ધન્યાશ્રી
શિબિ રાજા છે દયાનો નિવાસજી, પાપ કરતાં પામે બહુ ત્રાસજી;
તેણે કેમ અપાય મારી પરમાંસજી, તેનો તન મનમાં કર્યો તપાસજી. ૧
ઢાળ
તપાસ કરી તને મને, ત્રાજું મગાવ્યાં તે વાર;
કાતું લઈ માંડ્યું કાપવા, આપવા આમિષ હોલાભાર. ૨
કાપી કાપી રાયે આપિયું, સર્વે શરીરનું માંસ;
તોય ત્રાજું નવ ઉપડ્યું, તેહ હોલો બેઠો છે જેહ પાસ. ૩
ત્યારે રાયે વિચારિયું, આ તો કપોત કારણરૂપ રે;
માટે આપું અંગ આખું એને, એમ કહે છે વળી ભૂપ રે. ૪
ત્યારે બેઠા રાય જઈ ત્રાજવે, હુવો લોકમાં હાહાકાર;
ત્યારે હોલો ટળી હુતાશન હવો, હવો શકરો શક્ર તે વાર. ૫
ત્યારે ઈન્દ્ર કહે ધન્ય ધન્ય રાજા, તું જેવો નથી બીજો એક;
તન અભિમાની તું નહિ, અમે જોયું કરી વિવેક. ૬
સત્ય ધર્મ નિમ ટેક તારી, ભારે ધારી ભલી તમે ભૂપ;
તન તજી બ્રહ્મલોક જાશો, થાશો બ્રહ્મસ્વરૂપ. ૭
પે’લું વે’લું લિયે પારખું, પછી દિયે છે અભયદાન;
એવા સંકટને સહન કરતાં, જાણો નથી કાંઈ જ્યાન. ૮
વામને બાંધ્યા બળિરાય, પછી પોતે બંધાણા બહુપેર;
હજી સુધી હેતે કરી, હરિ રહે છે એને ઘેર. ૯
એમ વર દઈ સુરેશ ગયા, થયો અતિ જયજયકાર;
નિષ્કુળાનંદ હરિભક્તને, ગ્રહી લેવું એવું સાર. ૧૦
વિવેચન :
શિબિરાજા તો દયાનો ભંડાર હતા તેના દિલમાં પાપ થઇ જાય એ બાબતનો બહુ જ ત્રાસ થતો તે હોલાને બદલે બીજાં કોઇ પ્રાણીને મારીને તેમનું માંસ પણ શી રીતે આપી શકે? આ બાબતમાં તે ખૂબ વિચારમાં પડી ગયો. છેવટે એવો નિર્ણય કર્યો કે ‘હોલા ભારોભાર માંસ પોતાના જ શરીરમાંથી કાપી આપવું.’ પછી તો ત્રાજવાં ને છરી મંગાવી પોતાના અંગમાંથી માંસ કાપી કાપીને હોલા ભારોભાર કરવા માંડ્યું પણ હોલાવાળું પલ્લું ઊંચું જ થાય નહિ. રાજાએ પોતાના શરીરનું લગભગ સઘળું માંસ કાપી કાપીને પલ્લામાં ધરી દીધું છતાં હોલાનું પલ્લું ઉપડ્યું જ નહિ. ત્યારે રાજાએ વિચાર કર્યો કે ‘આ હોલો કોઇક કારણરૂપ જણાય છે. માટે ભલે મારું આખું અંગ આપી દેવું પડે’ એમ છેલ્લો નિર્ણય કરી પોતે જ ઊઠીને હોલાની સામે ત્રાજવામાં બેસી ગયા એ જોતાં જ ત્યાં એકઠી થયેલી લોકોની મેદનીમાં હાહાકાર થઇ ગયો. પરંતુ શિબિરાજાની આવી દૃઢ ટેક જોઇને હોલાએ અગ્નિદેવનું અને શકરે ઇન્દ્રનું સ્વરૂપ પ્રગટ કર્યું. ઇન્દ્ર બોલ્યો ‘હે રાજન, તને ધન્ય છે, તારા જેવો દેહાભિમાન વગરનો બીજો કોઇ અમે જોયો નથી. સત્યધર્મના નિયમોને તેં પાળવાની તારી ટેક તે ભારે રાખી છે અમે તને વરદાન આપીએ છીએ કે જ્યારે તું શરીર છોડીશ ત્યારે બ્રહ્મરૂપ થઇને બ્રહ્મલોકને પામીશ.’
આ પ્રમાણે પ્રથમ ધર્મનિયમની પરીક્ષા ભગવાન કરે છે પછી જ અભય વરદાન મળે છે માટે એવા કસોટીના સંકટો જે સહન કરે છે તેને છેવટે કાંઇ નુકશાન થતું નથી. વામનજીએ બલિ રાજાને બાંધ્યો હતો પણ પછી તેની ભક્તિથી ભગવાન બંધાયા તે હજી સુધી પ્રેમથી બલિરાજાને બારણે રહે છે માટે ભક્તિનો માર્ગ પ્રથમ સંકટવાળો, પણ સરવાળે સાચું સુખ આપનારો છે એમ હરિભક્તોએ સમજવું જોઇએ.