કડવું-19

ધન્યાશ્રી

ષોડશ પ્રકારે કરી પૂજા અતિજી, ધૂપદીપ કરી ઉતારી આરતિજી;

પછી હાથ જોડી કરી વિનતિજી, માગોમાગો મુજથી મોટા મહામતિજી. ૧

ઢાળ

માગો કાંઈક મુજ પાસથી, તેહ આપું તમને આજ;

ત્યારે મુનિ બોલિયા, આપ્ય તારું સર્વે રાજ. ૨

પૂછ રાણી કુંવર તારાને, સહુ હોય રાજી રળિયાત;

તો મેં જે માગ્યું તે આપજ્યે, નહિ તો ન કર્ય મુખથી વાત. ૩

રાજ્ય દઈને રાંક થાશો, નહિ મળે અંબર અન્ન આહાર;

અણતોળ્યું દુઃખ આવશે, નહિ રહે સત્ય કરો વિચાર. ૪

ત્યારે રાય રાણી કુંવરે, કર્યો એમ વિચાર;

આપો સહુ રાજ્ય એહને, રાખો સત્ય નિરધાર. ૫

ત્યારે રાય કહે છે ઋષિને, આપ્યું રાજ સાજ સર્વે સમૃદ્ધિ;

ત્યારે ઋષિ બોલિયા જોઈએ, તેહ ઉપર દક્ષિણા દીધિ. ૬

ત્યારે રાય બોલિયા, દેશું સુવર્ણ ત્રણ ભાર;

ત્યારે ઋષિ કહે આપ્ય હમણાં, મ ર્ક્ય વેળ લગાર. ૭

રાજ્ય સાજ સમૃદ્ધિ મારી, એથી બા’ર હોય કાંય તુજતણું;

આપ્ય તે ઉતાવળું, એમ ઘાંઘો કીધો ઘણું. ૮

ત્યારે રાય કહે આ રાજ્યમાં તો, અમારું નથી અણુંભાર;

કુંવર રાણી આ દેહ મારું, એ છે દીધા થકી બા’ર. ૯

ત્યારે રાય ઋષિને કહે, વેચી અમને ધન લઈયે;

નિષ્કુળાનંદ ત્યારે ઋષિ કહે, ચાલો સહુ કાશીએ જઈયે. ૧૦

વિવેચન :

 હરિશ્ચંદ્રે વિશ્વામિત્ર ઋષિની ષોડશોપચાર પૂજા કરી. ધૂપ, દીપ, આરતી કરીને પછી હાથ જોડીને પ્રાર્થના કરી ‘હે મહામતિ મહાપુરુષ, આપની જે કાંઇ ઇચ્છા હોય તે મારી પાસે માગો હું એ ખુશીથી આપીશ. મારે તમને રાજી કરવા છે.’ બસ વિશ્વામિત્ર ને તો તક મળી ગઇ, વાટ જોઇ રહ્યા હતા. તેણે તુરત જ માગ્યું કે ‘હે રાજન, તું સત્યવાદી છો, બોલ્યું પાળનાર છો, તો હું માગું છું કે તારું બધું રાજપાટ મને આપી દે. આ બાબતમાં તારી રાણીને તથા કુંવરને પૂછી જો તેઓ બન્ને પણ તારું બોલ્યું પાળી આપવામાં ખુશી હોય, ખુશીથી હા પાડે તો જ મેં માગ્યું તે આપજે, નહિ તો નકામી વાતોના મોટા મોટા પૂળા ન વાળીશ. વળી જ્યારે રાજ્ય મને આપી દેવાથી તમે છેક રાંક થઈ જશો ખાવા પીવાનું અને કપડાં પણ નહિ મળે. માથે વણતોળ્યાં દુઃખો પડશે એમાં તમારું સત્ય ટકશે નહિ, માટે પહેલેથી વિચાર કરી લેજો’ પછી રાજા, રાણી અને કુંવરે મળીને આ બાબતનો વિચાર કર્યો અને નક્કી કર્યું કે વિશ્વામિત્ર ઋષિએ માગ્યું છે અને રાજાએ વચન આપ્યું છે તે પ્રમાણે બધું જ રાજ્ય આપી દેવું પણ સત્યને રાખવું. સત્યને ન જવા દેવું. આ પ્રમાણે નિશ્ચય કરી વિશ્વામિત્રને જણાવ્યું. પછી હરિશ્ચંદ્રે પોતાનું સઘળું રાજ્ય સાધન સમૃદ્ધિ સહિત અર્પણ કર્યું.

આ રીતે સર્વસ્વ આપી દેવાનો સંકલ્પ કર્યો, પછી વિશ્વામિત્રે કહ્યું કે હે રાજન, તેં આ બધું જ અર્પણ કર્યું તે તો ઠીક પરંતુ દાન-ઉપર દક્ષિણા પણ આપવી જોઇએ. રાજાએ તે પણ કબૂલ કરીને કહ્યું કે સારુ મહારાજ ! હું તમને દક્ષિણામાં ત્રણ ભાર સુવર્ણ આપીશ (એક ભાર=૮૦૦૦ તોલા થાય એ રીતે ૩ ભાર એટલે ૨૪૦૦૦ તોલા), ત્યારે વિશ્વામિત્ર કહે ‘જો તારે દક્ષિણા આપવી જ હોય તો તે મને હમણાંને હમણાં જ આપી દે, ઢીલ ન કર’ આમ કહીને એટલી ઉતાવળ કરવા માંડી કે રાજાને ગભરાવી દીધો.

ઋષિએ કહ્યું કે આ તમામ રાજ્ય સમૃદ્ધિ હવે મારી છે તેમાં તારું કશું નથી. તેં મને દાનમાં આપી દીધા પછી તારો હકક તેમાં રહેતો નથી. હવે એથી બહાર હોય તેમાંથી તારે દક્ષિણા આપવાની છે એમ તેને ચારે બાજુથી ઘેર્યો. ત્યારે હરિશ્ચંદ્રે કહ્યું કે મહારાજ, હવે આ રાજ્યમાં મારી માલિકીની કશી જ ચીજ રહી નથી માત્ર મારું, રાણીનું અને મારા કુંવરનું એમ ત્રણ શરીરો જ દાનમાંથી બાકાત રહ્યાં છે માટે આપ અમને ત્રણેને વેચીને તેમાંથી દક્ષિણા પૂરી કરો. વિશ્વામિત્ર કહે ‘કબૂલ છે, ચાલો તે માટે આપણે કાશી નગરીમાં જઇએ