કડવું-3

ધન્યાશ્રી

શુભમતિ સુણો સહુ સુખની વાતજી, હરિ ભજતાં રહેવું રાજી રળિયાતજી;

સુખદુઃખ આવે જો તેમાં દિન રાતજી, કાંઈ કચવાઈ ન થાય કળિયાતજી.૧

ઢાળ

કળિયાત ન થાય કોઈ દિન, રહે મનમાંય તે મગન;

દુઃખ પડતાં આ દેહને, દિલગીર ન થાય કોઈ દન. ૨

વણતોળી વિપત માંહી, વળી ધરવી અંતરે ધીરને;

સદાય ન હોય સરખું, હોય સુખ દુઃખ શરીરને. ૩

તેમાં કાયરતા કોરે કરી, હૈયે હિંમત રૂડી રાખવી;

મોળી વાતને મુખથી, વળી ભૂલે પણ નવ ભાખવી. ૪

જેમ શૂરો જુવે શરીરના, ઘણા ઘણા લાગેલ ઘાવ;

તેમ તેમ મલકાય મનમાં, વળી નાખે મૂછે તાવ. ૫

ઘણે દુઃખે મુખ ઉજળું, રહે શૂરવીરનું સદાય;

અલ્પ દુઃખે અણોસરો, રાત દિવસ રહે હૃદયામાંય. ૬

મુખથી મોટી વારતા, કષ્ટ સહ્યા વિના ન કહેવાય;

ભીડ્ય પડ્યામાં ભળ્યો નથી, ત્યાં સુધી ઝાંખ્યપ નવ જાય. ૭

શૂરા સંતનું સરખું કહિયે, તન ઉપર એક તાન;

શૂરો મરે સંત સુખ પરહરે, કરે અળગું અંગ અભિમાન. ૮

સંકટના સમૂહ માંહિ, દિલે દીનતા આણે નહિ;

ચડ્યો રહે કેફ ચિત્તમાં, તેને સમ વિષમ ગણતી સહિ. ૯

ઈચ્છે સંકટ આવવા, જેમાં સાંભરે શ્રી ઘનશ્યામ;

નિષ્કુળાનંદ એ ભક્ત કહિયે, નારાયણના નિષ્કામ. ૧૦

વિવેચન

સદ્‌. નિષ્કુળાનંદ સ્વામી કહે છે શુભ મતિવાળા મહારાજને પામવાના નિશ્ચયવાળા કે એવી બુદ્ધિવાળા ભક્તો હોય એમને સુખ થાય એવી એક સાંભળવા જેવી વાત છે. તે એ છે કે પ્રભુને ભજતાં-ભગવાનને માર્ગે ચાલતાં ચાલતાં દુઃખ આવે-પ્રતિકૂળતા આવે તોય પ્રસન્ન રહેવું-હસતે મોઢે સહન કરી લેવું, કચવાય ન જવું. ભગવાન ભજતાં ભજતાં કે મહારાજને રાખતાં કોઇ દુઃખ આવી પડે તો દુઃખી ન થઇ જવું. પોતાને દુઃખી ને બીજાને સુખી ન માની લેવું, મનમાં ખિન્નતા ન આવવા દેવી, કુંઠાઇ ન જવું કે હવે ભગવાનને રસ્તે જવાનું કાંઇ નહિ, એમ માનીને તળિયે ન બેસી જવું. જે મહારાજના શૂરવીર ભક્તજનો એમ ક્યારેય પ્રતિકૂળતાથી હારી જતા નથી. પોતાને પ્રતિકૂળતાથી દુઃખી માની લેતા નથી. ને ભગવાનને રસ્તે ચાલતાં પ્રતિકૂળતા આવે કે દુઃખ આવે. તોય મનમાં પ્રસન્ન રહે છે ને પોતાને ભગવાનને ખાતર કાંઇક સહન કરવાનું મળ્યું છે માટે પોતાને ભાગ્યશાળી માને છે માટે વણતોળી વિપત્તિમાં પણ ભગવાનના માર્ગમાં સમતુલા ધારી રાખે છે. વિકળ થતા નથી. તે ભક્તો મનમાં એવું વિચારે છે કે આ શરીરને સુખ દુઃખ આવ્યા જ કરે છે (કારણ કે શરીર તો પૂર્વકર્મને આધીન છે અને મારે પરમાત્માને-મહારાજને આધીન થવું છે) હંમેશાં સમાન સ્થિતિ રહેતી જ નથી. અણતોળી વિપત્તિ આવે ત્યારે કાયરપણું અળગું કરીને હૃદયમાં દૃઢ હિંમત રાખવી ને મહારાજનો આધાર રાખવો. ભૂલથી પણ મોઢે કાયર વચન બોલવું નહિ. સાચા શૂરવીર તો સમરાંગણમાં પોતાના શરીર પર લાગેલા ઝાઝા ઘાવ દેખે તેમ તેમ તેને શૂરાતન આવે છે, પોતાનું ગૌરવ માને છે અને મરદાનગીથી મૂછો પર હાથ નાખે છે. જેમ જેમ વધારે દુઃખ આવે તેમ સાચા શૂરવીર અને ભગવાનના ખરા ભક્ત-તેનું મુખ પ્રફુલિત થાય છે. મનની અંદર શૂરાતન વધતું જાય છે. શૂરાને એમ થાય છે કે આવા કે આથી ભયંકર-ઘમસાણ યુદ્ધમાંથી હું પસાર થયેલો છું ને ભક્તને પણ એમ થાય છે કે આભ તૂટી પડે એવા દુઃખમાં હું હેમખેમ અલગપણે ભક્ત રહ્યો છું તેનો મનમાં તેને પોરહ(ઉત્સાહ) ચડે છે. ઊલટું થોડા દુઃખમાં તેનું હૃદય રાત-દિવસ અણહોરું રહ્યા કરે છે. તેના મનમાંથી કોઇ પ્રકારે ગ્લાનિ દૂર થતી નથી. તેને મનમાં એમ થાય છે કે હજુ ક્યારેય હું ભગવાનના કોઇ ખરા કામમાં આવ્યો નથી. ત્યારે અંદરથી પોરહ કેમ આવે? માટે સદા ગ્લાનિ રહ્યા કરે છે, માટે

જ્યાં સુધી ભગવાનના અર્થે કાળજું ટૂક ટૂક ન થઇ જાય ત્યાં સુધી જીવમાંથી ગ્લાનિ જતી નથી. ખરી વાત તો એ છે કે ભગવાનને ખાતર કષ્ટમાં રગદોળાયા વિના મોઢેથી ભગવાનની કે ભક્તપણાની મોટી વાત થઇ શકતી નથી, અને જો કરવા જાય તો મોઢું સૂકાય જાય છે ને સૂરસૂરિયું થઇ જાય છે. જેમ લંકાના રણાંગણમાં ભગવાન રામના સારંગનો ટંકાર થાય કે મહાભારતમાં અર્જુનના ગાંડીવનો ટંકાર થાય ત્યારે ‘स घोषो धार्तराष्ट्रणां हृदयानि व्यदारयत् । नभश्‍च पृथिवीं चैव तुमुलोऽव्युनुनादयन् ॥’

જ્યાં સુધી ભગવાનને ખાતર કે સત્સંગને ખાતર વ્યક્તિ સંકટના ઝપાટામાં રગદોળાયો નથી, ત્યાં સુધી મનની કાયરતા ખંખેરાતી નથી, હૃદયની ઝાંખપ અને મુખનું નિસ્તેજપણું મટતું નથી. ત્યાં સુધી તે ભગવાનની કે ભગવાનના માર્ગની વાત પણ પડકાર મારીને કરી શક્તો નથી અને કરે તો નાટકીયતા આવી જાય છે. (જો કે વાસ્તવિક પૃથ્વીરાજ કરતાં નાટકનો પૃથ્વીરાજ વધારે પડકાર અને ઘણા જ વ્યવસ્થિત આયોજનપૂર્વક પડકાર ફેંકતો હોય છે! પણ રણમેદાનમાં તો વાસ્તવિક જ જઇ શકે, સ્ટેજ માયલો ત્યાં ન જાય) શૂરો અને સંત તે બન્નેની શરીર સંબંધી તત્પરતા સરખી હોય છે એ બન્ને જણા પોતાના અંગનું અભિમાન ફેંકી દે છે માટે શૂરો રણમાં ટુક ટુક થઇ જાય છે અને સંત જગતનાં સુખોને લાત મારી દઇને દુઃખોના સમૂહ આવી પડે તોપણ મનમાં ઝાંખા પડતા નથી, કાયર થઇ જતા નથી અને ભગવાન પ્રતિ જવામાં ઢીલા પડી જતા નથી. ઉલટો તેના ચિત્તમાં પ્રભુનો કેફ ચડતો રહે છે, ઉત્સાહ ચડતો રહે છે. તેને સમ-વિષમ ગમે તે પરિસ્થિતિ હોય તેની પરવા રહેતી નથી. એવા સંતપુરુષ તો ભગવાનનું સ્મરણ વધુ થાય એવા હેતુથી સંકટ આવે એવું ઇચ્છે છે અને એવાને જ ભગવાનના નિષ્કામ ભક્ત કહેવાય, તમામને નહિ.