ધન્યાશ્રી
વિપ્ર કહે સુણ્ય રોહિદાસ સુભાગ્યજી, સુગંધી ફૂલ લાવ્ય જઈ બાગજી;
ગયા ત્યારે ત્યાં ડશ્યો કાળો નાગજી, તેણે કરી તર્ત કર્યું તન ત્યાગજી. ૧
ઢાળ
ત્યાગ્યું તન જન જોઈને, કહ્યું વિપ્રને તે વાર;
તેહના દેહને દાહ દેવા, મોકલ્યા સેવક ચાર. ૨
તે શબ લાવ્યા ગંગાતટે, ચે’ રચી મૂકે છે આગ;
ત્યારે હરિશ્ચંદ્ર કહે મ મૂકીશ અગ્નિ, આપ્યા વિના મારો લાગ. ૩
આપી લાગ લગાડી ચિતા, થયું અર્ધબળ્યું જ્યારે તન;
ત્યારે નાખી ચે’ ઓલવી, ઘણો ઘણો વરસી ઘન. ૪
ત્યારે આવી છે તારા તિયાં, લીધું મડદું તે ખોળામાંય;
ત્યાં આવ્યા ઋષિ કહે આપું છરી, રાખો ભૂત ભય ન રહે કાંય. ૫
આપી છરી કહ્યું જઈ રાયને, એક વાત કહું કાને ધરિયે;
મશાણે મરકી મનુષ્યને, ખાય છે કાપી કાપી છરિયે. ૬
ત્યારે ભૂપ કહે તેડી ભંગિયો, જાઓ મારો ગરદન એહને;
ઝાલી લીધી પછી જટિયે, મારવા સારુ તેહને. ૭
ઢીકા ગડદા પાટુએ વળી, મારી કરી છે અધમૂઈ;
મારો મારો કહે શું વિચારો, કરો મૂંડ ધડ થકી જૂઈ. ૮
એવાં દુઃખ આવી પડિયાં, જેહ સહ્યાં ન જાય શરીર;
સુત મૂઆનો અતિ શોક છે, તોય ધરી રહ્યાં છે ધીર. ૯
પછી હરિશ્ચંદ્રને હુકમ કર્યો, આવ્યો મારવા ગરદન;
નિષ્કુળાનંદના નાથની કસણી, સહી શકે કહો કોણ જન. ૧૦
વિવેચન :
હવે પેલા બ્રાહ્મણે એક દિવસ કુંવર રોહિદાસને આજ્ઞા કરી કે ‘છોકરા! બાગમાંથી પૂજા માટે પુષ્પ લઇ આવ’ એ આજ્ઞા પ્રમાણે રોહિદાસ જેવો બાગમાં પુષ્પ લેવા ગયો કે ત્યાં તેને કાળો ઝેરી નાગ કરડ્યો. નાગનો દંશ થતા જ તુર્ત તેના પ્રાણ છૂટી ગયા. કોઇએ તે સમાચાર બ્રાહ્મણને આપ્યા. તે સાંભળીને બ્રાહ્મણે ચાર સેવકને ફરમાવ્યું કે ‘જાઓ, તેને બાળી આવો.’ હુકમ પ્રમાણે રોહિદાસનું શબ ઉપાડી ચાકરો ગંગા કિનારે આવ્યા. ત્યાં ચિતામાં શબને મૂકી આગ મૂકે છે તેવામાં રાજા હરિશ્ચંદ્ર દોડતા આવીને કહ્યું કે ‘અમારો કર આપ્યા વિના અગ્નિ મૂકશો નહિ.’ ચાકરોએ સાંભળીને તેનો કર આપીને ચિતા સળગાવી. પરંતુ અર્ધુંક શબ બળ્યું ત્યાં તો એટલો વરસાદ તૂટી પડ્યો કે તેણે ચિતાને ઠારી નાખી! આથી સેવકો શબને અર્ધબળ્યું છોડી દઇ ઘેર જતા રહ્યા. તેમણે ઘેર જઇ તારામતિને બધી હકીકત કહી સંભળાવી. પોતાના એકના એક કુંવરનું મરણ અને તેના શબની આવી બૂરી હાલતની ખબર સાંભળી અતિશય કલ્પાંત કરતી તારામતી સ્મશાનમાં આવી. પોતાના પુત્રની ચિતા પાસે જઇ અર્ધબળ્યું શબ ખોળામાં લીધું અને છાતીફાટ વિલાપ કરવા માંડ્યો. પરંતુ ત્યાં તેનું કોણ હતું? કે આશ્વાસન આપે. એવામાં વિશ્વામિત્ર બીજું રૂપ ધરીને ત્યાં આવ્યા. તેણે તારામતીને કહ્યું કે તું અહીં સ્મશાનમાં એકલી બેઠી રુએ છે પણ હમણાં ભૂતાવળ આવશે તો તારા પુત્રનું શબ પણ ઉપાડી જાશે માટે જો, લે આ છરો તે જો હાથમાં રાખીશ તો તેથી કોઇ પણ ભૂત પલિત તારી નજીક આવી શકશે નહિ.
આ હકીકત સાંભળીને તારામતીએ તેના કહેવા પર વિશ્વાસ રાખી વહાલાપુત્રના શબની રક્ષા માટે તેમણે આપેલ છરો હાથમાં લીધો. આટલું કહીને વિશ્વામિત્રે બીજી તરફ રાજા પાસે જઇ કહ્યું કે ‘હે રાજન હું કહું તે સાંભળ, તારા શહેરના સ્મશાનમાં મરકી સ્ત્રીનું રૂપ લઇને આવી છે. એ શબોને છરાથી કાપી બેઠી બેઠી ખાય છે.!’ રાજાએ એ વાત સાંભળી કોપાયમાન થઇને હુકમ કર્યો કે ‘જાઓ, ચંડાલને હાથે એ મરકીને ગરદન મારો’ રાજાનો હુકમ થતા જ રાજ્યના સેવકો ત્વરાથી દોડ્યા. તેમણે સ્મશાનમાં આવીને જોયું તો તારામતીના ખોળામાં બાળકનું શબ હતું અને તેના હાથમાં ખુલ્લો છરો હતો. આ દેખાવ જોઇને બધાને ખાતરી થઇ કે ખરેખર આ સાક્ષાત્ મરકી જ છે અને માણસનાં શબને કાપીને ખાય છે પછી તો ઉશ્કેરાયેલા એ લોકો હુકમથી પણ આગળ વધીને તારામતીને મરકી માની લઇ ચોટલો પકડી માર મારવા માંડ્યો. ગડદા, પાટુ મારી મારી ને અધમૂઇ કરી નાખી. તો પણ બધા એમ જ પડકારા મારતા હતા કે ‘બસ મારો મારો, વિચાર શું કરો છો? તેનું માથું ધડથી જુદું કરી નાખો’ આમ શરીરે સહન ન થાય તેવા સંકટો શિરે વરસી રહ્યાં છે. બીજી તરફ પ્રાણથી પણ અધિક પ્રિય પુત્રના મરણની અંતરમાં ઊંડી વેદના હતી. તોપણ તારામતી ધીરજ ધારી રહી. પછી તો રાજાના સેવકોએ ચાંડાલનો નોકર હરિશ્ચંદ્ર હતો તેને બોલાવી રાજાનો હુકમ તેને સંભળાવ્યો કે ‘અલ્યા ચંડાલ, આ મરકીની ગરદન ઉડાવી દે રાજાનો હુકમ છે’ આથી હરિશ્ચંદ્ર હુકમ પ્રમાણે ત્યાં હાજર થયો. અહો ભગવાનની આવી કસણી કોણ ખમી શકે?