કડવું-10

ધન્યાશ્રી

નથી હરિજનને ધીરજસમ ધનજી, કામ દામ આવે એ દોયલે દનજી;

જ્યારે જન કરે હરિનું ભજનજી, તેમાં બહુ આવે વિપત વિઘનજી. ૧

ઢાળ

વિઘન આવે વણચિંતવ્યાં, સુર અસુર ને નર થકી;

જોખમ ન થાય જન જેમ, તેમ વાત કરવી નકી. ૨

આદ્ય અંતે મધ્ય માંય, ભક્તે સુખ શું શું ભોગવ્યું;

સહી સંકટ ભજ્યા શ્રીહરિ, એમ ચારે જુગમાંયે ચવ્યું. ૩

ભક્ત થાવું ભગવાનનું, રાખી વિષયસુખની આશ;

બેઉ કામ ન બગાડિયે, થાઈએ ખરા હરિના દાસ. ૪

અતિ મોટું કામ આદરી, વળતો કરિયે વિચાર;

એતો અરથ આવે નહિ, વળી ઠાલો ખોવાય કાર. ૫

કાર જાયે ને કામ ન થાયે, વળી જાયે ખાલી ખેપ;

એવું કામ આદરતાં, કહો કેને આવ્યું ઠેપ. ૬

માટે તાવે ઘાવ જેમ ઘણના, ઘણા લગાડે છે લુહાર;

તક ચૂકે જો તા તણી, તો સાંધો ન થાયે નિરધાર. ૭

જોને મોરે જેવું એ મોંઘું હતું, એવું મોંઘું નથી જો આજ;

પ્રહ્‌લાદની પેઠે આપણને, નથી કસતા મહારાજ. ૮

પેખો ભક્ત પ્રહ્‌લાદને, જેજે પડિયાં એને દુઃખ;

વેઠી બહુ કહું વિપત્તિ, રહ્યા હરિની સનમુખ. ૯

એકાએક વિવેકે ટેક, એવું કામ એણે આદર્યું;

નિષ્કુળાનંદ કે’ નાથે તેનું, ઘણું ઘણું ગમતું કર્યું. ૧૦

વિવેચન : 

ભગવાનના ભક્તને ધીરજ જેવું કોઇ ધન નથી. એ ધન દોયલા દિવસોમાં-વિપત્તિઓના અને પ્રતિકૂળતાના સમયમાં કામ લાગે એવું છે. કારણ કે ભક્ત જ્યારે ભગવાનનું ભજન કરે છે ત્યારે તેને અનેક પ્રકારની વિપત્તિઓ અને વિઘ્નો આવે છે જ. એવાં વિઘ્નો નાખવામાં દેવતાઓ, દાનવો, મનુષ્યો-એ બધાં જ હોય છે. વળી એ વિઘ્નો અણધાર્યાં અને કલ્પના બહારનાં હોય છે માટે ભગવાનના ભક્તે તો એવો નિશ્ચય કરી રાખવો જોઇએ કે ગમે તેમ અને ગમે તેવાં વિઘ્નો આવે તો પણ ભગવાન પ્રત્યે પોતાની અનન્ય ભક્તિ કે અનન્ય ભાવ, નિષ્ઠાને કોઇ જોખમ ન થવું જોઇએ. શાસ્ત્રોમાં અને ભક્તોના ઇતિહાસમાં જોતાં એવું જણાય છે કે તે ખરા ભક્તોએ પોતાના જીવનમાં પહેલા, છેલ્લે કે વચ્ચે શું સુખ ભોગવ્યાં છે? અર્થાત્‌ તેમને કોઇએ સુખી થવા દીધા નથી. તે તપાસ કરતાં જણાય છે કે તે સર્વ ભક્તોએ અનેક પ્રકારનાં સંકટો સહન કરીને જ ભગવાનને ભજ્યા છે અને એ વાત ચારેય યુગમાં જગજાહેર છે માટે ભગવાનના ભક્ત થવું હોય તેમણે વિષયસુખની ઈચ્છાનો ત્યાગ કરવો પણ વિષયસુખની ઈચ્છા રાખવી અને ભક્ત પણ થવું તે બન્ને સાથે બનતું નથી. તેમાં તો બેય કામ બગડે છે, નથી પૂરા ભક્ત થવાતું અને નથી પૂરા વિષય ભોગવી શકાતા, માટે ભક્ત થાવું તો ખરેખરા ભગવાનના નિષ્કામ ભક્ત થાવું એવો નિર્ણય રાખવો. ખૂબજ મોટું કાર્ય શરૂ કરવું હોય ત્યારે વગર વિચારે ઉતાવળ કરી આદરી દે અને બગડ્યા પછી વિચાર કરે કે માળું બગડી ગયું! એવું કરવાથી કોઇ અર્થ સરતો નથી. ને આપણી આબરૂ જાય છે, એટલું જ નહિ પણ આપણો મનુષ્યજન્મનો ફેરો ફોગટ જાય. માટે એવી રીતે આદરે તો કોઇને લાભ થયો નથી. માટે જેમ લોઢું બરાબર તપીને બરાબર ‘તા’ આવ્યો હોયને તક ચૂકી જાય અને તા થોડો ઠંડો પડી જાય, હળવો થઇ જાય પછી ટીપી નાખે તોપણ સાંધો લાગતો નથી.

તેમ આ મનુષ્ય જીવનમાં પ્રગટ પ્રમાણ શ્રીજી મહારાજનો અને તેમના સાચા સંતપુરુષોનો જોગ મળ્યો છે, સત્સંગનો જોગ મળ્યો છે. ભગવાને બધી સગવડતાઓ આપી છે તે સમયમાં આપણે તા એ તા માં શ્રીજીમહારાજ સાથે પાકો સાંધો સાંધી લઇએ, પાકો (સ્વામી-સેવકભાવનો) સંબંધ બાંધીને સાચા સેવક બની જઇએ તો સાંધો સંધાય જાશે. જો આ જન્મમાં તક ચૂકી ગયા તો પછી ક્યારે તક મળે તેનો કોઇ ભરોસો ન કહેવાય. જુઓને આગળના સમયમાં કલ્યાણ જેવું મોંઘું ને મુશ્કેલ હતું તેવું આજ નથી. અને પ્રહ્‌લાદ ભક્તની જેવી શ્રીજીમહારાજ-ભગવાન શ્રીસ્વામિનારાયણ આજે આપણી કસોટી પણ કરતા નથી. જુઓને, પ્રહ્‌લાદને ભક્તિ કરવામાં જે જે દુઃખો પડ્યાં, અને વિપત્તિઓ વેઠવી પડી તોપણ તેમાં તે ભગવાન સન્મુખ જ રહ્યા વળી એકલા હતા છતાં અતિદૃઢ વિવેકપૂર્વક ટેક નિભાવી રાખીને ભક્તિ કરી. ત્યાર પછી ભગવાને તેમનું ઘણું ઘણું મનગમતું કર્યું હતું.