કડવું-1

ધન્યાશ્રી,

સુખના સિંધુ શ્રી સહજાનંદજી, જગજીવન કહીએ જગવંદજી;

શરણાગતના સદા સુખકંદજી, પરમ સ્નેહી છે પરમાનંદજી. ૧

ઢાળ

પરમ સ્નેહી સંત જનના, છે ઘણા હેતુ ઘનશ્યામ;

દાસના દોષ ટાળવા, રહે છે તૈયાર આઠું જામ. ૨

અનેક વિઘનથી લિયે ઉગારી, કરી પળેપળે પ્રતિપાળ;

પરદુઃખ દેખી નવ શકે, એવા છે જો દીનદયાળ. ૩

નિજ દાસને દુશ્મન જન, ઘડી ઘડીએ ઘાત કરે ઘણી;

ક્ષણુ ક્ષણુએ ખબર ખરી, રાખે છે હરિ તેહ તણી. ૪

જેમ પડે જનને પાંસરું, તેમ કરે છે કૃપાનિધિ;

સુખ દુઃખ ને વળી સમ વિષમે, રાખે છે ખબર બહુ વિધિ. ૫

જેમ પાળે જનની પુત્રને, બહુ બહુ કરી જતન;

એમ જાળવે નિજ જનને, બહુ ભાવે કરી ભગવન. ૬

આ જગમાં જીવને વળી, હરિ સમ હેતુ નહિ કોય;

પરમ સુખ પામે પ્રાણધારી, એમ ચિંતવે શ્રીહરિ સોય. ૭

જે દુઃખે થાય સુખ જનને, તે દે છે દુઃખ દયા કરી;

જેહ સુખે દુઃખ ઉપજે, તે આપે નહિ કેદી’ હરિ. ૮

જેમ અનેક વિધની ઔષધિ, હોય અતિ કડવી કસાયલી;

દર્દારિ દિયે દર્દીને, ટાળવા વ્યાધિ બાહેર માંયલી. ૯

કુપથ્ય વસ્તુ કેદી ન દિયે, ખાવા તે ખોટે મષે કરી;

નિષ્કુળાનંદ એમ નિજજનની, સા’ય કરે છે શ્રીહરિ. ૧૦

વિવેચન : 

સહજાનંદ સ્વામી સુખના સિંધુ છે તે સમગ્ર જગતના જીવન છે, તેમને આધારે સમગ્ર જગત પ્રાણવાન થઇ રહ્યું છે, તે જગવંદ્ય છે. પોતાના શરણાગત જીવો-ભક્તો માટે તે જ કેવળ સુખકંદ મૂર્તિ છે, તેમાં સુખ સિવાય બીજો કોઇ(દુઃખ જેવો) પદાર્થ વિદ્યમાન નથી. તેઓ સંતજનો-સજ્જનોના પરમ સ્નેહી અને પરમ આનંદ આપનારા છે.

તેઓ પોતાના દાસના દોષો ટાળવા માટે નિરંતર તૈયાર રહે છે. તેઓ પોતાના સાચા સેવકનું પળે પળે પ્રતિપાળ કરે છે, તેમને અનેક વિઘ્નોમાંથી ઉગારી લે છે, કારણ કે શ્રીહરિ પરનું દુઃખ દેખી શકે નહિ એવા દીનદયાળુ છે. પોતાના ભક્તોને દુષ્ટ લોકો ઘડી ઘડીએ સંકટો ઊભા કરે છે, ઘાતો ઊભી કરે છે અર્થાત્‌ તેનું કાસળ કાઢી નાખવાની યુક્તિઓ ગોઠવતા હોય છે; પરંતુ શ્રીહરિ તે બધી યુક્તિઓને નિષ્ફળ બનાવી દે છે. પોતાના ભક્તોની એક એક ક્ષણે બરાબર સંભાળ રાખે છે. ભક્તોને જેમ સુગમ થાય-સુખરૂપ થાય એમ કરી દે છે. કારણ કે તેઓ પરમકૃપાળુ છે. એટલું જ નહિ પણ સુખ દુઃખના સમયમાં કે સમ-વિષમ, અનુકૂળ-પ્રતિકૂળ સમયમાં બહુ પ્રકારે જતન રાખે છે. જેમ માતા પોતાના અતિ વહાલા પુત્રનું ઘણું ઘણું જતન કરીને પાળે છે-પોષે છે-રક્ષણ કરે છે તેમ ભગવાન પણ પોતાના ભક્તોને ભાવપૂર્વક જાળવે છે. અર્થાત્‌ આ જગતમાં જીવને ભગવાન જેવું હિતકારી બીજું કોઇ નથી (હરિ વિના હિતકારી બીજું કોઇ તારું નથી, દુસરો કોન સુખદાયી હરિ બિના દુસરો…) સર્વે પ્રાણી માત્ર પરમ સુખને પામે એ જ એકમાત્ર શ્રીહરિની ઇચ્છા છે. એવા હેતુને ઉરમાં રાખીને જે દુઃખના પરિણામે-ફળરૂપે સુખ થાય એવું દુઃખ દયા કરીને ભક્તને ન ગમે તો પણ પ્રભુ આપે છે; પરંતુ જે સુખને પરિણામે-છેવટમાં દુઃખ થાય એવું સુખ પણ ભગવાન પોતાના ભક્તને ગમતું હોય ને ખૂબ પ્રાર્થના કરતા હોય તોપણ આપતા નથી. જેમ વૈદ્ય અનેક પ્રકારનાં કડવાં અને બેસ્વાદુ(જરાપણ મીઠાં નહિ એવા) ઔષધ હોય તોપણ અંદરનો ને બહારનો રોગ ટાળવા દરદીને આગ્રહપૂર્વક ખવરાવે છે; પરંતુ ખોટે બહાને પણ કુપથ્ય વસ્તુ કદી પણ આપતા નથી. એવું જ ભગવાન પોતાના ભક્તનું હિત કરે છે-સહાય કરે છે.