ધન્યાશ્રી
રાણી રોહીદાસનું દ્વિજ દઈ ધનજી, તેડી ગયો તેહને નિજ ભવનજી;
હરિશ્ચંદ્ર એક રહ્યો રાજનજી, તે પણ વેચાણો શ્વપચને સદનજી. ૧
ઢાળ
શ્વપચ ઘેર રાજા રહ્યા, દ્વિજ ઘેરે રહ્યા રોહિદાસ;
તારા તે પણ દ્વિજનું, કરે કામ કરી ઉલ્લાસ. ૨
તારા ખાંડી દિયે તાંદુલાં, પીસી દિયે ગોધૂમ આદિ અન્ન;
જળ ભરે વાળે ઘર આંગણું, લીંપે સદન ધૂવે વસન. ૩
રોહિદાસ પણ એહ જ રીતે, કરે બ્રાહ્મણનું કામ;
પુષ્પ પર્ણ તૃણ ઈન્ધણ આણે, ચાંપે ચરણ ચારુ જામ. ૪
શ્વપચે સોંપ્યું હરિશ્ચંદ્રને, લેવો મડદે મડદે લાગ;
આપે ખાંપણ લઈ પઈસો, ત્યારે મૂકવા દેવી આગ. ૫
ત્યારે હરિશ્ચંદ્ર ધારી હૈયે, જાય સહુથી મો’રે મશાણ;
દિયે દોટું લેવા લાગને, વળી પાડે બહુ બુમરાણ. ૬
ખાંપણ પઈસો લઈશ ખરો, ત્યારે તે આપીશ બાળવા;
આપ્યા વિના રખે આગ મૂકો, આવ્યો છું હું ખાળવા. ૭
મોટું શહેર મરે ઘણાં, બાળે અળગાં એક એકથી;
હંમેશ ઉઠી દિયે હડિયું, નિરાંત લવલેશ નથી. ૮
મડદે મડદે મશાણમાં, રડવડે રાત ને દન;
જળ ટાણે જળ ન મળે, અન્ન ટાણે ન મળે અન્ન. ૯
એવા કામમાં રાજા રહ્યા, તિયાં ગયા વહી કંઈ દન;
નિષ્કુળાનંદ ન થાય બીજે, જેવું કર્યું એહ રાજન. ૧૦
વિવેચન :
એ વેચાણમાં રાણી તારામતી અને કુંવર રોહિદાસની કિંમત આપીને તેને એક બ્રાહ્મણ ખરીદી લઇ ગયો. પાછળ હરિશ્ચંદ્ર રાજા રહ્યા. તે પણ ચાંડાલને ઘેર વેચાયો! આમ રાણી અને રોહિદાસ બ્રાહ્મણના ચાકર બન્યાં ત્યારે રાજા હરિશ્ચંદ્રે ચાંડાળની નોકરી સ્વીકારી. અને સૌ સૌને સ્થાને ઉમંગપૂર્વક કામ કરવા લાગ્યાં. તારામતી બ્રાહ્મણને ત્યાં અનાજ ખાંડવું, દળવું, પાણી ભરવું, વાસીદું કરવું, કપડાં ધોવાં અને ઘર લીંપવા-શણગારવાં વગેરે કામ કરવા માંડ્યાં. ત્યારે રોહિદાસ કુંવર પુષ્પ, પત્ર, ઘાસ, બળતણ વગેરે લાવવા, પગ ચાંપવા વગેરે કામ કરવા લાગ્યો! રાજા હરિશ્ચંદ્રને ચંડાલે સ્મશાનમાં ચોકીદાર રહેવાનું કામ સોંપ્યું. દરેક મડદાં ઉપરનું ખાપણ તથા કરનો પૈસો લીધા પછી જ આગ મૂકવા દેવી એ કામ સોંપ્યું. આ કામગીરી બજાવવા તે સૌથી વહેલો સ્મશાનમાં આવીને કર ઉઘરાવવા આમથી તેમ દોડાદોડી કરે અને બૂમો પાડે કે ‘ઊભા રહો, ઊભા રહો’ અમારો કરનો પૈસો અને ખાપણ આપ્યાં સિવાય આગ મૂકશો નહિ મોટા શહેરમાં મરણ પણ ઘણાં થાય વળી છૂટા છૂટા દૂર દૂર બાળે તેથી તે બધા પાસે પંહોચી વળવા રાજા દરરોજ ઊઠીને દોડાદોડ કરે. આમ તેને રાત દિવસ અથડાયા કરવું પડતું હતું. તરસ લાગે ત્યારે પાણી પીવાનું અને ખાવાનું ટાણાસર મળતું ન હતું. આવા કપરાં કામમાં રાજાને કેટલાક દિવસો વીતી ગયા. ખરેખર હરિશ્ચંદ્રે જેવું કરી બતાવ્યું તેવું બીજાથી ન થાય