કડવું-31

ધન્યાશ્રી

ત્યારે રાય બોલિયા થઈ પ્રસન્નજી, ભલે તમે આવિયા મારે ભવનજી;

આપીશ હું તમને મારું આ તનજી, તે જાણજ્યો તમે જરૂર મનજી. ૧

ઢાળ

જરૂર તમે જાણજ્યો, આપું ઉતાવળું આ દેહ;

વિલંબ તેની નથી વળી, સાચું માનજ્યો નથી સંદેહ. ૨

ત્યારે ત્યાં મોરુધ્વજને તેડાવિયો, આપી રાજગાદી એહને;

પુત્ર પ્રજાને પાળજો, મ ટાળજો હરિશું સનેહને. ૩

પછી નરેશ નાહિ તિલક કરી, ધરી કંઠમાં તુલસીદામ;

મંગાવ્યું કરવત વે’રવા, ત્યારે ઊઠ્યું અકળાઈ ગામ. ૪

હાલકલોલ શહેર સહુ થયું, રહ્યું નહીં ધારતાં ધીર;

હાહાકાર હવો ઘણો, ભર્યા સહુએ નયનમાં નીર. ૫

ત્યારે મોરુધ્વજ એમ કહે, હું સુત તમારો તમારું તન;

આપો મને એ વિપ્રને, વળી કરો એને પ્રસન્ન. ૬

ત્યારે રાણી કે’ અર્ધ અંગ હું કા’વું, આપો રાય મને એ જાયે લઈ;

પામે પુત્ર એ પોતાતણો, મને વાઘના મુખમાં દઈ. ૭

કુંવર રાણીની વાણી સુણી, બોલ્યા દ્વિજ સેવકને સંગ;

આતો વાત વઘરે પડી, નહીં આપે રાય અર્ધું અંગ. ૮

મેલી લાલચ્ય ચાલો મારગે, જઈએ વેગે વાઘની પાસ;

અસ્થિ એનાં પરજાળિયે, જ્યારે ખાઈ જાય એનું માંસ. ૯

પડી વાત પંચાયતે, તે ન નિપજે નિરધાર;

નિષ્કુળાનંદના નાથને, એવું ગમિયું આ વાર. ૧૦

વિવેચન : 

બ્રાહ્મણની આ વાત સાંભળીને રાજા પ્રસન્ન થઇને બોલ્યો ‘મહારાજ, આપ મારે ત્યાં ભલે પધાર્યા’ હું તમને મારું શરીર આપીશ. એની તમે મનમાં ખાતરી રાખજો. વળી તેમાં વિલંબ નહિ થાય આ બાબતમાં જરા પણ શંકા રાખશો નહિ.’ પછી તુર્તજ રાજાએ પોતાના પુત્ર મોરધ્વજને બોલાવ્યો અને રાજગાદી તેને સોંપી દીધી. અને ભલામણ કરી કે ‘બેટા, પ્રજાનું પાલન કરજો અને ભગવાનની ભક્તિ ભૂલી જઇશ નહિ.’ પછી રાજાએ સ્નાન કર્યું. ભાલમાં તિલક કર્યું, ગળામાં તુલસીની માળા પહેરી અને પોતાનું અર્ધું અંગ વહેરી આપવા માટે કરવત મગાવ્યું! આ સમાચાર જ્યારે પ્રજાએ સાંભળ્યા ત્યારે આખું નગર ખળભળી ઊઠ્યું, હાહાકાર થઇ ગયો. માણસોનાં હૈયાં હાલકડોલક થઇ ગયાં! સર્વ કોઇ પ્રજાજન અધીરા બની ચોધાર આંસુએ રડવા લાગ્યા! તે વખતે રાજકુંવરે કહ્યું કે ‘પિતાજી, પુત્ર એ પિતાનું અંગ કહેવાય છે તો પછી મને તમારા અંગ તરીકે આ વિપ્રને સોંપી દો અને તેને રાજી કરો. સિંહ ભલે મારું ભક્ષણ કરે.’ ત્યારે રાણીએ કહ્યું ‘એમ શા માટે? સ્ત્રી એ પુરુષનું અર્ધું અંગ જ છે માટે તમો બન્નેને બદલે મને જવા દો. વિપ્ર ભલે મને લઇ જાય. મને સિંહના મુખમાં આપી દઇ ખુશીથી પોતાના પુત્રને છોડાવે’ આ પ્રમાણે પરસ્પર થતી ચર્ચા સાંભળીને વિપ્રે પોતાના શિષ્ય પ્રત્યે કહ્યું ‘ચાલ ભાઇ ચાલ! આ તો વાત પંચાતમાં પડી ગઇ. આમાં આપણુ કાંઇ વળે તેમ લાગતું નથી. રાજાનું અર્ધું અંગ મળશે એવી ખોટી લાલચ મૂકીને ચાલો રસ્તે પડીએ! અને જલદી સિંહ પાસે પહોંચીએ. સિંહ મારા પુત્રનું માંસ ખાઇ જાય પછી તેના બાકી રહેલાં અસ્થિ એકઠાં કરી તેની છેલ્લી ક્રિયા કરી લઇએ. જે વાત ડોળમાં ચડી તે નક્કી પાર પડશે જ નહિ ઠીક! જેમ ભગવાને ગમ્યું તેમ ખરું.’