કડવું- 25

ધન્યાશ્રી

માગો હરિશ્ચંદ્ર આપું તુજનેજી, તમથી વા’લું નથી બીજું મુજનેજી

તમને પીડ્યા સુણી સુરેશની ગુજનેજી, ઘટે એવું કામ કરવું અબુજનેજી ૧

ઢાળ

અબુજ એવું કામ કરે, જેને ડર નહિ હરિતણો;

માટે માગો મુજ પાસથી, હું તો રાજી થયો ઘણો. ૨

ત્યારે હરિશ્ચંદ્ર બોલિયા, ધન્ય તમે થયા પ્રસન્ન;

એથી અધિક બીજું નથી, મને સર્વે મળ્યો માલ ધન. ૩

એમ કરતાં હોય આપવું, તો માગું છું મારા શ્યામ;

અમે અમારી રૈયત સહિત, રાખો તેડી તમારે ધામ. ૪

ત્યારે વિષ્ણુયે એ વર આપિયો, આપ્યો વૈકુંઠે તેમને વાસ;

એહ વાત હરિશ્ચંદ્રની કહિ, સહુ સુણી લેજો હરિદાસ. ૫

એવી ભક્તિ આદરવી ખરી, જાણો જેવી હરિશ્ચંદ્રે કરી;

તેહ વિના તન મન તાને, નથી રીઝતા શ્રીહરિ. ૬

કાલાવાલાનું કામ નથી, આતો શીશ સાટાની વાત છે;

તેહ વિના કોઈ કરે વલખાં, તેતો કાળી કામળીયે ભાત છે. ૭

જેમ હવાખાવાનું સુણી હૈયાટળ, ચાલે કોઈ ચપણ લઈ;

પણ પેટ ભર્યાનાં છે પાંપળાં, તે જાલમ નર જાણે નઈ. ૮

જેમ કાની કોટે ઘાલી ગાળિયું, જઈ સૂતી સોડ તાણીને;

મનમાં જાણે હું મરી ગઈ, એવું કામ ન કરવું જાણીને. ૯

શીદ ત્રોડી સંસારથી, રહેવું હતું ઘરમાંય ગરી;

નિષ્કુળાનંદ કહે મૂઆ પછી, જેજે થાત વાત તે ખરી. ૧૦

વિવેચન : 

હવે ભગવાન અતિ પ્રસન્ન થઇને બોલ્યા ‘હે સત્યવાદી હરિશ્ચંદ્ર, માગો માગો, જે માગો તે હું તમને આપું. મને અત્યારે તારાથી વધારે પ્રિય કોઇ નથી’ કોઇ અબૂજ મનુષ્યને ઘટે તેવું તમને દુઃખ દેવાનું કામ થયું છે તે ઇન્દ્રની ગુંજાઇશને લઇને આમ થયું છે, જેને પ્રભુનો બિલકુલ ડર જ ન હોય તે જ તમારા જેવા સત્યવાદીને દુઃખ દેવાનું કાર્ય કરે છે, પરંતુ તમે તો તમારી ટેક અડગ રાખી છે માટે તમારા ઉપર હું અતિશય પ્રસન્ન થયો છું. તમારે જે જોઇએ તે માગી લો. ત્યારે હરિશ્ચંદ્રે કહ્યું કે ‘હે ભગવાન, મારા અહોભાગ્ય છે કે આપે પ્રસન્ન થઇને મને દર્શન દીધાં. તમારા દર્શનથી વધુ કીમતી બીજું કાંઇ નથી. એથી બધી સંપત્તિ મને મળી ગઇ એમ હું માનું છું. હવે એથી વિશેષ કશું જોઇતું નથી. છતાંય પ્રજા સહિત અમને આપના વૈકુંઠ ધામમાં વાસ આપજો.’ ત્યારે ભગવાને ‘તથાસ્તુ’ કહીને વરદાન આપ્યું.

આ આખ્યાનથી ભગવાનના ભક્તોએ એવું સમજવાનું છે કે જો ભક્તિ કરવી હોય તો હરિશ્ચંદ્રના જેવી-તેણે સત્યની ખાતર કુરબાની કરી તેમજ ભગવાન માટે તેવી કુરબાની કરીને ભક્તિ કરવી. એમ કર્યા વિના એકલા શરીરના કે મનના તાલમેલથી ભગવાન રીઝતા નથી. માત્ર મોંઢેથી ભગવાન આગળ ઊભા રહી કાલાવાલા કરવા(બીજા દેખે એમ અથવા બીજાને દેખાડવા), ભજનિયાં ગાવાં કે એવા ઢંગથી ધૂન કરવી માત્ર એટલું જ ભક્તિનું કામ નથી. એમાં સંપૂર્ણ ભક્તિ થઇ ગઇ એમ ન માની લેવું. ભક્તિ તો શિરસાટાનું કામ છે. ભગવાનને માટે ભક્તિને ખાતર તો મસ્તક અર્પણ કરી દઇએ તોપણ ઓછું છે. જો એવી ત્રેવડ ન હોય ને ભક્તિને નામે ખાલી નખરાં કર્યા કરે તે તો જેમ કાળી કામળીમાં બીજો રંગ બેસતો નથી તેમ એમના હૃદયમાં પણ ભક્તિનો કોઇ પાશ લાગે નહિ. આખી જિંદગી આવી ભક્તિ કરે તોય તે એ હવા ખાવા જેવું છે અર્થાત્‌ હવા ખાવાથી પેટ ન ભરાય તેમ આવી ભક્તિથી કંઈ અર્થ ન સરે. એમ સાંભળીને કોઇ અક્કલ હીણો માણસ વિચારે જે, તો તો સારુ, આપણું પેટ ભરાશે એમ માની ખાવાના વાસણ સાથે લઇ લે તો તેમાં પેટ ભરવાના તો સાંસા જ છે એવી એ મૂર્ખને ખબર નથી એમ જાણવું. કોઇ મૂર્ખ સ્ત્રી ગળામાં દોરડીનો ગાળો નાખીને પછી સોડ તાણીને સૂઇ જઇને એમ માની લે કે મેં તો ગળાફાંસો ખાધો છે ને હું તો મરી ગઇ છું તે વાત મૂર્ખાઈ ભરેલી છે, માટે સમજુ માણસે ભગવાનના માર્ગે ચાલતા એવા મોટા ઢોંગને પિછાણીને તેનાથી બચવું જોઇએ. જે કોઇ (સાધુપુરુષો) સંસારનો સંબંધ તોડીને એવા ભગવાનને માર્ગે ઢોંગપૂર્વક ચાલ્યા છે તેણે જો સાચા સમર્પણ અને ત્યાગ વગર જ માત્ર ભક્તિના ઉપર ઉપરનાં ઢોંગ જ જો કરવા હતા તો તેને માથે કોણે પાણો મૂક્યો હતો કે ‘ભાઇ, ઘર છોડી દો ને આ માર્ગે ચાલો.’ આવી ઉપરછલી અને ઢોંગપૂર્ણ ભક્તિ કરવી હતી તો પછી તેણે ઘરમાં જ ભરાઇ રહેવાની જરૂર હતી. મૂઆ પછી જે કાંઇ ફળ મળે તે જોઇ લેવાત. પણ ભક્તિના ખાલી ઢોંગ કરવા તે બરાબર નથી. આવું કરવું તે ભક્તિના માર્ગને અને ભગવાનના માર્ગને લાંછનરૂપ ગણાય