ધન્યાશ્રી
દૃઢ વિચાર એમ કરી ધ્રુવે મનજી, વેગેશું ચાલિયા વળતા વનજી;
મારગમાં મળ્યા નારદમુનિ જનજી, તેણે કહ્યાં બહુ હેતનાં વચનજી. ૧
ઢાળ
વચન કહ્યાં બહુ હેતનાં, વળી આપ્યો મંત્ર અનુપ;
પછી અચળ તપને આદર્યું, જપે મંત્ર એ સુખ સ્વરૂપ. ૨
પાંચ વરસના એક પગે, ઊભા અચળ અડગ થઈ;
બહુ બલાઉ આવે બિવરાવવા, તેના બિવરાવ્યા બિવે નહિ. ૩
શ્યાળ વ્યાળ કરિ કેશરી, વાઘ વાનર વૃક વિઝુ વળી;
ભૂત પ્રેત રાક્ષસ રાક્ષસી, વૈતાલ વૈતાલી મળી. ૪
હોહોકાર હુંકાર કરે, કરે કાનમાં ક્રૂર ઉચાર;
મારો મારો ખાઓ ખાઓ કહે, પણ ન ડરે ધ્રુવજી લગાર. ૫
અન્ન જળ તજી આરંભ્યું, કઠણ તપ જે કહેવાય;
તજી લાલચ્ય તનની, આદર્યો એહ ઉપાય. ૬
ખરી ટેક ખટ માસ સુધી, ઊભા રહ્યા એક પગે;
અસુર સુર આશ્ચર્ય પામ્યા, દેખી તપ ધ્રુવજીનું દૃગે. ૭
પ્રભુ મળ્યા સારુ પરહર્યું, સરવે શરીરનું સુખ;
રાજી કરવા રમાપતિ, અતિ દિયે છે દેહને દુઃખ. ૮
મેલી મમત હિંમત કરી, પરહરી ખોટા સુખની આશ;
આકરું તપ આદર્યું, જોઈ પામ્યા જન મન ત્રાસ. ૯
ધરણી લાગી ધ્રૂજવા, ડગવા લાગ્યા દિગ્પાળ;
નિષ્કુળાનંદ નાની વયમાં, દીઠા બહુ બળવાળા બાળ. ૧૦
વિવેચન :
પછી ધ્રુવજી મનમાં દૃઢ નિશ્ચય કરીને ઉતાવળે વનમાં જવા ચાલી નીકળ્યા તેમને રસ્તામાં નારદમુનિ મળ્યા. તેમણે યોગ્ય માર્ગ બતાવી શિખામણ આપી, પ્રેમપૂર્વક જપ કરવા માટેનો મંત્ર પણ બતાવ્યો. ધ્રુવજીએ તે પ્રમાણે વનમાં જઇ અચળ ઊભા રહીને તપ આદર્યું અને નારદજીએ આપેલા મંત્રનો જપ કરવા માંડ્યો. પાંચ વર્ષની ઉંમરના આ ધ્રુવજીએ આમ અડગ બની એક પગે ઊભા રહીને તપશ્ચર્યા આદરી. ત્યારે તેમને અનેક પ્રકારની બલાઓ આવીને બીવડાવવા લાગી. પણ ધ્રુવજી ડર્યા નહિ. જંગલના શિયાળ, સર્પો, સિંહ, હાથી, વાઘ, વાંદરા, વરુ, રીંછ વગેરે ભયંકર પ્રાણીઓ તથા ભૂત, પ્રેત, રાક્ષસો, વૈતાલો આદિક ભૂતાવળો પણ આવી આવીને હોંકારા દેકારા કરવા લાગ્યા. કેટલાક તો ધ્રુવજીના કાનમાં આવીને ભયંકર ચીસો પાડતા હતા, છતાં તેની કશી જ અસર ધ્રુવજી ઉપર થતી ન હતી. તે તો બસ, નીડરપણે તપ કરતા રહ્યા. ધ્રુવજીએ તો અન્ન ખાવાનું કે પાણી પીવાનું પણ છોડી દઇને, શરીરની પણ આશા તજી દીધી અને ખૂબ જ આકરી તપશ્ચર્યાનો ઉપાય આદર્યો હતો. આમ છ માસ સુધી એક ખરી ટેક રાખીને એક પગભર ઊભા રહ્યા. ધ્રુવજીની આવી અતિ કઠણ તપશ્ચર્યા જોઇને દેવતાઓ અને દૈત્યો પણ આશ્ચર્ય પામી ગયા. કેમ કે તેમણે પ્રભુને મેળવવા માટે શરીરનાં સર્વ સુખોને તજી ભગવાનની પ્રસન્નતા સિવાય જગતનાં મિથ્યા સુખોની આશા મમતા મેલી દીધી હતી અને હિંમતપૂર્વક આ કઠણ તપ આદર્યું હતું. આથી લોકો આ જોઇને મનમાં ત્રાસ પામી ગયા. ધ્રુવજીના તપોબળથી ધરતી પણ ધ્રૂજી ઊઠી, દશે દિગ્પાળો ડોલી ઉઠ્યા અને સૌના અંતરમાં એમ જ ભાસ્યું કે નાની ઉંમર હોવા છતાં આ બાળક મહાબળવાન છે.