કડવું-37

ધન્યાશ્રી

વળી કહું વાત અનુપમ એકજી, સુણજો સહુ ઉર આણી વિવેકજી;

કહું સત્યવાદી રાય શિબિની ટેકજી, મૂકી નહિ નૃપે મૂવા લગે છેકજી. ૧

ઢાળ

છેક ટેક તજી નહિ, દિયે દેદેકાર કરી દાન;

જે જે માગે તે તે આપે તેને, બહુ કરી સનમાન. ૨

ભૂખ્યો પ્યાસો કોઈ પ્રાણી આવે, માગે મનવાંછિત જે વળી;

આપે તેને આદરશું, આરત્ય વાણી સાંભળી. ૩

તેણે જશ વાધ્યો આ જક્તમાં, પરલોકે પડી ફાળ;

ઈન્દ્ર કહે લેશે આસન મારું, કરું કાંઈક રખવાળ. ૪

પે’લી વે’લી પાળ બાંધિયે, તો રહે તળાવે તોય;

આવ્યે જળે જે આદરવું, તે કામ ન આવે કોય. ૫

લાગી આગ્યે કોઈ કૂપ ખણે, તેણે હોલાય નહિ અંગાર;

માટે મેલી ગાફલતા, વે’લો વે’લો કરવો વિચાર. ૬

પછી શક્ર થયો શકરો, થયો હોલો તે હુતાશન;

આવ્યા બેઉ ઊડતા, જ્યાં બેઠા હતા રાજન. ૭

કપોત ગર્યો આવી ગોદમાં, બેઠો શકરો સામો સુજાણ;

આપ્ય મારા તું આહારને, મારા ભૂખે જાય છે પ્રાણ. ૮

ત્યારે શિબિ કહે સુણ શકરા, શરણે આવ્યો તે કેમ અપાય;

માગ્ય બીજું હોય મનમાં, જેણે કરી તારું દુઃખ જાય. ૯

ત્યારે બાજ કહે બીજું જોઈતું નથી, જોઈએ છે ખાવાનું આ વાર;

નિષ્કુળાનંદનો નાથ નાથ કરી, આપ્ય માંસ એહ હોલાભાર. ૧૦

વિવેચન : 

એવી જ એક બીજી ઉત્તમ વાત શિબિ રાજાની સાંભળવા જેવી છે જેણે મૃત્યુ સુધી પોતાની ટેક તજી ન હતી એવો તે સત્યવાદી હતો. તેની હકીકત સારાસાર વિચારથી સાંભળો. એ શિબિરાજા એટલો દાનેશ્વરી હતો કે જે કોઇ માગવા આવે તેને ના ન કહેતો. તેને ત્યાં તો બસ આપો આપો નેે આપો એવા જ શબ્દો સંભળાયા કરતા હતા તે કદી હાથ પાછો ખેંચતો જ ન હતો. જે કોઇ કાંઇ માગે તે તેને સન્માનપૂર્વક આપ્યા કરતો હતો. કોઇ પણ ભૂખ્યું તરસ્યુ પ્રાણી આવે અને ઇચ્છામાં આવે તે માગે તો પણ તેને દુઃખી વાણી સાંભળીને તે તેને પ્રેમથી આપે છે. આવી રીત ભાતથી તેની કીર્તિ દુનિયામાં ચોતરફ ફેલાઇ ગઇ. સ્વર્ગમાં ઇન્દ્રને પણ ચિંતા પેઠી કે આ પુણ્યશાળી રાજાનું પુણ્ય બહુ વધી જશે તો મારું ઇન્દ્રાસન તે લઇ લેશે. માટે મારી રક્ષા સારુ કાંઇક ઉપાય કરું. પાણી આવ્યા પહેલાં પાળ બાંધી રાખીએ તો તે તળાવમાં પાણી રહી શકે પણ પાણીનું પૂર આવે ત્યારે પાળ બાંધવા બેસવું એ ઉદ્યમ નકામો નીવડે. ઘરને આગ લાગ્યા પછી તેને ઠારવા માટે કુવો ખોદવો એ ઉદ્યમ નકામો છે, માટે ગાફલપણું છોડીને વેળાસર વિચાર કરવો જોઇએ. આમ વિચાર કરી ઇંન્દ્રે એક ઉપાય શોધી કાઢ્યો. પોતે શકરાનું રૂપ લીધું અને અગ્નિદેવને હોલો બનાવ્યો. બન્ને ત્યાંથી ઊડ્યા પણ બાજ હોલાને પકડી પાડવા પાછળ પડ્યો એમ વેગથી ઉડતા બન્ને શિબિરાજા પાસે પહોંચ્યા. હોલો તો બાજના ત્રાસથી ભયભીત થયેલો, ધ્રૂજતો રાજાના ખોળામાં આવી પડ્યો. હવે બાજ ખચકાયને સામે બેસી ગયો. રાજા તો આ શું થયું? એમ જુએ છે ત્યાં બાજને વાચા આવી ને તે બોલ્યો ‘હે રાજન, તારા ખોળામાં છૂપાઈ ગયેલો હોલો મારો ખોરાક છે માટે મને જલદી આપી દે, ભૂખથી મારા પ્રાણ જાય છે’ ત્યારે રાજાએ કહ્યું ‘હે બાજ, તારો આહાર છે તો ભલે પણ મારી ગોદમાં શરણે આવેલાને મારાથી કેમ આપી શકાય? તેને બદલે બીજું કાંઇ જોઇએ તે માગ કે જેથી તને સંતોષ થાય’ બાજ કહે ‘મારે અત્યારે બીજું કશું જોઇતું નથી. મને તો ભૂખ લાગી છે એટલે ખાવાનું જ જોઇએ. ગમે તો મારો હોલો પાછો આપ અથવા તે હોલાની ભારોભાર તાજું માંસ આપ.’