ધન્યાશ્રી
ત્યારે સુર ગયા શ્રીપતિ પાસજી, અમર સહુએ કરી અરદાસજી;
અમને રાખ્યા ત્યાં અમે કર્યો છે નિવાસજી, પણ હવે નથી હરિ એ સ્થાનકની આશજી. ૧
ઢાળ
આશા નથી એહ સ્થળની, જોઈ તપ ઋભુરાયતણું;
એના તપ પ્રતાપે કરી, અમે તો તપિયા ઘણું. ૨
ત્યારે શ્રીહરિ કહે સુર સાંભળો, તમે જાઓ તમારે સ્થાનકે;
એમ કહિને ઊઠિયા, અવિનાશી અચાનકે. ૩
આવ્યા રાય ઋભુ પાસળે, દીધાં દયા કરી દરશન;
માગો માગો રાય મુજથી, હું થયો છું પ્રસન્ન. ૪
હેત કરી હાથ ફેરવે, મુખ માથે ને સરવે શરીર;
જોઈ ધીરજ એ રાજનની, આવી ગયાં નયનમાં નીર. ૫
અતિ દીન આધીન ઉભા, આગળ ઓશિયાળા થઈ;
જાણે આપું એ જનને, હું મારું સુખ સરવે લઈ. ૬
વા’લપ દેખાડે છે વળી વળી, હેત હૈયામાં નથી સામતું;
અકળાઈ થયા છે ઉતાવળા, મન ધીરજ નથી પામતું. ૭
ત્યારે રાય પાયે લાગ્યા પ્રભુને, કહે ધન્ય અનાથના નાથ;
નિરખી તમને નયણે, શ્રીહરિ હું થયો સનાથ. ૮
માગું છું હું મહા પ્રભુ, પંચ વિષય સંબંધિ જે સુખ;
દેશોમા તે દયા કરી, જેથી થાય તમથી વિમુખ. ૯
ત્યારે શ્રીહરિ કહે શુદ્ધ ભકત તમે, નથી માયાનો લેશ તમમાં જરા;
નિષ્કુળાનંદનો નાથ કહે, અનન્ય ભક્ત મારા ખરા. ૧૦
વિવેચન :
પછી તો સઘળા દેવો મળીને ભગવાન પાસે ગયા અને અરજ કરી કે ‘હે ભગવાન, તમે જે પ્રમાણે આજ્ઞા કરી છે તે પ્રમાણે અમે અમારા સ્થાનમાં રહ્યા છીએ પણ એ સ્થાનમાં હવે ટકી શકીએ એવી આશા નથી. કારણકે ઋભુરાજાની તપશ્ચર્યાના પ્રતાપથી અમે બધા તપી ઊઠ્યા છીએ.’ આ વાત સાંભળીને ભગવાને કહ્યું કે ‘હે દેવો, તમે હમણાં તમારે સ્થાનકે જાઓ (હું હમણાં બધી વ્યવસ્થા કરું છું એવા ભાવથી.)’ આવો જવાબ સાંભળી દેવો તો પોતપોતાને સ્થાને ગયા. તુર્ત ભગવાન ત્યાંથી અચાનક જ (ઋભુએ પ્રાર્થના કર્યા વિના પણ) ઋભુરાજા પાસે આવ્યા. અને તેમને દયા કરીને દર્શન આપ્યા. ભગવાન બોલ્યા ‘હે રાજન ! હું તારા તપથી પ્રસન્ન થયો છું. માટે મારી પાસે જોઇએ તે માગો’ આમ કહેતા કહેતા ભગવાન તેના શરીર પર અતિશય પ્રેમથી હાથ ફેરવવા લાગ્યા. ઘડીક મોઢાં ઉપર તો ઘડીક આખા શરીરે એમ પંપાળવા માંડ્યા અને ઋભુરાજાની ધીરજ જોઈને પ્રભુની આંખો ભીની થઈ ગઈ. આંખમાં આસું આવી ગયાં. ભગવાન એટલા તો લાગણી વશ અને તેની ભક્તિ આગળ પરાધીન જેવા બની ગયા કે જાણે પોતાનું સઘળું સુખ તેમને આપી દેવા તત્પર થયા હોય એમ જણાતા હતા. પોતાના ભક્ત ઉપરનું હેત હૃદયમાં સમાતું ન હોય તેમ વારે વારે હેતના ઉમળકા આવતા હતા. અંતરમાં થયેલી પ્રસન્નતાથી ભગવાન એટલા આતુર બની અકળાતા હતા કે મનમાં ધીરજ ધરી શક્તા ન હતા. તેમને આમ પ્રેમવશ વરસી રહેલા અને અતિશય પ્રસન્ન જોઇને રાજાએ વિનયથી પ્રણામ કરીને કહ્યું કે ‘હે અનાથના નાથ પ્રભુ, તમારા દર્શનથી હું એટલું માગું છું કે આ જગતનું મિથ્યા(ક્ષણિક), અને દુઃખરૂપ એવું પંચવિષય સંબંધી સુખ તે મને દયા કરીને આપશો નહિ, કેમ કે એમાં લપટાઇ જઇને જીવો આપના ચરણથી વિમુખ થઇ જાય છે.’ રાજાનાં આવાં વચનો સાંભળી ભગવાન બોલ્યા ‘હે ભક્તરાજ ! તમને ધન્ય છે. તમારામાં માયાનો લેશ પણ નથી. તમે ખરેખરા મારા શુદ્ધ અને અનન્ય ભક્ત છો. તમારી ઇચ્છા પૂર્ણ થાઓ.’