કડવું-13

ધન્યાશ્રી

વળી ધન્ય ધન્ય ધ્રુવજીને કહિયેજી, જેનો તાત ઉત્તાનપાદ લહિયેજી;

સુનીતિને ઉદર આવ્યા જહિયેજી, જનમી ઉરમાં વિચારિયું તહિયેજી. ૧

ઢાળ

ઉરમાં એમ વિચારિયું, થાવું મારે તે હરિદાસ;

એવે વિચારે આવિયા, વળી નિજ પિતાની પાસ. ૨

આદર ન પામ્યા તાતથી, થઈ પુષ્ટિ એહ પરિયાણની;

અપરમાયે પણ એમ જ કહ્યું, થઈ દૃઢ મતિ સુજાણની. ૩

જેમ શૂરો શત્રુ સેનશું, હૈયે કરે લડવાને હામ;

તેને સિંધુ સંભળાવતાં, ભાઈ મરી મટે એહ ઠામ. ૪

તેમ ધ્રુવે એમ ધાર્યું હતું, અતિ થાવું છે સહુથી ઉદાસ;

રાજ સાજ સુખ સંપત્તિ, મેલી વન કરવો છે વાસ. ૫

અલપ સુખ સંસારનું, જે મળે ને મટી જાય રે;

તેહ સારુ આવું તન ખોઈ, કહો કોણ દુઃખને ચા’ય રે. ૬

અચળ સુખ અવિનાશીનું, જેહ પામીને પાછું નવ ટળે;

એવા સુખને પરહરી, બીજા સુખમાં કોણ બળે. ૭

અસત્ય સુખ સંસારનાં, તેને સત્ય માની નરનાર;

ભૂલવણીમાં ભૂલા પડ્યાં, કેણે ન કર્યો ઉર વિચાર. ૮

મરીચિ જળે મળ ટાળવા, મનસૂબો કરે છે મનમાંય;

પણ જાણતાં નથી રીત ઝાંઝુની, એહ અર્થ ન આવે કાંય. ૯

એવું દૃઢ ધ્રુવે કર્યું, મો’રથી મનમાંય;

નિષ્કુળાનંદનો નાથ ભજશું, તજશું બીજી ઈચ્છાય. ૧૦

વિવેચન : 

એવા એક ભક્ત ધ્રુવજી થઇ ગયા તેને ધન્ય છે. તેના પિતાનું નામ ઉત્તાનપાદ રાજા હતું અને માતાનું નામ સુનીતિ હતું. ધ્રુવજી જન્મ્યા ત્યારથી તેના દિલમાં ભગવાનના ભક્ત થવાની રુચિ હતી. તેને ભગવાનના ભક્ત થવાનું ખૂબ ગમતું. તેઓ પાંચેક વર્ષના થયા ત્યારે એક વખત પિતાની ગોદમાં બેસવા ગયા પણ તેની ઓરમાન માતા સુરુચિ જે રાજાની માનીતી રાણી હતી તેણે અપમાન કરીને બેસવા ન દીધા. અપમાનથી ભગવાન તરફ જવાની પોતાની રુચિની અને જગતના અભાવની પુષ્ટિ થઇ અને ભક્તિનો માર્ગ ગ્રહણ કરવાની ધારણા વિશેષ દૃઢ થઇ.

જેમ કોઇ શૂરવીરને શત્રુના દળ સામે લડવાની હિંમત હોય-અંતરમાં બિલકુલ ડર ન હોય અને તેમાં વળી કોઇ શૂરાતન ચડે એવો સિંધૂડો રાગ સંભળાવે, બૂંગિયો ઢોલ ટીપાય ને ‘મારો કાપો’ના પડકારા થાય પછી શું બાકી રહે? તે તો ત્યાં જ મરી મટવા તૈયાર થઇ જાય. એવી રીતે ધ્રુવજીને ભગવાન ભજવાની એવી રુચિ તો પ્રથમથી જ હતી કે જગતમાંથી સર્વથી ઉદાસ થઇ રાજ્યના સુખસંપત્તિ તજી વનમાં જઇ ભગવાનની આરાધના કરવી કેમ કે સંસારનું સુખ તુચ્છ છે. ઘડીક મળે ને પાછું નાશ પામી જાય છે તેને અર્થે આવું મહા મોંઘું-અમૂલ્ય માનવશરીર ગુમાવીને દુઃખનો સમૂહ કોણ ખરીદી લે? મેળવવાને કોણ ઇચ્છા કરે? અવિનાશી એવા ભગવાનનું સુખ જ અચળ છે, જે મળ્યા પછી ક્યારેય મટતું નથી તેને છોડી દઇને અન્ય નાશવંત સુખના સંતાપને કોણ વહોરી લે? સંસારનાં મિથ્યા સુખોને સાચાં માની લઇને નરનારીઓ ભૂલાં પડ્યાં છે. કોઇએ કશો વિચાર કર્યો નથી. ઝાંઝવાના પાણી સમૂહ જોઇને નાહીધોઇને શુદ્ધ થવાના અને શાંતિ પામવાના સંકલ્પ કરી લે પણ તે શક્ય બનતું નથી. સંસારી સુખ માત્ર ખોટા દેખાવનું છે. મૂર્ખ પ્રાણીઓને તેની સાચી ખબર હોતી નથી, પરંતુ ધ્રુવજીએ તો સંસારને મિથ્યા સમજી પ્રથમથી જ મનમાં નક્કી કર્યું હતું કે બીજી બધી ઇચ્છાઓ તજીને ભગવાનને ભજવા છે.