કડવું-36

ધન્યાશ્રી

એમ પ્રસન્ન કર્યા પરબ્રહ્મજી, સહી શરીરે બહુ પરિશ્રમજી;

એહ વાત સાંભળી લેવો મર્મજી, વાત છે કઠણ નથી કાંઈ નર્મજી. ૧

ઢાળ

નર્મ નથી છે કઠણ ઘણી, જેવા તેવાથી થાતી નથી;

સહુ સહુના મનમાં જુઓ, ઊંડું વિચારી અંતરથી. ૨

વણ ખપવાળાને એ વારતા, અણુ એક અર્થે આવે નહિ;

મહિમા માહાત્મ્ય મોટપ્ય મુખથી, કહિયે મર કથી કથી કહિ. ૩

જેમ પશુજનને ચાર્ય પ્યારી, તેહ નીલી દેખીને નવ તજે;

સહે કષ્ટ બહુ એહ સારુ, તોય ભાવે કરી એહને ભજે. ૪

જોને મોટી આશા છે મનમાં, જેવી પામવાને પૈસાતણી;

તેવી આશા નથી અવિનાશ પદની, વાત શું કહિએ ઘણીઘણી. ૫

અન્ન વસન સારુ અંગ આપે, જિયાં કાપે શત્રુ વળી શિશ;

એ તો થાય છે ઉછરંગશું, પણ ભજાય નહિ જગદીશ. ૬

અસત્ય સુખ સારુ એવું કરે, પિંડ પાડ્યા સુધી પ્રયાણ;

સત્ય સુખને સાંભળી, વળી થાતી નથી એવી તાણ. ૭

વિષનો કીડો વિષમાં, વસી વખાણે વિષનું સુખ;

તેને રે’તાં અમૃતમાં, થાય જરૂર જાણજો દુઃખ. ૮

તેમ ભક્ત આ બ્રહ્માંડમાં, ભજે હરિ ન તજે વિકાર;

જેમ કેશ કહિયે કઠેકાણા તણા, શ્વેત શ્યામ સહુ એક હાર. ૯

ભક્ત થાય ભગવાનના, પ્રથમના ભક્ત પ્રમાણ;

નિષ્કુળાનંદ કહે તે વિના, બીજા માનો માયાના વેચાણ. ૧૦

વિવેચન : 

એ રીતે ઋભુરાજાએ અંગે અતિશય પરિશ્રમ સહન કરીને ભગવાનને પ્રસન્ન કર્યા હતા. એમની હકીકત સાંભળીને આપણે પણ એ મર્મ ગ્રહણ કરવો જોઇએ કે સાચા ભક્ત થવું એ કઠણ વાત છે, આસાનીથી બની શકે તેવી વાત નથી. તેમાં કઠોર પરિશ્રમ કરવો પડે છે; માટે તેમાં જેવા તેવાનું કામ નથી. આ બાબતમાં દરેકે પોતાના અંતઃકરણને ઊંડેથી તપાસી જોવું ઘટે છે. જેને ભગવાનનો કે કલ્યાણનો ખરો ખપ જાગ્યો નથી એવા બેગરજુ લોકોને આવી કસોટી વાળી ભક્તિની વાતો અણુ જેટલી પણ ઉપયોગી નથી. ભલેને આવી ભક્તિના કે ખરા ભક્તના મહિમા, મોટપ કે સુખ વારે વારે વર્ણવી બતાવીએ પણ તેને માટે એ સૌ નકામા છે. જેમ પશુને લીલો ચારો બહુ ભાવે છે એટલે તેને જોતાં જ માર પડે તોપણ ખેતરમાં પેસીને તેમાં મોઢું નાખ્યા વિના રહેવાતું નથી અને હોંશે હોંશે તેના તરફ દોડે છે તેમ જગતના લોકો આ લોકના સુખની લાલચમાં અને ધન દોલત આદિની મોટી આશામાં ભટકે છે. અને સહન કરે છે, આ અવિનાશી પદ પામવા આશા રાખતા નથી અને તેને અર્થે કાંઇ સહન કરતા નથી. આવા લોકોની વાતોનું વર્ણન પણ શું કરવું? માત્ર અન્ન, ધન, વસ્ત્રની મામૂલી પ્રાપ્તિ માટે પણ માથાં કપાવા સુધીમાં પોતાના અંગો હોંશે હોંશે હોમી દે છે માથાં કપાવે છે પણ એ રીતે ભગવાનને પામવા ખાતર કાંઇ કષ્ટ સહન થતું નથી. નાશવંત સુખોને માટે પોતાના પ્રાણ આપવા સુધીની તૈયારી કરે છે પણ ભગવાન સંબંધી શાશ્વત સુખને સાંભળે છે તોપણ તે મેળવવામાં એટલો આગ્રહ થતો નથી. ઝેરમાં પડેલો કીડો ઝેરના સુખને વખાણે છે પણ તેને અમૃતમાં રહેતાં જ દુઃખ થાય છે. તે રીતે જે ભગવાનનો ભક્ત થઇને પણ જગત વિકારનો ત્યાગ કરતો નથી તો તેવા જનોને જગતના વિષયીજનોથી જુદા શી રીતે ગણવા? અર્થાત્‌ તેને ભક્તનાં ચિહ્ન હોવા છતાં તે જગતનો જીવ જ બની રહ્યો છે. જેમ કઠેકાણાના કેશ અર્થાત્‌ બગલ આદિક ગુપ્તભાગના વાળ કાળા હોય કે ધોળા હોય પણ તેમાં શું વિશેષ છે? એક સરખા જ છે, તેમ ભક્ત જરા સારા વાળ જેવો દેખાતો હોય તોપણ જ્યાં સુધી તેનામાં વિષયવિકારો ભર્યા છે ત્યાં સુધી તેને અન્ય-જગતના જીવોથી જુદો ગણી શકાય નહિ. માટે પૂર્વના ભક્તોના જેવી અડગ ટેક રાખીને કસણીમાં પાર ઉતરે તેવો હોય તે જ સાચો ભક્ત કહેવાય, તે સિવાય ઉપર ઉપરથી ભક્તિનો ડોળ દેખાડનારા સર્વેને માયાના વેચાણ સમજવા.