કડવું-34

ધન્યાશ્રી

પ્રભુ ભજવા જેને કરવો ઉપાયજી, તેને એમ કરવું જેમ કર્યું ઋભુરાયજી;

પ્રભુ પ્રસન્ન કરવા ગયા વનમાંયજી, આરંભી તપ ઊભા એક પાયજી. ૧

ઢાળ

એક પગે ઊભા રહ્યા, અડગ મને અચળ થઈ;

કર બેઉ ઊંચા કર્યા, શરીર પર ફેરવે નહિ. ૨

ઈચ્છા મેલી અન્ન પાનની, પ્રભુ પ્રસન્ન કરવાને કાજ;

તજી આશા વળી તનની, જેમ તજી આવ્યા નિજરાજ. ૩

શરીર સર્વે સૂકી ગયું, રહ્યું નહિ લોહી ને માંસ;

અસ્થિ રહ્યાં એક અંગમાં, રહ્યો શ્વાસ વણ વિશ્વાસ. ૪

નાડી રહી સર્વે નિસરી, ઉઘાડી અંગથી બા’ર;

ગળ્યું અંગ મળ્યું પેટ પૂંઠે, તોય કરે છે નામ ઉચ્ચાર. ૫

માથું ઘૂંટણ મોટાં થયાં, રહ્યું હૈયું બા’રું નિસરી;

અજિન વળગ્યું અસ્થિએ, થઈ કૃશ કાયા તપે કરી. ૬

લાગે પવન અંગ લડથડે, વળી ડોલે છે તેણે દેહ;

એવું અચેત અંગ થયું, તોય તપ ન તજે તેહ. ૭

સૂકા કાષ્ટ સમ ઉભા રહ્યા, અરણ્યમાં એકાએક;

હાલે ચાલે નહિ ચરણે, એવી ગ્રહી આકરી ટેક. ૮

રાજી કરવા રમાપતિ, અતિ આકરું તપ આદર્યું;

ધરણી લાગી ધ્રુજવા, સ્વર્ગ કંપાયમાન કર્યું. ૯

એવું તપ જોઈ આકરું, સર્વે બીન્યા સુર અસુર;

નિષ્કુળાનંદ નાથને કહી, લેશે આપણા સ્થાનક જરૂર. ૧૦

વિવેચન : 

વળી જેને પ્રભુ ભજવા છે, તેણે તો જેમ ઋભુરાજાએ કર્યું હતું તેમ કરવા પ્રયત્ન આદરવો જોઇએ. ઋભુરાજા ભગવાનને પ્રસન્ન કરવાની ઇચ્છાથી તપ કરવા વનમાં ચાલી નીકળ્યા અને ત્યાં જઇને અડગ મનથી સ્થિર થઇ એક પગે ઊભા રહ્યા. બે હાથ ઊંચા રાખ્યા, શરીર પર કાંઇ જીવ જંતુ કરડે તોપણ તે હાથ ફેરવતા ન હતા. તેમણે ખાન પાનની પણ ઇચ્છા છોડી દીધી. અર્થાત્‌ ખાનપાન છોડી દીધાં. જેમ પોતાનું રાજ્ય છોડી દીધું હતું તેમ પોતાના શરીરની સંભાળ પણ તજી દીધી. આવી અતિ આકરી તપશ્ચર્યા કરતાં કરતાં તો તેમનું શરીર છેક સૂકાય ગયું. લોહી માંસ બિલકુલ રહ્યાં નહિ. એકલાં હાડકાં જ જણાતાં હતાં. શ્વાસ પણ ટકશે કે કેમ? એવા વિશ્વાસ વિના જાણ્યે ચાલતો હતો. શરીરની બધી નાડીઓ બહાર ઉપસેલી દેખાતી હતી. તેમનું આખું અંગ ગળી ગયેલું અને પેટ ઊંડું પીઠને મળી ગયેલું હોય તેમ ભાસતું હતું. તોપણ ભજન જેમનું તેમ ચાલુ હતું. માથું અને ઘૂંટણ મોટા દેખાતાં હતાં. છાતી ઉપસી આવી હતી. અંગ ઉપરનું ચર્મ જાણે હાડકાંને વળગી રહ્યું હોય એમ જણાતું હતું. આ રીતે તપને લીધે શરીર છેક દુર્બળ થઇ જતાં પવનનો સહેજ ધક્કો લાગતાં પણ શરીર લથડી જતું હતું આવું ચેતન વગરનું શરીર થઇ જવા છતાં તેમણે આદરેલી તપશ્ચર્યા છોડી જ નહિ. જાણે એકાદ સૂકાયેલું કાષ્ઠ ખોડેલું હોય તેની પેઠે ઋભુરાજા આ ઘોર જંગલમાં એકલા ઊભા હતા. જરા પણ આઘું પાછું ડગલું ભરતા નથી એવી આકરી ટેક ધારી હતી. ભગવાનને રાજી કરવા ખાતર આવી આકરી તપશ્ચર્યા કરતા જોઇને પૃથ્વી કંપવા લાગી અને સ્વર્ગલોક પણ ડોલી ઊઠ્યો. દેવ અને દાનવો તમામ ડરવા લાગ્યા. સૌને એમ ભીતિ પેસી ગઇ કે નકકી આ તપસ્વી રાજા આપણું સ્થાન પડાવી લેશે.