કડવું-20

ધન્યાશ્રી

વિશ્વામિત્ર કહે વીતશે એક માસજી, ત્યારે હું આવીશ તમારી પાસજી;

ત્યાં સુધી કરજો કાશીમાંહિ વાસજી, પછી હું વેચીશ કરી તપાસજી. ૧

ઢાળ

તપાસ કરીશ હું ત્રણેનો, પછી વેચીશ વિગતે કરી;

ત્યારે ત્રણે ચાલ્યાં ત્યાં થકી, દૃઢ ધીરજ મનમાં ધરી. ૨

રાજા રાણી કુંવરનાં છે, અતિ કોમળ અંગ;

સો સો સેવા જેની કરતા, નથી તેને સેવક એક સંગ. ૩

કાંટા કાંકરા આકરા અતિ, ખાડા ખડિયા ઠેશું ઠબકે;

ગોખરું ભ્રંઠ ડાભ શુળિયા, લાગે પગમાં લોહી ટબકે. ૪

તપે ભૂમિ તીખી અતિ, તેમાં નથી ચલાતું ચરણે;

બળે તળાં બે પગનાં, તેણે ઢળી પડે છે ધરણે. ૫

ઉપર તીખો પ્રલય સરિખો, ઉગ્યો અર્ક અગ્નિ લઈ;

પાણી ન મળે પ્યાસે મરે, અન્ન વિના દિન ગયા કંઈ. ૬

પ્યાસ ભૂખની પીડા થકી, નક્કી દિલે નથી ડોલતાં;

અડવડે લડથડે પડે તોય, કાયર વાયક નથી બોલતાં. ૭

વાટમાં બહુ વિઘન કરવા, સત્ય મુકાવવા સામા મળે;

ત્રણેની એક ટેક છે, તે ચળાવ્યાં પણ નવ ચળે. ૮

સહ્યાં ન જાય શરીરમાંહે, એવાં બીજાં કષ્ટ આવે બહુ;

તોય દુઃખી ન માને દિલમાં, એવાં શ્રદ્ધાવાળાં છે સહુ. ૯

દુઃખતણા દરિયાવ માંહિ, ત્રણે પડિયાં છે તળે;

નિષ્કુળાનંદ કહે ધન્ય ધીરજ, એમ કહ્યું સંત સઘળે. ૧૦

વિવેચન :

 વિશ્વામિત્ર કહે, ‘જુઓ, હું તમને એક માસની મુદત આપું છું. હું એક મહિનો વીતતા તમારી પાસે કાશીમાં આવીશ. ત્યાં સુધીમાં તમે કાશી પહોંચી જજો. પછી હું આવીને તપાસ કરીને તમને વેચી નાખીશ.’ આમ કહી વિશ્વામિત્ર ચાલ્યા ગયા. હવે રાજા, રાણી અને કુંવર જેનાં ઘણાં જ કોમળ અંગ છે, તેઓ ધીરજ રાખીને પગપાળા ચાલવા લાગ્યાં. જેની સેવામાં હજારો દાસ દાસીઓ ખડે પગે હાજર રહેતાં હતાં. તેની પાસે આજે એક પણ સેવક ન હતો. માર્ગમાં કાંટા, કાંકરા અને ખાડા ખડિયા પગમાં આવતા હતા. વળી જંગલની જમીનમાં ગોખરું, ભ્રંઠ, ડાભડાના શૂળા, બીજા કાંટાવાળાં ઝાંખરાં વગેરે વારંવાર પગમાં લાગતાં હતાં તેથી પગમાં લોહી ચાલ્યાં જતાં હતાં. સખત તાપને લીધે તપી ગયેલી જમીનથી પગનાં તળિયાં દાઝી ઊઠતાં હતાં, તેથી તેઓ ચાલી શક્તાં ન હતાં. વારંવાર આ દુઃખોથી ધરણી પર ઢળી પડતાં હતાં. આ રીતે ચાલતાં ચાલતાં કેટલાક દિન અન્નપાણી મળ્યું નહિ. વળી માથે પ્રલયનો અગ્નિ વરસાવતો હોય તેવો આકરો સૂર્ય તપવા લાગ્યો. પાણી વિના તરસ્યા તરસ્યા કંઠ સૂકાય જતો હતો. આમ ભૂખ્યા ને તરસ્યાં અતિ કષ્ટને પામતાં તથા થાકથી લોથ-પોથ થઇ લડથડિયાં ખાતાં હતાં. છતાં પોતાના અડગ નિર્ણયથી ઢીલા પડી જઇને કાયર વચન કાઢતાં નથી.

આવાં અસહ્ય સંકટોમાં વિશ્વામિત્ર બીજા દ્વારા સામા આવીને લલચાવતા કે ‘તમે એક સત્ય ખાતર આવાં કપરાં દુઃખો શા માટે વેઠો છો? ના પાડી દોને, તો બધાં સંકટ ચાલ્યા જાય અને રાજપાટ પણ પાછું મળી જાય’ આમ સત્યથી ચલાયમાન કરવા તે વિઘ્નો નાખતા હતા. પણ ત્રણેમાંથી કોઇ એક પણ સત્યની ટેકથી ચલાયમાન થતાં ન હતાં. તેમનાં સુકોમળ શરીરથી સહન ન થાય તેવાં બીજાં પણ અનેક કષ્ટો પડવા લાગ્યાં છતાં પણ તેઓ પોતાને જરાપણ દુઃખી માનતાં ન હતાં. આવા અડગ શ્રધ્ધા વાળાં હતાં. રાજા, રાણી અને કુંવર ત્રણે દુઃખના દરિયાના તળિયે ડૂબ્યાં હતાં, છતાં પણ રંચમાત્ર ડગ્યા નહિ તેથી સઘળા સંતપુરુષોએ એમની ધીરજને ધન્યવાદ આપ્યા છે.