કડવું-32

ધન્યાશ્રી

ત્યારે કુમુદ્વતીને કહે દ્વિજ આમજી, નારી અંગ નરનું પણ વેદે કહ્યું વામજી;

માટે અંગ તારું નાવે એને કામજી, એણે તો લીધું છે દક્ષિણનું નામજી. ૧

ઢાળ

નામ લીધું છે દક્ષિણનું, રાણી કુંવરનું વે’રેલ;

એવું લઈને આવજ્યે, આપ્યું હોય હરખે ભરેલ. ૨

ત્યારે મહિપતિ કહે મ બોલો કોઈ, સહુ રહો રાજી રળિયાત;

આ અવસર અમૂલ્યમાં, રખે કોઈ બગાડો વાત. ૩

માગે મોટા જે મગન થઈ, તેવી તક આવી મારે આજ;

ધન્ય ધન્ય મારા દેહને, જે આવ્યું બ્રાહ્મણને કાજ. ૪

લાવો કરવત કાકરી, આકરી કરી તેની ધાર;

માથું ચીરીને માહરું, તરત પોં’ચે જઈ પાર. ૫

પાછળ રે’જે તું પુત્ર મારા, સામી રે’જે વળી તું સુંદરી;

વચ્ચેથી માંડો તમે વે’રવા, અતિશય હરખ હૈયે ભરી. ૬

રાજી કરો ઋષિરાયને, કોઈ દિલ મ કરો દિલગીર;

મારા દુઃખને દેખી કરી, રખે નયણે ભરો કોઈ નીર. ૭

મારે નથી એવું મનમાં, જે અવળું થયું આ વાર;

તમે શોક શીદને કરો, થાઓ વેગે વે’રવા તૈયાર. ૮

એમ કહી ઉભા સ્થંભ બે મધ્યે, અતિ અતિ ઉતાવળા થાય;

તેહ જોઈને જન બીજા, કરે છે ઉભાં ત્રાય ત્રાય. ૯

અસ્રકની છોળ્યું ઉડશે, રહેજ્યો છેટે સહુ નરનાર;

નિષ્કુળાનંદનો નાથ જોતાં, કર્યું કરવત તૈયાર. ૧૦

વિવેચન :  

વિપ્ર તો ચાલી નીકળવા તૈયાર થયા. તેને રાણીએ રોકીને કહ્યું કે ‘તમારે તો રાજાનું અર્ધું અંગ જોઇએ છે ને? તો પછી હું રાજાની અર્ધાંગના છું. મને લઇને સિંહને સોંપવામાં તમને શી હરકત છે?’ વિપ્ર કહે ‘સિંહે એવી શરત કરી છે કે રાજાનું જમણું(અર્ધું) અંગ જોઇએ. પત્ની તો ડાબું અંગ ગણાય છે, માટે તમને ન લઇ જવાય વળી બીજી શરત એ છે કે રાણી અને કુંવર બન્નેએ વેરેલું હોય તો જ ખપે.’ વિપ્રનાં આ વચન સાંભળી રાજાએ કહ્યું કે ‘હવે કોઇ કશું બોલશો નહિ.’ બધા રાજી રહો મારે માટે આ અમૂલ્ય અવસર આવ્યો છે. તેમાં કોઇ વિઘ્ન ન નાખતા. મોટા મોટા માણસો જિંદગીમાં પ્રસન્નતાપૂર્વક જે ખરી તકની માગણી કરે છે તે તક મને પ્રાપ્ત થઇ છે. મારા શરીરના સદ્‌ભાગ્ય છે કે તે આજે બ્રાહ્મણને અર્થે વપરાશે. કરવતના દાંતાઓને આકરી ધારવાળા કરીને જલ્દી લાવો, કે જે માથેથી મૂક્તા તરત શરીરના બે ભાગ કરી નાખે. વળી મારું શરીર વેરવામાં કુંવર પાછળ રહે અને રાણી મારા મુખ સામે રહે. બરાબર માથાની વચ્ચે કરવત મૂકીને હર્ષભર્યા હૃદયે તેને વેરવા લાગો. આ બ્રાહ્મણને રાજી કરવાની બાબતમાં કોઇ પણ (મારી પ્રજા પણ) દિલગીર ન થશો. અને મારું દુઃખ જોઇ રખે કોઇ આંખમાં આસું લાવતાં. આ ખોટું થાય છે એવો લેશ માત્ર સંકલ્પ મારા મનમાં નથી, માટે તમે શોક શા માટે કરો છો? મારું અંગ વેરવાની તૈયારી જલદી કરો.પછી રાજા બે સ્થંભની વચ્ચે સ્થિર થઇને ઊભો રહ્યો અને ‘જલ્દી કરવત ચલાવો’ એમ ઉતાવળ કરવા લાગ્યો. આ જોઇને લોકો કલ્પાંત કરવા લાગ્યા. કરવતવાળાએ લોકોને કહ્યું કે ‘બધા દૂર ઊભા રહો કેમ કે લોહીની છોળો ઉડશે.’