કડવું-17

ધન્યાશ્રી

હરિ ભજવા હરખ હોય હૈયેજી, ત્યારે ભક્ત ધ્રુવ જેવા થઈયેજી;

એથી ઓરા રતિયે ન રહિયેજી, પરમ પદને પામિયે તહિયેજી. ૧

ઢાળ

પરમ પદને પામિયે, વામિયે સર્વે વિકાર;

કાચા સાચા સુખને, નવ પામે નિરધાર. ૨

અજાર ન દેવો અંગે આવવા, દેહ દમવું ગમતું નથી;

એવા ભક્ત જક્તમાં ઘણા, તેની વાત હું શું કહું કથી. ૩

વાંછના વિષય સુખની, રહે અખંડ તે ઉરમાંય;

ભાળી એવા ભક્તને, કહો કેની કરે હરિ સા’ય. ૪

માટે ભક્ત એ ભૂલા પડ્યા, નથી ભૂલા પડ્યા ભગવાન;

જેહ જેવી ભક્તિ કરે, તેવું ફળ પામે નિદાન. ૫

વાવિયે બીજ વળી વિષનું, કરિયે અમૃતફળની આશ;

એહ વાત નથી નિપજવી, તેહનો તે કરવો તપાસ. ૬

કરી લાડવા જો કાષ્ઠના, વળી લેવું મોતિયાનું મૂલ;

તે સમજુ કેમ સમજશે, કાષ્ઠ પિષ્ટ મિષ્ટ સમ તૂલ. ૭

ભૂત ભવિષ્ય વર્તમાનમાંયે, વળી વિચારવી એહ વાત;

ભક્તિ કરી મો’રે ભગતે, તેવી કરવી વિખ્યાત. ૮

છાર સારનો ભાર સરખો, તપાસી તે ઉપાડવો;

સારમાં બહુ સુખ મળે, છાર ઢોયે પરિશ્રમ પાડવો. ૯

માટે સાચા થઈ સહુ મંડો, ખોટ્ય ખંખેરી કાઢો ખરી;

નિષ્કુળાનંદ કહે નાથજી, રીઝશે તો શ્રીહરિ. ૧૦

વિવેચન : 

જો પ્રભુને ભજવાનો અંતરમાં ઊમંગ હોય તો ધ્રુવજી જેવા ભક્ત થવું જોઇએ (ત્યારે ભગવાન રાજી થાય). તેનાથી જરાપણ ઓછા ન રહેવાય તો જ પરમ પદ (ભગવાનનું ધામ) પમાય એવું છે. પરમ પદ પામવા માટે અંતરના બધા દોષો દૂર કરવા જોઇએ. જે ભક્તો ભક્તિ કરવામાં અને દોષો દૂર કરવામાં કાચા હોય તે ક્યારેય સાચું સુખ એટલે પરમ પદ પામતા નથી. જે લોકોને-ભક્ત થઇને પણ દેહ-ઇન્દ્રિયો ઉપર અંકુશ રાખવાનું ગમતું નથી. અને પોતાના અંગને-શરીરને અને દેહભાવને જરા પણ ઘસારો આવવા દેવા માગતા જ નથી. એવા કહેવા માત્રના ‘ભગત’ જગતમાં ઘણા ઘણા હોય છે. તેની કથા કરીને પણ શું કરવું ? જેના હૃદયમાં જગતના વિષય સુખની ભભૂકતી જ્વાળાઓ નિરંતર બળતી જ હોય છે, એવા ભક્તને જોઇને ભગવાન તેને શું મદદ કરે? અને ક્યા ભક્તને મદદ કરે? માટે એવા ભક્તો હોય તે ભૂલા પડ્યા છે એમ જાણવું.

ભક્તનો વેશ બનાવી લઇએ એટલે ભગવાન ભૂલા પડી જાય એવા નથી, ભક્તને નામે છેતરાય જાય એવા નથી. ભગવાને તો એવો નિયમ રાખ્યો છે જે ‘જેવી ભક્તિ કરે તેવું ફળ પામે’ માટે તપાસીને જોવું કે ઝેરનાં ઝાડ વાવીને અમૃત ફળ મળે એ બનવા જોગ નથી. ભક્ત થઇને જગતના વિષયની ઝંખના રાખીને ભક્તિ કર્યાનું ફળ ઇચ્છીએ એ બનવું શક્ય નથી. લાકડાના છોલના (લોટ જેવો હોય તેના) લાડુ બનાવીએ અને તેનું મૂલ્ય મોતૈયા લાડુ જેટલું માગવું. તેને આપનારા કેમ કબૂલ કરશે કે લાકડું એ મિષ્ટાનની બરાબર છે? અર્થાત્‌ લાકડાના છોલ જેવી રસરહિત લૂખી અને હલકી ભક્તિ કરે ને ઘીથી નીતરતા લોટથી બનાવેલા મોતૈયા જેવી પ્રેમરસથી તરબતર સમર્પણથી છલકતી ભક્તિના જેવું ફળ પામવું છે તે ફળ આપનારો અણસમજુ નથી કે એવું આપી દે, માટે આગળ પાછળ ત્રણે કાળનો ઇતિહાસ તપાસીને અગાઉ જે ખરા ભક્તો થયા છે તેના જેવી શુદ્ધ ભક્તિ કરવી. એક તરફ વસ્તુનો સારભાગ છે એમનું વિશુદ્ધ તત્ત્વ છે અને બીજી બાજુ એના બળી જવાથી થયેલી રાખ છે તે બન્નેનાં વજન કદાચ સરખાં જણાય તોપણ તેનો તપાસ કરીને સાર ભાગને ગ્રહણ કરાય પણ છાર (બળવાથી બનેલી રાખ) ને ગ્રહણ ન કરાય. સાર વસ્તુ સુખદાયક થાય છે જ્યારે રાખને તો સાચવવાનો શ્રમ પણ નકામો પડે છે. આ દૃષ્ટાંતોનો મર્મ સમજીને સ્વામી કહે છે સહુએ પોતાના દોષો ખરેખર તજી દઇ સાચા થઇને ઉદ્યમ કરવો જોઇએ. એમ કરવાથી જ ભગવાન રાજી થશે.