કડવું-11

ધન્યાશ્રી

વળી પ્રહ્‌લાદની કહું સુણો વાતજી, તેહપર કોપિયો તેનો તાતજી;

ઊઠ્યો લઈ ખડગ કરવા ઘાતજી, થયો કોલાહલ મોટો ઉતપાતજી. ૧

ઢાળ

ઉતપાત તે અતિશે થયો, કહે પાપી પ્રહ્‌લાદ ક્યાં ગયો;

દેખાડ્ય તારા રાખનારને, કાઢી ખડગ મારવા રહ્યો. ૨

પ્રહ્‌લાદ કહે પૂરણ છે, સરવે વિષે મારો શ્યામ;

હમણાં પ્રભુ પ્રગટશે, ટાળશે તારું ઠામ. ૩

અરેરે એવું બોલ્ય મા તું, વળી કહે ઠરાવીને ઠીક;

તું ને તારા રાખનારની જો, મારે નથી હૈયામાં બીક. ૪

એમ કહીને જો કાઢિયું, તીખું ખડગ તે વાર;

ઘાંઘો થાય ઘણું ઘાવ કરવા, પણ ન ડરે પ્રહ્‌લાદ લગાર. ૫

કરડે દાંત ક્રોધે કરી, વળી બોલે વસમાં વેણ;

રીસે કરી રાતાં થયાં, મહા પાપીનાં બે નેણ. ૬

પછી પ્રહ્‌લાદે પ્રકાશિયું, જોઈ અસુરનો આરંભ;

કહ્યું છે આ કાષ્ઠમાં, સ્થિર રહ્યા છે થઈ સ્થંભ. ૭

ઠરાવ્યા જ્યારે હરિ સ્થંભમાં, ત્યારે કોપ્યો લઈ કરવાલ;

ઠીકોઠીક મારી સ્થંભમાં, ત્યાં પ્રગટ્યા પ્રભુ કોપાલ. ૮

પછી માગ્યું હતું જેમ મોતને, તેમાં તે બાધ આવે નહિ;

તેમજ તેને મારિયો, નરસિંહજી પ્રગટ થઈ.૯

હાહાકાર અપાર થયો, રાખ્યું પ્રહ્‌લાદજીનું પણ;

નિષ્કુળાનંદ કહે તેણે કરી, સહુ સુખી છૈયે આપણ. ૧૦

વિવેચન : 

પછી તો પ્રહ્‌લાદનો પિતા હિરણ્યકશિપુ અતિશય ક્રોધે ભરાયો અને મોટું ખડગ લઇને પ્રહ્‌લાદને મારવા દોડ્યો. આથી ત્યાં મોટો કોલાહલ અને ઉત્પાત મચી ગયો તે મોટે અવાજે ગરજવા લાગ્યો કે અરે એ પાપી પ્રહ્‌લાદ ક્યાં છે? તેવામાં પ્રહ્‌લાદને સામે આવતા જોઇને તેણે ત્રાડ નાખી પૂછ્‌યું અરે મૂરખ, તને બચાવનારો કોણ છે? બતાવ જલદી. એને પણ હું પૂરો કરી દઇશ એમ કહીને મારવા તલવાર ઉઠાવી. પ્રહ્‌લાદે નમ્રતાથી કહ્યું-પિતાજી, મને બચાવનાર મારા ભગવાન તો ચરાચરમાં સર્વ સ્થળે પૂર્ણ છે એ હમણાં જ પ્રગટ થશે અને તમારી ખબર લેશે. હિરણ્યકશિપુ આ સાંભળીને સળગી ઊઠ્યો. અરે દુષ્ટ, તું આ મારી સામે શું બોલે છે? જરા સરખું બોલ. જરા એકવાર તારા રક્ષણ કરનારાને મને બતાવ એટલે એને પહેલા પૂરો કરી દઉં. મને તારી કે તારા રક્ષણહારની યે બિલકુલ બીક નથી. એકવાર મને બતાવી દે. આમ કહીને ધારદાર તલવાર ખેંચીને ઘાવ કરવા ઉતાવળો થયો. પણ પ્રહ્‌લાદ જરા પણ થડક્યા નહિ.

પ્રહ્‌લાદને આમ નિર્ભય જોઇને હિરણ્યકશિપુનો ક્રોધ બમણો સળગી ઊઠ્યો. તે ક્રોધથી દાંત કચકચાવવા લાગ્યો. મોઢેથી પ્રહ્‌લાદને વિષે અને ભગવાનને વિષે એલફેલ બોલવા લાગ્યો. ત્યારે એ પાપીના નેત્રો ક્રોધને લીધે લાલચોળ બની ગયાં. પ્રહ્‌લાદે અસુરની આવી ભયંકર આક્રમકતા જોઇને કહ્યું કે તમારે મારા ભગવાનને જોવા છે? તેઓ કાષ્ઠના થાંભલામાં સ્થિર થઇને રહ્યા છે. તો હિરણ્યકશિપુનો તમામ ક્રોધ તેના પર ઉતર્યો ત્યારે પોતાના હાથમાં તલવાર હતી તે તમામ શક્તિ એકત્ર કરીને ઠીકોઠીક સ્થંભમાં મારી. તલવારનો ઘા પડતાં જ બ્રહ્માંડ ફાટી જાય તેવો કડાકો થયો. થાંભલો ફાટ્યો. અંદરથી પ્રલય કાળના અગ્નિ જેવા પ્રચંડ કોપાળ નૃસિંહ સ્વરૂપે ભગવાન પ્રગટ થયા. બ્રહ્માંડ ફાડી નાખે તેવો હૂંકાર કર્યો ને ઝડપ મારીને હિરણ્યકશિપુને પકડ્યો પછી તેને મૃત્યુ માટેના બ્રહ્માજી પાસેથી જે જે પ્રકારનાં વરદાનો મળ્યાં હતાં તેને હરકત ન આવે એવી રીતે પોતાના તીક્ષ્ણ નખથી ચીરી નાખ્યો અને પોતાના પરમ ભક્ત પ્રહ્‌લાદનું પણ રાખ્યું. પ્રહ્‌લાદનું વચન સત્ય રાખ્યું. તે સમયે ધરતી ઉપર અને પૂરા બ્રહ્માંડમાં ભારે હાહાકાર મચી ગયો. પોતાના ભક્તની રક્ષા કરવાનું બિરુદ-ટેક ભગવાન આમ પ્રથમથી જ દૃઢપણે પાળતા આવ્યા છે. તેને લીધે જ ભક્તિ કરનારા આજે આપણે પણ સુખી છીએ.