કડવું-26

ધન્યાશ્રી

જ્યારે જાય વો’રવા વસ્તુ અમૂલ્યજી, ત્યારે જોઈએ કરવો મનમાંય તૂલજીઃ

દેશે ત્યારે જ્યારે મુખે લેશે માગ્યું મૂલ્યજી, એહ વાત કહી કથીનથી એમાં ભૂલ્યજી. ૧

ઢાળ

ભૂલ્યે કરે મનસૂબો મનમાં, તે વિનાપૈસે પૂરો ન થાય;

તેમ શ્રદ્ધાહીનની ભગતી, તે પણ તેવી કે’વાય. ૨

નથી વિત્ત વો’રે અજિયા, કરે હાથી લેવાની હોંશ;

તેતો પામ્યાનાં પાંપળાં, અમથો કરે અફસોસ. ૩

જેમ વર જાનૈયા જાનમાં, વળી જાય જોડા જોડ;

જાનૈયા તો જમે રમે, ધરે વર શિરપર મોડ. ૪

માટે જોઈ અધિકાર આપણો, પછી દિલમાં કરવો ડોડ;

પ્રહલાદ ધ્રુવ હરિશ્ચંદ્ર જેવો, ક્યાંથી પૂરો થાય મન કોડ. ૫

જેમ પંચ અસવાર પંથે જાતાં, છઠ્ઠો ભેળો થયો નર ખરે ચડી;

તેની પોં’ચવાની પ્રતીત કરવી, એ પણ ભૂલ્ય મોટી પડી. ૬

જેમ બક હંસ બરોબરી, વળી ઉજળા એક જ વાન;

તેમ સાચા કાચા સંત સરિખા, એમ જાણવું એજ અજ્ઞાન. ૭

શરીર સુખને સંભારતાં, નિશદિન નવરાં નવ રહિયે;

મહાસુખ મહારાજનું, કહો તે કઈ રીતે લઈયે. ૮

કાયરને કેમ શૂર થાવું, એ પણ અટપટી વાત છે;

વેષ લેતાં શૂરવીરનો, જન જાણો ઘટની ઘાત છે. ૯

પેખી ભક્ત પૂરવના, હૈયે રે’તી નથી વળી હામ;

નિષ્કુળાનંદ આજે આદર્યું, તે કઠણ છે ઘણું કામ. ૧૦

વિવેચન :

 જ્યારે અમૂલ્ય વસ્તુ ખરીદવા નીકળીએ ત્યારે પ્રથમ મનમાં તોલ કરવો જ જોઇએ કે મોંઢે માગી કિંમત લેશે ત્યારે એ વસ્તુ આપશે એ વાત નક્કી છે. પણ પાસે નાણાં ન હોય છતાં અમૂલ્ય વસ્તુ મેળવી લેવાનો કોડ કરવો એ વ્યર્થ ગણાય. તેમ અંતરમાં શ્રદ્ધા ન હોય ને ભક્ત થઇ જવા નીકળે છે, તેની પ્રવૃત્તિ પણ તેવી જ વ્યર્થ ગણાય. બકરું ખરીદવાના દામ ગાંઠે ન હોય ને તે હાથી મૂલવવાની હોંશ કરે ત્યારે સફળ થવાના સાંસા જ સમજવા. એવી આશાની નિષ્ફળતા બદલ અફસોસ કરવો પણ નકામો છે. જેમ જાનમાં વર તથા જાનૈયા બન્ને બણીઠણીને જાય. પણ જાનૈયાના ભાગમાં રમવું, જમવું અને મજા કરવી એટલું જ હોય, પણ વિશેષ સન્માન તો વરને જ મળે. એવી રીતે દરેકે પોતાની પાત્રતાનો વિચાર કરીને જ મનમાં ઘાટ ઘડવા જોઇએ. પાત્રતા વગર પ્રહ્‌લાદ, ધ્રુવ કે હરિશ્ચંદ્ર જેવા ગણાવાના કોડ પૂરા કેમ થાય? રસ્તે જતા પાંચ ઘોડેસ્વારો ભેગો એક છઠ્ઠો ગધેડાનો સ્વાર ભેગો થઇજાય તેથી શું પેલા પાંચની સાથે છઠ્ઠો પહોંચવાનો છે? એવી આશા રાખવી એ પણ મોટી ભૂલ છે. વળી બગલો અને હંસ-બન્ને સફેદીમાં સરખા દેખાય છે, છતાં તેમાં ઘણો ભેદ છે તેમ સાચા અને ખોટા સાધુઓ ઉપરના વેશથી સરખા જ હોય તેથી તેને સમાન સમજવા એ જ અજ્ઞાન છે. જેને પોતાના દેહના સુખ માટે સગવડ અને સાધનોની સંભાળ રાખવામાં રાતદિવસ નવરાશ નથી રહેતી એ ભગવાન સંબંધી મહાસુખ શી રીતે લઇ શકે? કેમ કે એવા લોકો અંદરથી અતિબળહીન હોય છે અને એવા બળહીન કાયર માણસોને સાચા ધીર-વીર થાવું એ સહેલું નથી પણ ઘણું કઠણ કામ છે, કેમ કે શૂરવીરનો રસ્તો કાયર કેમ લઇ શકે? એ માર્ગ લેવામાં તો માથું હોડમાં મૂકવાનો મામલો હોય છે.

એ રીતે જોતાં પૂર્વના ભક્તોની કસણી જે રીતે થઇ છે અને તેણે જે ટેક સાચવી છે તેના વૃત્તાંતોથી તો હૃદયમાં હિંમત ન રહે તેવું છે અને નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે આપણે પણ આજે સત્સંગના વર્તમાન ધાર્યા છે તેને નિભાવવાનું કામ પણ ઘણું કઠણ છે એ વીસરવું ન જોઇએ. ઉપરથી સત્સંગીનો વેશ-તિલક, ચાંદલો ગળામાં કંઠી કે સાધુનો વેશ-ભગવાં ધારી લીધાં-કેવળ એટલાથી પતશે નહિ, તેને માટે હૃદયપૂર્વકનું સમર્પણ, સચ્ચાઇ, ધીરજ, શૂરવીરપણુ અને શ્રદ્ધા અખૂટ જોઇશે. જેમ પૂર્વે હતું તેમ આજે પણ ભગવાનના માર્ગમાં છે, ભગવાનને ઘેર ઢોંગ ચાલવાનો નથી.