કડવું-28

ધન્યાશ્રી

ફૂટયું જળ ઠામ કૂપ ઉંડો અપારજી, પ્યાસા રહ્યાં એહ રાજા સહિત ચારજી;

પડ્યું દુઃખ એવું તોય પામ્યાં નહિ હારજી, વળતો રાયે એમ કર્યો વિચારજી. ૧

ઢાળ

વિચાર કરી એમ બોલિયા, મળ્યું અન્ન કેટલેક દન;

ભલે આવ્યું અર્થ અભ્યાગતને, એમ કહી થયા પ્રસન્ન. ૨

ત્યારે ટળી અઘોરી તર્ત થયા, ધર્મ દેવ મૂરતિમાન;

માગ્ય માગ્ય રાજા મુજ થકી, આપું તને તે વરદાન. ૩

ત્યારે રાય કહે ધન્ય ધન્ય ધર્મ, માગું રાજી થયા જાણી તમને;

સુખી રહે સહુ પ્રાણધારી, એની આવે પીડા અમને. ૪

ત્યારે ધર્મ કહે પરની પીડા લિયે, તેને અંગે પીડા આવે નહિ;

એહ વિના વણમાગ્યે આપું છું, અવિનાશ ધામે વસશો જઈ. ૫

ધન્ય એ રાયની ધીરજને, ધન્ય સત્યવાદી દયા ઘણી;

એવી અનાદિની રીત જોઈ જન, પછી વિચારવી રીત આપણી. ૬

એના જેવી હોય આપણી, તો ઠરી બેસવું એહ ઠીક છે;

નહિ તો કસર કાઢવી, એહ જ રૂડો વિવેક છે. ૭

પણ ખજિને ખોટપ ન આણવી, જાણવી એ પણ વાત;

બીજે બગડ્યે શું બગડે, એહ સમજવું સાક્ષાત. ૮

બીજાં કામ તો કૈંક કર્યાં, કેડે રાખ્યું એક કરવું કલ્યાણ;

એને સમઝું સમજવું, એ પણ જાણ તે અજાણ. ૯

આપે જમ્યા વિના આપણી, ભૂખ કહો કેમ ભાંગશે;

નિષ્કુળાનંદ કહે સાચું કે’તાં, કોઈને દુઃખ પણ લાગશે. ૧૦

વિવેચન : 

હવે પાણીનું વાસણ ફૂટી ગયું અને કૂવો તો ઘણો જ ઊંડો હતો. ખાવાનું તો રહ્યું પણ પાણી વિના ચારે જણા તરસે પીડાવા લાગ્યાં! આવું અસહ્ય કષ્ટ પામવા છતાં તેઓ ધીરજ છોડતા ન હતા. રાજાએ તો વિચારીને કહ્યું ‘અહો આપણને ઓગણપચાસમે દિવસે મળેલું અન્ન પણ અતિથિના ઉપયોગમાં આવ્યું તે બહુ સારું થયું’ આમ બોલીને તે મનમાં ખૂબ જ પ્રસન્ન થયો. આ પ્રમાણે રંતિદેવના ધીરજ, પરોપકારીપણું, દયાળુ સ્વભાવ અને પ્રસન્નતા પૂર્વકની સહનશીલતા જોઇને અઘોરી વેશમાં અતિથિ તરીકે ઊભેલા સાક્ષાત્‌ ધર્મરાજા પ્રગટ થયા. તેમણે અતિશય પ્રસન્ન થઇને કહ્યું ‘હે રંતિદેવ, મારી પાસેથી જે જોઇએ તે માગો માગો, હું તમને વરદાન આપું છું’ રાજાએ પ્રણામ કરીને કહ્યું ‘હે ધર્મરાજ, આપ ધન્ય છો, આપ જો પ્રસન્ન થયા હો તો હું આપની પાસે એ માગું છું કે આ જગતમાં(મારા રાજ્યમાં) સહુ પ્રાણી માત્ર સુખી રહે. એનાં ભાગ્યમાં પીડા હોય તે મને આવે.’ ધર્મરાજા બોલ્યા ‘બહુ સારું, રાજન! સાથે એ પણ કહું છું કે પરની પીડા જે લેશે તેને અંગે પીડા નહિ આવે. ઉપરાંત તેં નથી માગ્યું છતાં હું વરદાન આપુ છું કે તમારો નિવાસ ભગવાનના ધામમાં થશે.’

અહો ! રાજા રંતિદેવની ધીરજને ધન્ય છે, એનું સત્યવાદીપણું અને અપાર દયા પણ ધન્યવાદને પાત્ર છે. સત્યપુરુષોની આવી અનાદિ રીત જોઇને આપણે પણ આપણી રીત તપાસવી જોઇએ. જો એના જેવી સાચી લગની દિલમાં હોય તો તો નિરાંત કરીને બેસી જવું એ ઠીક ગણાય, નહિ તો પછી આપણી અપૂર્ણતા દૂર કરવાના પ્રયત્નમાં લાગી જવું જોઇએ. એ જ સારાસાર વિચારવાળી(વિવેકવાળી) બુદ્ધિ ગણાય. જાણવા જેવી મુખ્ય વાત એ છે કે સત્સંગના આપણે ધારેલા નિયમો તે મોક્ષની મૂડીરૂપ આપણો ખજાનો છે તેમાં ખોટ્ય આવવા ન દેવી જોઇએ. જો એમાં ખોટ્ય આવે કે બગાડ થાય તો મૂડી ગઇ સમજવી અને એ જ મોટી હાનિ છે. જો મૂડી સલામત રહે, તો એ સિવાયનું વ્યવહાર સંબંધી કંઇ બગડે તો એથી શું બગડી જવાનું છે? આ વાત સમજી રાખવા જેવી છે. જગતનાં હજારો કામો કર્યાં અને માત્ર એક કલ્યાણ સંબંધી કામ બાકી રાખે, એવા મનુષ્યને ડાહ્યો ગણવો એ પણ અજ્ઞાન છે. માટે સત્સંગના નિયમો દૃઢ રીતે પાળીને પોતાનું કલ્યાણ પોતાને જ કરવાનું છે, એમાં બીજા કોઇનું કરેલું ખપ આવવાનું નથી કેમ કે જ્યાં સુધી માણસ પોતે જ ભોજન ન જમે ત્યાં સુધી તેની ભૂખ કેમ ભાંગવાની? પરંતુ આવી સાચી હકીકત કહેવા જતાં કેટલાકને દુઃખ પણ લાગવાનો સંભવ છે. પોતાના કલ્યાણની વાત પણ બધા ને પાધરી જ પડતી હોતી નથી.