કડવું-18

ધન્યાશ્રી

જુઓ હરિભક્ત થયા હરિશ્ચંદ્રજી, જેનું સત્ય જોઈ અકળાણો ઈન્દ્રજી;

ત્યારે ગયો વિષ્ણુની પાસે પુરંદરજી, જઈ કહી વાત મારું ગયું મંદરજી. ૧

ઢાળ

મારું તો ઘર ગયું, આજ કાલે લેશે અવધપતિ;

એનું સત્યધર્મ નિ’મ જોઈને, હું તો અકળાણો અતિ. ૨

એને દાને કરી ડોલિયું, મારું અચળ ઈન્દ્રાસન;

માટે રાખો કહું મુજને, હું આવ્યો શરણે ભગવન. ૩

ત્યારે વિષ્ણુ એમ બોલિયા, તું બેસ સ્થાનક તાહરે;

નથી દેવું ઈન્દ્રાસન એને, એને રાખવો છે ધામ માહરે. ૪

પછી તેને તાવવા સારુ, તેડાવ્યા વિશ્વામિત્રને;

હરિશ્ચંદ્રને સત્યથી પાડો, પમાડો દુઃખ નિરંત્રને. ૫

ત્યારે વિશ્વામિત્ર કહે વિષ્ણુને, એમાં લાગે મને અપરાધ;

ત્યારે વિષ્ણુ કહે મારે વચને, નથી તમને કાંઈ બાધ. ૬

જેણે વસિષ્ઠ સુત સો સંહાર્યા, એવા છે દિલના દયાળ;

તેને એ કામ કઠણ નથી, ઊઠી ચાલિયા તતકાળ. ૭

પરને પીડા પમાડવા, જેને અંતરે નથી અરેરાટ;

સંકટ એ કેમ સહિ શકશે, એવો નથી હૈયામાંહી ઘાટ. ૮

મનમાં મે’ર મળે નહિ, વાણીએ વિપત્ય પાડે ઘણી;

કાયાએ રૂડું તે કેમ કરે, ધારો વિચારો તેના ધણી. ૯

અવધપુરીએ આવિયા, હરિશ્ચંદ્ર રાયને ઘેર;

નિષ્કુળાનંદ હરિશ્ચંદ્રે પછી, પૂજા કરી બહુ પેર. ૧૦

વિવેચન : 

જુઓ અગાઉ ભગવાનના ભક્ત સત્યવાદી હરિશ્ચંદ્ર થઇ ગયા. તેનું સત્ય જોઇને ઇન્દ્રને અકળામણ થઇ. તે દોડીને વિષ્ણુ ભગવાન પાસે ગયો અને કહ્યું કે ‘મહારાજ હરિશ્ચંદ્રનું સત્ય એટલું વધી ગયું છે કે તેને મારું ઇન્દ્રાસન મળી જશે. જો આમ થશે તો તો મારું ઘર જશે. તે હવે લેવાની તૈયારીમાં છે માટે મને બહુ ગભરામણ થાય છે. એનાં દાનપુણ્યથી મારું સ્વર્ગીય ઇન્દ્રાસન ડોલી ઊઠ્યું છે અર્થાત્‌ જવાની તૈયારીમાં છે, માટે હે ભગવાન, મારી રક્ષા કરો હું આપને શરણે આવ્યો છું.’ ભગવાને કહ્યું કે ‘હે ઇન્દ્ર, તું ચિંતા ન કર, તારે સ્થાને નિરાંતે બેસી રહે એને મારે ઇન્દ્રાસન આપવું નથી, પણ મારા ધામમાં રાખવો છે. પછી તો હરિશ્ચંદ્રની ટેક સાચી છે કે કાચી તેને કસોટીએ નાખવા માટે વિશ્વામિત્ર ઋષિને તેડાવ્યા અને કહ્યું કે ‘હરિશ્ચંદ્રની આકરી પરીક્ષા કરવી છે, માટે તેને સત્યથી ચલાયમાન કરવાનો પ્રયત્ન કરો અને ખૂબ દુઃખ આપો.’ ત્યારે વિશ્વામિત્ર બોલ્યા ‘હે મહારાજ, એવા સત્યવાદી ભક્તને આમ કષ્ટ આપવાથી મને અપરાધ લાગે તે કામ હું કેમ કરી શકું? ’ ભગવાને કહ્યું કે ‘તમારે તો મારી ઇચ્છાને અનુસરી મારા વચન પ્રમાણે કરવાનું છે તેમાં તમને કોઇ દોષ લાગશે નહિ.’ આ પ્રમાણે સાંભળીને વિશ્વામિત્ર કબૂલ થયા અને આજ્ઞા પ્રમાણે કરવાની તૈયારી કરી. આમ તો વિશ્વામિત્ર સ્વભાવે ઉગ્ર હતા જ. જેણે એક વખત દ્વેષને લઇને વશિષ્ઠઋષિના ૧૦૦ પુત્રોનો સંહાર કરી નાખ્યો હતો એવા દયાળુ દિલના(!) આદમીને આ કામ(હરિશ્ચંદ્રને મીણ કહેવરાવી દેવું) કરવું કાંઇ કઠણ ન હતું. જેનાં અંતરમાં અન્યને દુઃખ દેવામાં ત્રાસ થતો નથી, જરા પણ અરેરાટી થતી નથી અને સામો માણસ કષ્ટ કેમ સહન કરશે? તેનું શું થશે? એનો જેને બિલકુલ વિચાર જ નથી અને વિચાર કરતા પણ નથી એવા નિર્દય માણસો વાણીમાં વિપત્તિનો વરસાદ કરી શકે છે. જેને મનમાં કોઇ લાગણી જેવું નામ નથી, તો પછી તે શરીરથી શું કરતા અચકાશે? તે બીજાનું શું સારું કરી શકે? એ વિચારવા જેવી વાત છે. પછી વિશ્વામિત્ર તુરત અયોધ્યામાં પધાર્યા. હરિશ્ચંદ્ર રાજા પાસે આવ્યા. હરિશ્ચંદ્ર રાજા ઋષિ મહારાજ પધાર્યા જાણીને પૂજા વગેરેથી બહુ સન્માન કર્યું.