કડવું-30

ધન્યાશ્રી

તેને મેં કરી બહુબહુ વિનતિજી, પણ વાઘે ન માની મારી એક રતિજી;

મારે તો પડિ ત્યાં વિકટ વિપત્તિજી, તે જોઈ સિંહ કહે સુણ્ય શુભમતિજી. ૧

ઢાળ

શુભમતિ સાંભળ્ય સહિ, મૃગપતિ ન મૂકે મુખથી;

બહુ દિને મળ્યો બાળક તારો, ઘણું પિડાણો હતો ભૂખથી. ૨

એમ કરતાં હોય ઉગારવો, તો તું જાચ્ય જઈ ભૂપાળને;

આપે અંગ જો અરધું, તો મેલું તારા બાળને. ૩

ત્યારે વિપ્ર કે’ મેં કહ્યું વાઘને, એ વાત મૂથી કેમ થાય;

કદાપિ માગું હું અંગ એનું, પણ રાયે કેમ દેવાય. ૪

અન્ન ધન આપે અવનિ, તેતો સત્યવાદીને છે સોયલું;

પણ અંગ કાપીને જે આપવું, એથી બીજું શું દોયલું. ૫

વણ માગ્યાનું જે માગવું, તેનો કરવો તપાસ;

વે’રી આપે અંગ અધિપતિ, એવો આવે કેમ વિશ્વાસ. ૬

ત્યારે વાઘ કહે એ વસમું નથી, અંગ આપશે જા તું અચિર;

આગે અસ્થિ દધીચિયે આપ્યાં, આપ્યું શિબિયે કાપિ શરીર. ૭

કર્ણે કવચ આપિયું, આપ્યું બળિયે ત્રિલોકીનું રાજ;

સત્યવાદીને છે સોયલું, જઈ જાચો ન પાડે તે નાજ. ૮

એમ કહી ઈયાં મોકલ્યો, તરત તમારે રાય પાસ;

નથી મગાતું મેં મુખથી, તેમ નથી મેલાતી સુત આશ. ૯

ઉભય સંકટ આવિયાં, એક એક થકી અધિક;

નિષ્કુળાનંદનો જે નાથ કરશે, તેજ થાશે અંતે ઠીક. ૧૦

વિવેચન :

સિંહ પાસે મેં ઘણાં કાલાવાલા કર્યા પણ એક રતિભાર પણ તે માન્યો નહિ. મારા પર એ સમયે મહાન સંકટ પડ્યું. છેવટે મારું દુઃખ દેખી સિંહ બોલ્યો ‘હે વિપ્ર ! સાંભળ, હું ઘણા દિવસનો ભૂખ્યો છું. આજ મને તારો પુત્ર ભક્ષ(ખોરાક) તરીકે મળી ગયો છે તે હું શી રીતે છોડું? પણ એક ઉપાય છે જો તારા પુત્રને બચાવવો હોય તો, આ શહેરના રાજા મયૂરધ્વજ પાસે જઇને માગણી કર તે રાજા પોતાનું અર્ધું શરીર મારા ભક્ષ(ખોરાક) માટે આપે તો હું તારા પુત્રને છોડી દઉં’ ત્યારે મેં સિંહને કહ્યું કે ‘ભાઇ, તે વાત કેમ બની શકે? હું તો મારા સ્વાર્થ માટે જઇને માગું, પણ રાજા એમ કેમ આપે? અન્ન, ધન, જમીન વગેરે ગમે તે આપી દેવું એ તો સત્યવાદીને સહેલું છે પણ ભાઇ, જીવતું અંગ કાપી આપવું, એથી બીજું કઠણ શું કહેવાય? જે માગવા લાયક નથી તેની માગણી કરતાં પહેલા વિચાર પણ કરવો જોઇએ! રાજા પોતાની કંચન જેવી અરધી કાયા કાપી આપે, એ વાતનો ભરોસો કેમ આવે?’ એ સાંભળી સિંહે કહ્યું કે ‘અરે વિપ્ર, એ કાંઇ અઘરું નથી. તું જલદી જા, રાજા તને પોતાનું અર્ધું અંગ કાપી આપશે. અગાઉના દૃષ્ટાંતો જોને દધીચિ ઋષિએ વૃત્રાસુરનો નાશ કરવા વજ્ર બનાવવા સારુ ઇન્દ્રને પોતાના શરીરમાંથી હાડકાં કાઢી આપ્યાં હતાં. શિબિ રાજાએ શરણે આવેલા હોલાને બચાવવા તેને બદલે પોતાનું આખું શરીર કાપી કાપીને ત્રાજવામાં મૂક્યું હતું. કર્ણ રાજાએ પોતાના અંગ ઉપરથી કવચકુંડળ ઉતરડીને પણ અર્પણ કર્યાં હતાં. આમ જે સત્યવાદી હોય છે તેને એ બાબત સહેલી હોય છે. માટે જા, તું ઝટ જઇને રાજા પાસે માગણી કર. તે ના નહિ જ પાડે.’ આ પ્રમાણે સિંહે મને કહીને તુરત આપની પાસે મોકલ્યો છે હવે મારા મુખથી હું માગણી કરી શક્તો નથી. તેમ મારા પુત્રની આશા પણ છૂટતી નથી. મારે તો બે બાજુનાં સંકટ એક એકથી અધિક આવી પડ્યાં છે હવે તો જે ભગવાન કરે તે ખરું.