સૂર સંગ્રામને દેખતા નવડગે ડગે તેને સ્વપ્ને સુખ ન હોયે !
હયગજ ગર્જના હાંક વાગે ઘણી મનમાં ઘડક નવ ધરે તોયે !-૧
અડગ સંગ્રામને સમે ઊભો રહે અર્પવા શીશ આનંદ મનમાં
ચાકરી સુફળ કરવાતણે કારણે વિકસ્યુ વદન ઊમંગ તનમાં.-૨
અકથ અલૌકિક રાજને રીજવે જે નર મનતણી તાણ મુકે
વચન પ્રમાણે તેવી પત્ય વર્તાતા એક પગભર ઊભાજ સૂકે.-3
એવાની આગળે મોહ દળ નવનડે ભાગતા ભોમ ભારે જ લાગે
મુક્તાનંદતે શૂર સાચા વદે જે ચાકરી કરી નવ મોજ માગે.-૪
કડી-૧
સૂર સંગ્રામને દેખતા નવડગે ડગે તેને સ્વપ્ને સુખ ન હોયે !
હયગજ ગર્જના હાંક વાગે ઘણી મનમાં ઘડક નવ ધરે તોયે !
સંગ્રામ (મન સાથેના, અંતર શત્રુ સાથેના) ને જોઈને જે કાયર થઈ જાય છે તેને સ્વપ્નમાં પણ અર્થાત્ ક્યારેય પણ સુખ પ્રાપ્ત થતું નથી. સંસારમાં રાજકારણીઓ હોય તે જેલમાં જાય (આઝાદી વખતે-ગાંધીજી વખતે) નિષ્ફળ જાય તો પણ તેને કોઈ અસર જ નહિ. લશ્કરમાં ભર્તી થવા માટે આકરી કસોટી લે ત્યાર પછી જ દાખલ કરે છે. જ્યારે આપણે ભગવાનને રસ્તે ચાલવામાં કેટલી કસોટી સહન કરી શકીએ છીએ તે તપાસવાનું છે. જરા મન ધાર્યું ન થયું, દેહાભિમાનને કારસો આવ્યો તો કહેશેજે ભજનનું સુખ આવતું નથી-સત્સંગનું સુખ નથી આવતું. ત્યારે મુરખ વિચાર નથી કરતા કે ભજન-સત્સંગનું સુખ નથી આવતુ કે દેહાભિમાનનું સુખ નથી આવતું? ભગવાનને માર્ગે ચાલવા માટે આપણે જાતે પડકાર કેટલો જીલીએ છીએ? બે સેના સામસામે ઊભી હોય ત્યારે શૂરવીર હોય તે એકલો વચ્ચે ખાબકે તેને બીક ન હોય કે મને આ બાજુથી મારી નાખશે કે આ બાજુથી મારી નાખશે. તેતો એ શોધે કે મારી સામે કોણ લડવાનો છે તેની ખબર લઈ લઉં. મહારાજ કહે છે કે તેને મનમાં એમ હોય જે ભગવાન તથા સંતનું આટલું વચન મારાથી મનાશે અને આટલું નહિ મનાય એવું ભૂલ્યે પણ ન કહે. “શુર-સંતનું સરખુ કહીએ તન ઉપર એકતાન, શૂરો મરે, સંત સુખ પરહરે, કરે અળગું અંગ અભિમાન ।'(નિ.કા.ધીર. ૩/૮) સંતની શૂરવીરતા શેમાં છે? તો દેહના સુખ હરામ કરવામાં સંતની શૂરવીરતા ગણાય છે. અનુકૂળતા શોધવામાં નહિ. અનુકુળતા શોધે છે તે કાયર છે, દેહાભિમાની છે બીજાનો વદાડ કરે કે પેલો આમ નથી કરતો કે આમ કરે છે એટલે હું તેમ કરૂ છું, તો તેને સાધુ ન કહેવાય. સાધુતાના માર્ગની દિશ જ જડી નથી. તે તો રાજાના કામદાર જેવો પ્રાકૃત બુધ્ધિ વાળો છે. સંત પણાની અલૌકિક સમજ તેમાં આવી જ નથી. રાજાના કામદારોમાં એવું હોય છે કે દેહે કરીને ક્યાંય ઘસાય ન જવું. જે જે દેહ રખા બીજા કામદારો હોય તેનો વાદ લેવો એવું જેને વરતાતું હોય તે શૂરવીર સંતની ગણતરીમાં ક્યાંથી ગણાય શકે? શુરવીર ક્યારેય એવું વિચારે કે પેલો બીજો લડવા જાય પછી હું જાઊ? લડાય કરતી વખતે પણ બાજુના સામે જોતો રહે તે લડે તો હું લડુ. શૂરવીર તો શત્રુદળ સામે જ નજર રાખે છે અને તેના દળને જુએ તેમ શૂરવીરને જનૂન ચડે છે, કેસરિયા કરીને ત્રાટકે છે. સ્વામી કહે છે કે પ્રતિકૂળતાથી કે મુશ્કેલીઓથી થડકી જાય તે સંત નહિ.
કડી-૨
અડગ સંગ્રામને સમે ઊભો રહે અર્પવા શીશ આનંદ મનમાં
ચાકરી સુફળ કરવાતણે કારણે વિકસ્યુ વદન ઊમંગ તનમાં.
સંગ્રામમાં અડગ ઊભો રહે. કામાદિક અંતર શત્રુ સામે પગ ભરાવીને ઊભો રહે. તેની અસરમાં કોઈ પ્રકારે ન આવે, પ્રતિકૂળતાને જોઈને પાછો ન હઠે. શીશ અર્પવાનો, સર્મપિત થઈ જવાનો મનમાં એક પ્રકારનો આનંદ હોય છે. કુરબાન થઈ જવામાં જ જેને મજા આવતી હોય તે કઈ વાતથી પાછો પડે? તે કોઈ વાતથી પાછો પડતો નથી. ચાકરી(સર્વીસ) સફળ કરવાનો મુખ ઉપર થનગનાટ રમી રહેવો જોઈએ. વદન પ્રફૂલ્લીત થઈ રહેવું જોઈએ કે મારા મોટા ભાગ્ય કે મને સર્મપિત થવાની તક મળી ગઈ. મને ખપી જવા માટે યોગ્ય ભૂમિકા(પ્લેટફોર્મ) મળી ગઈ. ખપી જવાનો જેને ઊમંગ હોય તે સાચા સંતને માર્ગે ચાલી શકે. માનવ જન્મ મને ભગવાને આપ્યો છે તેને હું ભગવાનના અર્થમાં લાવીને કેમ કરીને સફળ કરૂ? એની તક સદાય શોધતો રહે છે. ચાકરી એને કહેવાય કે તેના બદલામાં કોઈ વેતન ન જોઈએ. બદલામાં કોઈ લૌકિક ઈચ્છા જ ન રહે. નોકરીમાં પગાર જોઈએ તેને નોકરી કહેવાય. આતો ભગવાનની ચાકરી છે. નોકરીમાં પહેલો ઠરાવ કરે મને વેતન શું આપશો? હું તમારૂ કામ કરૂ પણ મને શું મળશે? તેનો પહેલો ઠેરાવ કરે. આતો, “હે ઠાકોર, ચાકર તેરા લેકિન કહ્યા નહિ કરેગા’ એવા ચાકર થયા છીએ. કહ્યું તો ઘરવાળીનું કરવું છે, છોકરાનું કહ્યું કરવું છે, દેહનું ને મનનું કહ્યું કરવું છે, સ્વભાવનું કહ્યું કરવું છે, ને ચાકર ભગવાનનો કહેવરાવવો છે. ઉલ્ટા ઠાકોરજી ને આપણુ કહ્યુ કરાવીએ છીએ. કાંઈ પણ બદલામાં ન ઈચ્છે ત્યારે ચાકર કહેવાય. ‘दीयमानं अपि न गृह्णन्ति विना मत्सेवनं जनाः’ ભગવાન કહે છે કે હરિના જન તો મુક્તિ ન માગે, માગે જનમો જનમ અવતાર, નિત્ય સેવા, નિત્ય દર્શન નિરખવા નંદકુમાર રે…
કડી-૩
અકથ અલૌકિક રાજને રીજવે જે નર મનતણી તાણ મુકે
વચન પ્રમાણે તેવી પત્ય વર્તાતા એક પગભર ઊભાજ સૂકે.
અકથ એટલે જેનું વર્ણન કોઈ રીતે કરી ન શકાય એવા મહારાજ અને અલૌકિક એવા મહારાજને જ્યારે રીજવવા છે તો તેણે મનની તાણ્ય મુકી દેવી જોઈએ. વેદ-ઉપનિષદો એમ કહે છે કે ભગવાન જેવા છે તેવા કોઈ કહી શક્તા નથી. ખુદ વેદો પણ યથાર્થ કહી શક્તા નથી, અને વિરામ પામી જાય છે. ચાકરી કરનારનું એક જ તાન હોય કે મહારાજ કેમ રાજી થાય? નોકરી કરનારને એકજ કામ હોય કે મારૂ બરાબર કેમ ગોઠવી લઊ. મહેનત ન કરવી પડે ને મહેનતાણુ મળતુ રહે. એવી ઈચ્છા કરે તે નોકર. તે સંત ન થઈ શકે, સંત તો હરિના ચાકર છે, કિંકર છે તેને તો ભગવાન કેમ રાજી થય તેનું જ એક તાન હોય છે. સંતતો ભગવાન ને રાજી કરવા નીચોવાય જાય છે અને નીચોવાય જવા સદા તૈયાર હોય છે, ત્યારે તે સંત કહેવાય છે. સામાને નીચોવી લે અને તોય કાંઈ તેનું લીલુ ન કરી દે તે તો નોકર કહેવાય. સંત ન કહેવાય. સંતતો ભગવાનના વચનમાં એક પગભર ઊભા રહીને સુકાય જાય તોય ડગે નહિ. એક પગભર ઉભા રહેવાનું તાત્પર્ય એ છે કે કોઈના પણ આધારની અપેક્ષા રાખતા નથી. પોતે એકલા ભગવાનને રાજી કરવા ચાલે છે. બીજા કોઈ રાજી કરે તો જ હું ભગવાનને રાજી કરૂ. બીજા કોઈ કાંઈ કરતા નથી ને મારે એકલાને શું? એકલાને શા માટે ટુટી મરવું જોઈએ? એવું વિચારનારો સંતને માર્ગે ચાલી શક્તો નથી. શૂરો રણમાં ત્રાટકે ત્યારે બીજાના સથવારાની વાટ જોવા ઊભો રહેતો નથી. કાયરના ટોળા ભેળા થઈને પણ ભાગે. સામા ન ચાલે, કારસામાંથી છટકી જવામાં હોશિયાર હોય, ઊંચા હાથ કરી દેવામાં હોશિયાર હોય તે સંતને માર્ગે ચાલી શક્તા નથી.
કડી-૪
એવાની આગળે મોહ દળ નવનડે ભાગતા ભોમ ભારે જ લાગે
મુક્તાનંદતે શૂર સાચા વદે જે ચાકરી કરી નવ મોજ માગે.
ભગવાન ને રાજી કરવા હોય તેણે મનની તાણ્ય જરા પણ ન રાખવી, ખાવા ન મળે, અપમાન થાય, જ્યાં ત્યાં તિરસ્કાર થાય ત્યારે પણ ભગવાનના માર્ગમાં અને સંતપણામાં અડગ ઊભા રહેવું એ કઠણ છે, અડગ ભાવના રાખવી એ કઠણ છે પોતે સાચા હોઈએ તોય કોઈ ગણતરીમાં ન લે અને ખોટાની જ વાહ વાહ થાતી હોય ત્યારે આપણને ભગવાનને માર્ગે ચાલવાનો કેટલો ઉત્સાહ રહે? કેવી મજા રહે? આપણે સાચા છીએ તોય કોઈ ગણતું નથી માટે નકામા શું કામે તુટી મરવું એમ થઈ જાય અને ત્યારે પણ જો મન ભગવાનના માર્ગમાંથી પાછુ ન પડે એવાની આગળ મોહનું દળ ઊભું ન રહે. ઊભી પૂછડીએ ભાગે. જ્યારે પરીક્ષા આવે ત્યારે કેવા સંત છે, તેવા ભક્ત છે તે ખબર પડે છે. સગવડતા મળી જાય તો ભજનમાં સુખ આવે ને નહિ તો સગવડતાની તપાસ કરતા રહીએ, એજ મોહ દળ
છે. મને નંદ સંતો કે મોટા સંતો જેટલી મુશ્કેલીઓ કે અગવડતાઓ નથી આવી અને હું તેમાં બરાબર ઘડાયો નથી તેની બળતરા થવી જોઈએ. ત્યારે તે મોહ સામે લડી શકશે. મોહદળમાં ભળી ન જાય ને તેની સામા પગ ભરાવે ત્યારે મોહદળ તેનાથી ભાગે છે મુક્તાનંદ સ્વામી કહે છે કે ચાકરી કરીને પણ મોજ માગતા નથી, સગવડતા કે સેવા કરવાની મને અનુકુળતા આપો એમ પણ માગતા નથી. સેવા કરીને બલદામાં કાંઈ ઈચ્છતા નથી ફક્ત સેવાને જ ઈચ્છે છે.