કડવું-27

ધન્યાશ્રી

સુણો વળી કહું રંતિદેવની રીતજી, ભક્ત પ્રભુનો પૂરો પુનિતજી;

સહ્યાં તેણે દુઃખ શરીરે અગણિતજી, કહું તેની વાત સુણો દઈ ચિત્તજી. ૧

ઢાળ

કહું વાત રંતિદેવની, કરે નિજ નગરનું રાજ;

પોતે પોતાની પ્રજા પાસે, રખાવે બહુ અનાજ. ૨

એમ કરતાં આવી પડ્યો, બાર વરસનો વળી કાળ;

એકાદશ વરસ અન્ન પો’ચિયું, દ્વાદશનો થયો જંજાળ. ૩

ત્યારે રાયે અન્ન આપિયું, તે પણ પો’ત્યું દશ માસ;

પછી લાગ્યા છે પડવા, ઉપરા ઉપર ઉપવાસ. ૪

કળકળે જન અન્ન વિના, બહુ બહુ પાડે છે બકોર;

તે સુણી રાય ચાલિયા, સંગે રાણી સુત સુતવધૂ ભોર. ૫

ઉપવાસ ચોખા ચારેને પડ્યા, એકે ઓછા પૂરા પચાસ;

ત્યાં અણઈચ્છાયે અન્ન મળ્યું, બેઠાં જમવા પાસોપાસ. ૬

પાશેર પાશેર પાણિમાં, વળી આવ્યું હતું જે અન્ન;

ઉપવાસ ઓગણ પચાસમે, કરવા બેઠાં ભોજન. ૭

અભ્યાગત અન્નારથી, તેહની વાટ જુવે છે વળી;

આપીયે એને આ માંયથી, એમ વિચારે છે ચારે મળી. ૮

તિયાં અઘોરી એક આવિયો, સંગે લઈને વળી શ્વાન;

ભૂખ્યો ભૂખ્યો એમ બરકે, કોઈ આપો ભોજન પાન. ૯

ત્યારે આપ્યું અન્ન જળ એહને, રાય રાણી સુત સુતભામ;

નિષ્કુળાનંદ પાણી પી અઘોરીએે, ઠેલ દઈ ફોડ્યું જળ ઠામ. ૧૦

વિવેચન :

 વળી રંતિદેવ નામના રાજા જે ભગવાનના ખરેખરા ખૂબજ પવિત્ર ભક્ત હતા તેણે જે અપાર સંકટો વેઠ્યાં તેની વાત ચિત્ત દઇને સાંભળવા જેવી છે. રંતિદેવ પોતાનું રાજ્ય બહુ સારી રીતે ચલાવતા હતા. અને પ્રજા પાસે અનાજનો સંગ્રહ કાયમ રખાવતા હતા, પરંતુ એક સમયે બાર વર્ષનો ભયંકર દુષ્કાળ પડ્યો. આ વખતે રંતિદેવે રખાવેલો અનાજનો સંગ્રહ અગિયાર વર્ષ સુધી તો પહોંચ્યો પણ બારમાં વર્ષની મુશ્કેલી ઊભી થઇ. પછી તો રાજાએ પોતાના ભંડારમાંથી પ્રજાને બચાવવા માટે અનાજ આપવા માંડ્યું. પરંતુ તે સંગ્રહ પણ દસ મહિને ખલાસ થઇ ગયો.

હવે પરિસ્થિતિ એવી વિષમ થઇ પડી કે રાજાને પોતાને ખાવા પૂરતું પણ અન્ન ન રહ્યું, તેથી તેને ઉપરા ઉપરી ઉપવાસ થાવા લાગ્યા. ચારે તરફ ભૂખથી પીડાતી પ્રજાના કારમાં દુઃખના પોકારો સંભળાવા લાગ્યા! રાજા પાસે તેને ખાવા આપવા જેવું કશું હતું નહિ. તે બધું જ આપી ચૂક્યા હતા. આ પરિસ્થિતિમાં લોકોનો કાળો કકળાટ તે દયાળુ રાજા સાંભળી શક્યા નહિ. એટલે પોતે પોતાની રાણી, પુત્ર ને પુત્રની પત્ની એ ચારેય જણ વહેલા પ્રભાતે રાજધાની છોડીને ચાલી નીકળ્યા. ભૂખના દુઃખથી મહાકષ્ટે ચાલતાં ચાલતાં તેમને પૂરા ૪૯ ઉપવાસ કોરેકોરા થયા. એવામાં ઇશ્વર ઇચ્છાથી અચાનક કોઇક તરફથી કંઇક અન્ન મળી ગયું એટલે તે ચારેય જણાના ભાગમાં માત્ર પાશેર પાશેર અન્ન હતું. તે વડે ઓગણપચાસમે દિવસે પારણું કરવા બેઠાં. પણ જમતાં પહેલાં કાયમના નિયમ પ્રમાણે વિચારવા લાગ્યા કે ‘કોઇ અન્નાર્થી અભ્યાગત આવે તો તેને આમાંથી પ્રથમ આપી ને પછી જમીએ’ એવામાં એક અઘોરી આવી ચડ્યો. તેની પાસે એક કૂતરો પણ હતો. તે અઘોરી બૂમો પાડતો હતો કે ‘કોઇ ખાવાપીવાનું આપો. મને બહુ ભૂખ અને તરસ લાગી છે’ આ સાંભળી રાજાએ તેને બોલાવ્યો અને ચારેય જણાએ પોતાનું અન્ન તેને આપી દીધું તથા પાણી પણ આપ્યું. અઘોરી અને તેનો કૂતરો બધું અન્ન ખાઇ ગયા. અને પાણી પણ પી ગયા, એટલું જ નહિ પણ વધારામાં અઘોરીએ પાણી પી લીધા પછી વાસણને જમીન પર પછાડ્યું એટલે પાણી પીવા માટે જે માટીનું એક જ વાસણ હતું તે પણ ફૂટી ગયું.