ધન્યાશ્રી
ત્યાર પછી ત્રણે ચાલી ભૂલ્યાં વાટજી, આગળ આવ્યું ઉજ્જડ નડેડાટજી;
ના’વ્યું નીર નદી કોઈ વાટ ઘાટજી, તોય મને નથી કરતાં ઉચ્ચાટજી. ૧
ઢાળ
ઉચ્ચાટ નથી જેને અંતરે, રહે છે આનંદ ઉરમાં અતિ;
દઢ ધીરજ મનમાં ધરી, કરી સઘન વન વિષે ગતિ. ૨
ખેર કેર ખજુરી ખરાં, બાવળ કંટાળા બોરડી;
અતિ અણિયાળાં આંકડિયાળા, લાગે કાંટા જાયે લડથડી. ૩
વાઘ વરુ વાનર વિઝુ, શશાં સેમર શ્યાળ છે;
ચીત્રા માતંગ નાર નોળ, એ વનમાં વીંછુ વ્યાળ છે. ૪
પરવત પર પાવક બળે, પાડે પશુ પંખી બુમરાણ;
ઉપર ઉડે શકરા સમળા, કંક કોશી હરવા પ્રાણ. ૫
ઘૂડ હોલા ઘણા ઘુઘવે, બીજા શબ્દ થાયે ભયંકાર;
સહ્યા ન જાયે શ્રવણે, એવા થાય બહુ ઉચ્ચાર. ૬
ભૂંડિ કઠણ એ ભૂમિકા, અતિ વિકટ વન સઘન;
ચાલી ચરણ ચકચૂર થયાં, ત્યારે થયું એ વન ઉલ્લંઘન. ૭
ચાલી ન શકે ચરણે, ઢળી વળી પડી જાય ધરણે;
પામે પીડા બહુ પેરની, તેતો વદને ન જાય વરણે. ૮
મૃતકવત મહી ઉપરે, ત્રણે પડી ગયાં તે વાર;
મોડેથી મૂર્ચ્છા ઉતરી, તૈંયે થયાં ચાલવા તૈયાર. ૯
ધીરે ધીરે પગ ધરી ચાલતાં, આવી નદી પીધું નીર;
નિષ્કુળાનંદ ત્યાં માર્ગ મળ્યો, પછી ચાલ્યાં ત્રણે સુધીર. ૧૦
વિવેચન :
હવે ત્યાર પછી રાજા, રાણી અને કુંવર ચાલતાં ચાલતાં રસ્તમાં ભૂલાં પડ્યાં. આગળ જતાં અરેરાટી ઉપજાવે એવો વેરાન પ્રદેશ આવ્યો. કોઇ ઠેકાણે નદી કે પાણીનું સ્થાન દેખાતું ન હતું. કોઇ રસ્તો કે તેનો છેડો દેખાતો ન હતો તોપણ મનમાં કાંઇ જ ઉદ્વેગ-ચિંતા ન હતી. પોતાની સત્ય ટેક નિભાવવાનો આનંદ હતો. ચાલતાં ચાલતાં આગળ ગાઢ જંગલ આવ્યું. તેમાં ધીરજ ધારણ કરીને પ્રવેશ કર્યો તેમાં ખેર, કેરડાં, ખજૂરીઓ, બાવળ, કાંટાળા થોર, બોરડી વગેરે કાંટાવાળાં ઝાડ-ઝાંખરાના અણીવાળા અને વાંકડિયા કાંટાઓ વાગતાં લડથડિયાં ખાઇ પડી જતાં હતાં. વાઘ, વરુ, વાંદરા, રીંછ, ચિત્તા, હાથી, સાપ, વીંછી વગેરે હિંસક અને ઝેરી જનાવરોનો ભેટો થઇ જતો હતો. વળી પહાડો દાવાનળથી સળગતા હોવાથી અનેક પશુપંખી ભયંકર બુમરાણ મચાવી રહ્યાં હતાં. શકરા, સમડી અને બાજ જેવા શિકારી પક્ષીઓ બીજાના પ્રાણ લેવા ઉપર ઊડી રહ્યાં હતાં. ઘૂવડ, હોલાં વગેરેના કાનને ત્રાસ આપે એવા ઘૂ ઘૂ અવાજો જેવા અનેક ભયંકર અવાજો થતા હતા. આવી અરણ્યની અતિ વિકટ ભૂમિકાવાળા ગાઢ અને ઘોર જંગલમાં ચાલી ચાલીને લોથ થઇ ગયાં ત્યારે માંડ માંડ બહાર આવ્યાં. તેઓ એટલા તો થાકી ગયાં હતાં કે પગ આગળ ઉપડતાં ન હતા. થોડુંએક ચાલવાં જતાં જ ધરતી પર ઢળી પડતાં હતાં. શરીરમાં એટલી બધી વેદના થતી હતી કે તેનું વર્ણન થઇ શકે નહિ આખરે અસહ્ય પીડામાં મૂર્છા વશ બની મૃતક જેવાં થઈ રસ્તામાં ઢળી પડ્યાં એમને એમ ઘણીવાર સુધી પડી રહ્યા પછી મૂર્છા વળી ત્યારે વળી પાછી ચાલવાની તૈયારી કરી ધીરે ધીરે આગળ જતાં એક નદી આવી. તેમાં પાણી પીને તરસ છીપાવી અને આગળ માર્ગ દેખાયો તેમાં ત્રણે જણા ખૂબ ધીરજ ધરીને ચાલવા લાગ્યાં.