કડવું-22

ધન્યાશ્રી

મળિયો મારગ ચાલિયાં ચોંપેજી, પડે આખડે પગ પાછા ન રોપેજી;

પોં’ચિયે કાશિયે તો સારું છે સહુપેજી, નવ પોં’ચિયે તો ઋષિ રખે કોપેજી. ૧

ઢાળ

ઋષિ કોપ્યાની બીક રહે, રખે વાટે વહી જાય માસ;

આપે શાપ તો આપણને, એવો ત્રણેને મને ત્રાસ. ૨

અન્ન વિના અચેત અતિ, ગતિ થોડી થોડી થાય છે;

અડવડતાં ને આખડતાં ત્રણે ચાલ્યાં જાય છે. ૩

સાંજ પડે સહુ સામટાં મળી, વળી વાત કરે ધીરજની;

સ્મરણ કરતાં શ્રીહરિનું, એમ નિર્ગમે છે રજની. ૪

સવારે સહુ થઈ સાબદાં, વળી ચાલે છે ચોંપે કરી;

રખે વીતી જાય વાયદો, એવી અંતરે ખટક ખરી. ૫

લાંઘણે કરી લે લહેરિયાં, થયાં અન્ન વિના અચેત;

સૂકી ગયાં શરીરમાં, રાજા રાણી કુંવર સમેત. ૬

તોય ટેક તજતાં નથી, કથી નથી કે’વાતી એની ધીર;

ઓછપ ન આણે અંતરે, સુખ દુઃખ ન માને શરીર. ૭

એમ મહાદુઃખ પામ્યા મારગે, તેહ કે’તાં પણ કે’વાય નહિ;

ત્યારે તે પહોંચ્યા કાશિયે, ઉભાં ત્રણે તે ચોકે જઈ. ૮

ત્યાં તો તૈયાર ઉભા હતા, ઋષિ વિશ્વામિત્ર જેનું નામ;

તૃણ કોળી તે ઉપર ધરી, વળિ વેચવાને કામ. ૯

સાંજ પડી ગઈ શહેરમાં, ત્યારે આવ્યાં ઘરાક તે વેર;

નિષ્કુળાનંદ કહે નાણું દઈ, લઈ ગયાં પોત પોતાને ઘેર. ૧૦

વિવેચન : 

પછી તો તેઓ મળેલે માર્ગે ઉતાવળે ચાલવા લાગ્યા. પડતાં આખડતાં પણ પાછો પગ ભરતાં ન હતાં, કારણ કે સમયસર કાશીએ પહોંચવું હતું. જો સમયાવધિમાં ન પહોંચાય તો વિશ્વામિત્રની ભારે બીક હતી. કે રખે રસ્તામાં મહિનાની મુદત વીતી જાય નહિ! જો વીતિ જશે તો ઋષિ શાપ આપી દેશે. આમ ત્રણેના દિલમાં ત્રાસ ઉપજી રહ્યો હતો. અન્ન ન મળવાથી ભૂખ્યાં શરીરોમાં ચેતન ન હતું એટલે હળવે હળવે ચલાતું હતું તો પણ લડથડતાં લડથડતાં ચાલવાનું ચાલુ જ રાખે છે. સાંજ પડતાં ત્રણે ભેગાં બેસીને ધીરજની વાતો કરે છે અને ભગવાનનું સ્મરણ કરતાં કરતાં રાત્રિ વીતાવે છે. સવાર થતાં વળી ઉતાવળા ચાલવા માંડે છે. કારણ કે આપેલી મુદ્દત વીતી ન જાય એની મનમાં ખૂબજ ખટક રહે છે. રાજા, રાણી અને કુંવરને ખોરાક લીધા વિના ચક્કર આવે છે અને ક્યારેક અચેતન થઇ જાય છે શરીર તદ્દન સૂકાય ગયાં છે તોપણ લીધેલી ટેક તજતાં જ નથી તેમજ શરીરનાં સંકટને ગણતાં જ નથી. એટલું જ નહિ પણ મનમાં પણ કાંઇ ઓછું આવવા દેતાં નથી. એની ધીરજનું વર્ણન થઇ શક્તું નથી. આ પ્રમાણે અસહ્ય કષ્ટો વેઠતાં આખરે કાશીમાં આવી પહોંચ્યા. ત્યાં તેઓ ચોકમાં જઇને ઊભા રહ્યા ત્યાં તો વિશ્વામિત્ર તેની રાહ જોઇને પ્રથમથી જ ઊભા હતા. તુર્તજ તેણે વેચવાની નિશાની તરીકે દરેકના ઉપર ઘાસની કોળી મૂકી. સાંજનો સમય થયો એટલે ખરીદી કરનારા ગ્રાહકો આવવા લાગ્યા. તે નાણું આપી આપીને ત્રણેને પોતપોતાને ઘેર લઇ ગયા.