કડવું-15

ધન્યાશ્રી

નિર્બળથી નથી નીપજતું એ કામજી; શીદ કરે કોઈ હૈયામાંહી હામજી;

ઘણું કઠણ છે પામવા ઘનશ્યામજી, જેણે પામિયે સુખ વિશ્રામજી. ૧

ઢાળ

સુખ વિશ્રામ પામિયે, વામિયે સર્વે વિઘન;

તેમાં કસર ન રાખિયે, રાખિયે પ્રગળ મન. ૨

ધારી ટેક ધ્રુવના સરખી, ઉર આંટી પાડવી એમ;

પામું હરિ કે પાડું પંડને, કરું ધ્રુવે કર્યું હું તેમ. ૩

એમ ઓથ્ય મોટાની લિયે, ખોટ્ય તે ખોવા કાજ;

ખાલી ન જાય ખેપ તેની, જરૂર રીઝે મહારાજ. ૪

પ્રહ્‌લાદ ધ્રુવની પેરે કરે, સમજી ભક્તિ સુજાણ;

તેથી અધિક કરવી નથી, કરવી એને પ્રમાણ. ૫

એના જેવી જે આદરે, સહે તને કષ્ટ બહુ ટાઢ;

એમ કરતાં હરિ મળે, ત્યારે પલટયો નથી કાંઈ પાડ. ૬

એના જેવી વળી આપણે, ભલી ભાતે બાંધિયે ભેટ;

ત્યારે પ્રસન્ન જનપર પ્રભુ, ન થાય કહો કેમ નેટ. ૭

હિંમત જોઈ હરિજનની, હરિ રહે છે હાજર હજૂર;

પણ ભાંગે મને ભક્તિ કરે, તેથી શ્રીહરિ રહે દૂર. ૮

સાચાને સોંઘા ઘણા છે, નથી મોંઘા થયા મહારાજ;

ખોટાને ન જડે ખોળતાં, તે દિન કે વળી આજ. ૯

માટે કસર મૂકી કરી, થાઓ ખરા હરિના દાસ;

નિષ્કુળાનંદ નજીક છે, તે દાસ પાસ અવિનાશ. ૧૦

વિવેચન : 

જે ભગવાનને મળવાથી સાચું-સુખ અને સાચી શાંતિ મળે છે એવા ભગવાનને મેળવવા એ ઘણું કઠણ કામ છે એ કાંઇ જેમ તેમ સાવધાની વગર મળી જતા નથી. કોઇના હૈયામાં ભલે ગમે તેટલી હામ રહેતી હોય અર્થાત્‌ આપણને તો હમણાં જ મળી જશે. પણ એ કામ ઢીલા પોચાથી નીપજે એવું નથી. અર્થાત્‌ સંસારની નાની લાલચમાં ઢફ દઇને લલચાય જાય કે થોડાં દુઃખમાં કાયર થઇ જાય તેનાથી ભગવાનને પામી શકાતું નથી. એમાં તો દૃઢ મન રાખીને કોઇ પ્રકારની કસર ન રહેવા દે એવી તત્પરતા હોય તો જ બધાં વિઘ્નો દૂર થાય છે. અને સુખશાંતિ પમાય છે, માટે ધ્રુવજીના જેવી ટેક ધારણ કરી અંતરમાં એવી આંટી પાડવી જોઇએ કે જેમ ધ્રુવજીએ કર્યું હતું એમ આપણે(મારે) પણ કરવું જ છે તો ‘કાં તો પ્રભુને મેળવું, નહિ તો આ શરીર ભલે પડી જાય’ એ પ્રકારે જે પોતાની કસર ટાળવાવાળા મહાન પુરુષો થયા છે, મહાન ભક્તો થયા છે. તેનાં દૃષ્ટાંતો નજર સમક્ષ રાખીને તેને જો અનુસરે તો તેનો મનુષ્યજન્મનો ફેરો ક્યારેય ફોગટ જતો નથી. ભગવાન તેના ઉપર પ્રસન્ન થાય છે, માટે જે સમજણ વાળા છે તેમણે સમજણપૂર્વક પ્રહ્‌લાદ ધ્રુવની પેઠે ભક્તિ કરવી એથી વિશેષ કાંઇ કરવાનું નથી. એની જ પેઠે ટાઢ, તડકો, માન, અપમાન, વિરોધ આદિ કષ્ટ સહન કરીને પણ ભક્તિ આદરે અને છોડે નહિ તો તેને પણ ભગવાનની પ્રાપ્તિ જરૂર થાય. આ બાબતમાં ત્યારનો સમય અને આજનો સમય સમાન જ છે ત્યારે કાંઇ એ લોકોએ પહાડને ઉખેડીને ઉલટો કર્યો હોય એવું કાંઇ નથી. એ લોકોની જેમ સાચા હૃદયથી અને ખબરદાર બની ભક્તિ આદરીએ તો આજે પણ પોતાના ભક્તો પર પ્રભુ ખરેખરા, પ્રસન્ન કેમ ન થાય? ભગવાનતો પોતાના ભક્તની હિંમત જુએ છે અને તે ભક્તનો પોતાને વિષે(શ્રી હરિને વિષે) આગ્રહ જુએ છે એ જ્યાં(જે ભક્તમાં) જુએ ત્યાં પ્રભુ હાજરાહજૂર રહે છે. પરંતુ જે લોકો ભાંગેલા મનથી (સાચા સર્મપણ વિના ઉપર ઉપરથી) ઢીલી પોચી ભક્તિ કરે છે તેનાથી તો ભગવાન દૂર જ રહે છે. આજે કાંઇ ભગવાન મોંઘા થઇ ગયા નથી. ધ્રુવજી અને પ્રહ્‌લાદજીના જેવા હૃદયની સાચી ભાવના વાળા ભક્તોને માટે તો તે આજે પણ સોંઘા જ છે. પણ ખોટી ભક્તિ કરનારને (હૃદયમાં દાનત વિનાનાને અથવા મેલી દાનત વાળાને) તો ખોળતા પણ તેદી’ કે આજેય જડે એવા નથી. આ વાત આમ છે એમ નથી જૂના સમયમાં પણ એમ જ હતું (અને ભવિષ્યમાં પણ આમ જ રહેશે. આ વાત ત્રિકાલાબાધિત સત્ય છે, સનાતન સત્ય છે.) મતલબ કે સર્વ પ્રકારની ખામી તજી દઇને ખરેખરા ભક્ત થાય તેવા દાસની પાસે જ ભગવાન રહે છે.