ધન્યાશ્રી
પ્રગટ્યા નૃસિંહજી પ્રહ્લાદને કાજજી, બહુ રાજી થઈ બોલિયા મહારાજજી;
માગો માગો પ્રહ્લાદ મુજથકી આજજી, આપું તમને તેહ સુખનો સમાજજી. ૧
ઢાળ
આપું સમાજ સુખનો, એમ બોલિયા છે નરહરિ;
પ્રહ્લાદ કહે તમે પ્રસન્ન થયા, હવે શું માગું બીજું ફરી. ૨
મારે તો નથી કાંઈ માગવું, પણ એવું કહેશોમા કોઈને;
પંચ વિષયમાં પ્રીત જીવને, માગશે રહ્યા છે જેમાં મોઈને. ૩
થોડીક સેવા કરી તમારી, માગે છે મોટા સુખને;
એવા વેપારીને ઓળખી, વિષયસુખ દેશોમા વિમુખને. ૪
એમ પ્રહ્લાદજી ઉચ્ચર્યા, કહ્યો અંતરનો અભિપ્રાય;
ધીરજતાનું ધામ ધન્ય, નિષ્કામ કહ્યા ન જાય. ૫
પેખી ભક્તિ પ્રહ્લાદની, એવી આપણે પણ આદરો;
નકી પાયો નાખી કરી, ભય તજી ભક્તિ કરો. ૬
ભક્ત કહેવાય આ ભવમાં, અભક્તપણું અળગું કરો;
શુદ્ધ સેવક થઈ ઘનશ્યામના, અમળ ભક્તિ આદરો. ૭
ભક્તિમાં ભેગ ભૂંડાઈનો, વળી રતિ પણ નવ રાખિયે;
ડોરી બાંધી અંગે દામની, વિશવાસી પાશે નવ નાખિયે. ૮
ભક્ત છે બહુ ભાતના, દામ વામ ખૂબ ખાન પાનના;
એવું ન થાવું આપણે, થાવું ભક્ત ખરા ભગવાનના. ૯
સેવક થઈ ઘનશ્યામના, ઈચ્છવાં સુખ સંસારનાં;
નિષ્કુળાનંદએ ભક્ત નહિ, એ તો લક્ષણ છે ચોર જારનાં. ૧૦
વિવેચન :
આમ નૃસિંહ ભગવાન માત્ર પ્રહ્લાદ ભક્તને માટે જ પ્રગટ થયા હતા, એટલે હિરણ્યકશિપુનો સંહાર કર્યો પછી પોતે રાજી થઇને બોલ્યા કે હે ભક્ત પ્રહ્લાદ, હું તમારા પર પ્રસન્ન થયો છું, માટે મારી પાસેથી જે માગવું હોય તે માગો તમને જે સુખનાં સાધનો જોઇએ તે હું આપવા ઇચ્છું છું. એ સાંભળીને પ્રહ્લાદ પ્રણામ કરીને બોલ્યા, હે મહારાજ, તમે જ્યારે પ્રસન્ન જ થયા છો ત્યારે એથી વધારે મારે શું માગવાનું બાકી રહે છે. તમે પ્રસન્ન થયા તેમાં મારે બધું જ આવી ગયું છે. મારે તો કશું જ માગવાની ઇચ્છા નથી. પરંતુ મારે આપને પ્રાર્થના કરવાની છે કે હે પ્રભુ, આમ કોઇ ભક્તને વરદાન માગવાની લાલચમાં નાખશો નહિ, કારણ કે આ જગતના જીવોને પંચ વિષયમાં સ્વાભાવિક પ્રીતિ હોય છે, તેમાં તેને અતિ મોહ હોય છે, તેથી તમે માગવાનું કહેશો તો એવી તુચ્છ વસ્તુ માગી બેસશે. વળી આપની થોડી સરખી સેવા-ભક્તિ કરીને મોટાં સુખો માગી લેવાની વેપારી વૃત્તિવાળા જીવોને હે મહારાજ, ભક્ત ન માની લેતા. તેઓ તો વેપારી વૃત્તિવાળા છે, વિમુખ છે. તેઓ તો તમારી સાથે પણ વેપાર શરૂ કરી દેશે, માટે આવા વિમુખ જીવોને વિષય દેશો નહિ, કારણ કે એમાંથી એમનું સારું નહિ થાય, તેમનું ભૂંડુ થશે. આ રીતે પ્રહ્લાદજીએ પોતાના અંતરનો અભિપ્રાય ભગવાન આગળ કહી બતાવ્યો. ખરેખર ધીરજતાના ધામરૂપ પ્રહ્લાદને ધન્ય છે. વળી તેની નિષ્કામ ભાવના વર્ણવી ન શકાય તેવી છે.
પ્રહ્લાદની આવી શુદ્ધ નિષ્કામ ભક્તિ જોઇને આપણે પણ નિશ્ચયપૂર્વક નીડર બની એવી જ ભક્તિ આદરવી જોઇએ. અને અભક્તપણું દૂર કરી, નિર્મળ ભક્તિ દ્વારા જગતમાં ભગવાનના સાચા સેવક તરીકે ઓળખાવું જોઇએ. ભક્તિમાં કોઇ પણ પ્રકારની દુષ્ટતાનો અંશમાત્ર ન હોવો જોઇએ. ભગવાનના દાસપણાની દોરી પોતાના શરીરે બાંધી ને વિશ્વાસુ જનોને શીશામાં ન ઉતારવા જોઇએ. ઉપરથી નાટકીય ભક્તિ કરીએ અને સાચા ભક્ત ન થાઇએ તો ઉપરનાં ચિહ્નોથી લોકો ભરમાયને આપણી પાસે આવે ત્યારે તેને શીશામાં ઉતારીએ તો તેમાં આપણું સારું ન થાય. આ જગતમાં અનેક પ્રકારના ભક્તો જોવા મળે છે. કેટલાક પૈસાના ભક્ત હોય છે, ભગવાનની ભક્તિનો દેખાવ કરીને શ્રદ્ધાળુઓ પાસેથી વધારેમાં વધારે પૈસા ખેંચી લેવા એવો તેમનો ધ્યેય અને ચેષ્ટાઓ હોય છે. તેઓ કેવળ પૈસાના ભક્ત હોય છે. ભગવાનના ભક્ત તો ખાલી ઉપરથી દેખાતા હોય છે. કેટલાક સ્ત્રીઓના ભક્ત હોય છે. સ્ત્રીઓ રાજી થાય એવી ભક્તિ કરતા હોય છે. કેટલાક ખાનપાનના ભક્ત હોય છે. ભક્તિનો વેશ કાઢીને મનગમતાં ખાનપાન ભોગવી લેવામાં હોંશિયાર હોય છે. સદ્. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે આમ ભગવાનના ભક્ત કહેવડાવીને, તેનો વેશ બનાવીને સંસારના વૈભવોમાં લટુ બની જાવું કે તે માટે વલખાં મારવા એ સાચા ભક્તનાં લક્ષણ જ નથી પરંતુ એવું કરવું એ તો ચોર અને વ્યભિચારી લોકોનાં લક્ષણો છે એમ સમજવું માટે આપણે મહારાજના ખરેખરા સાચા નિષ્કામી ભક્ત થાવું. – ૧૨