહુ કોય. ૩

પણ જ્યારે આવે અંગ ઉપરે, સુખ દુઃખના સમૂહ મળી;

ત્યારે દૃઢ ધીરજ રહે, સંત કહિયે તેને વળી. ૪

મોટી વાત કરતાં મુખથી, વળી સ્વાદ આવે છે સહુને;

પણ જ્યારે જોઈએ આ જીવમાં, ત્યારે ભળાયે ભૂલ્ય બહુને. ૫

એહ ભૂલ્યને અળગી કરી, ખરી હરિની ભક્તિ કરિયે;

મોટા ભક્ત જે મોરે થયા, તેના મતને અનુસરિયે. ૬

મનગમતું મેલી કરીને, મત મોટાનો મન ધારિયે;

પ્રસન્ન કરવા છે પ્રાણપતિને, એટલું તો જરૂર વિચારિયે. ૭

અંતરજામીની આગળે, નહિ ચાલે જૂઠ જરાય;

એમ વિચારી આપણે, કસર ન રાખવી કાંય. ૮

એહ વાત અનુપ છે, નકકી સુખ થાવાની નિદાન;

વણસમજે વિપત પડે, રણ તૃણાર્થી સંગ શ્વાન. ૯

માટે મોટા સંતને મળી, વળી ટાળવી સરવે ભૂલ્ય;

નિષ્કુળાનંદ કહે નવ ખોઈએ, અવસર આવ્યો અમૂલ્ય. ૧૦

વિવેચન : 

સત્યવાદી શિબિરાજાએ જેમ પરલોકમાં પોતાના ભલા માટે પોતાનું શરીર કાપી આપ્યું. તેના જેવી ટેક આજે આપણે પણ રાખશું ત્યારે જ ભગવાન રાજી થશે. શિબિની પેઠે ધીરજ, ધર્મ, સત્ય, સારો સ્વભાવ અને ભગવાનમાં પ્રેમ-સમર્પણ એ બધું રહે ત્યારે જ ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરી શકાય. વળી પોતાના શરીરથી જુદી જુદી જે જે વસ્તુઓ હોય તેને આપનારા તો ત્રિલોકમાં ઘણાય નીકળે પણ જ્યારે પોતાના જ અંગ ઉપર સુખદુઃખના(કેવળ દુઃખના) ઢગલા આવી પડે તે સમયે જેની ધીરજ દૃઢ રહે તેને જ સાચા સંત કહેવાય છે. મોઢેથી મોટા ફડાકા મારવાનો સ્વાદ તો સહુને આવે છે. જો બોલનારાનું અંતર(અંદરના ભાગમાં) જોવામાં આવે તો મોટે ભાગે તેમાં ઘણી બધી ખામીઓ દેખાતી હોય છે; માટે એવી ભીતરની ભૂલોને, ખામીઓને દૂર કરીને પ્રભુની ખરેખરી ભક્તિ કરવી અને પૂર્વે જે મોટા ભક્તો થયા છે તેમની રીતને અનુસરવું. આમ મોટા પુરુષોના મતે ચાલીને પોતાના મનનું ગમતું મેલવું એ જ પ્રાણાધાર પ્રભુને રાજી કરવામાં જરૂરી છે. અંતરયામી પાસે કશું જૂઠાણું ચાલતું નથી એમ સમજી અંતરમાં કંઇ કસર રહેવા દેવી ન જોઇએ એ વાત જ સાર છે અને સુખમાં કારણરૂપ છે એ સિવાય જે વગર સમજ્યે આડેધડ્ય ભક્તિ કરે છે-કરવા નીકળી પડે છે તેઓ ભક્તિ કરીને પણ જોઈએ એવું ફળ પામતા નથી.

રણમાં લડવા માટે નીકળેલો પ્રથમથી જ શરણે જવાના વિચારે મોઢામાં તરણાં લેવા સારુ ભેગું ઘાસ પણ લઇ લે એવા ઢીલા વિચારના આદમીમાં પોતાનુંં લડાયક ખમીર કોઇ જાતનું હોતું નથી. તેવી જ રીતે જે કોઇ ભક્તિ કરવા નીકળેલા પુરુષને પણ વિષયો સાથે લડવા માટે લડાયક ખમીર હોવું જોઇએ. એવા ખમીર વગરના-હિંમત વગરના અને સગવડિયા વિચારો મનમાં રાખીને ભક્તિ કરવા ગાડરિયા પ્રવાહની જેમ નીકળી પડે અને દેહાભિમાન તથા દેહભાવને જ પંપોળ્યા કરે તો તે પણ પેલા જેવો જ ગણાય, માટે એવી કસર મોટાપુરુષોના સમાગમથી ટાળવી અને આવો અમૂલ્ય અવસર મળ્યો છે તે ગુમાવવો ન જોઇએ.