મેલ મન તાણ્ય ગ્રહીવચન ગુરૂદેવનું સેવ તુરૂપ એ શુધ્ધ સાચું,
મન ભલે મત્ત થઈ કોટી સાધન કરે સદ્ગુરુ શબ્દ વિણ સર્વ કાચું.-૧
જજ્ઞજાગે કરી સ્વર્ગ સુખ ભોગવે પુણ્ય ખુટે પડે નક્કિ પાછો,
તીર્થને વ્રત તણુ જોર પણ તયાં લગી ગુરૂગમ વિના ઉપાય કાચો.-૨
અડસઠ તીરથ સદ્ગુરૂચરણમાં જાણશે જે જન હશે પુરા,
મન કર્મ વચને મોહ મનનો તજી ભજે ગુરુબ્રહ્મ તે સંત શૂરા.-૩
મનના કૃત્ય તે મિથ્યા જાણી તજ્યા મન પણ અમન થઈ મળ્યુ ત્યારે
મુક્તાનંદ ગુરૂમર્મ છે વચનમાં વચન વિચારિને જોયું જ્યારે.-૪
કડી-૧
મેલ મન તાણ્ય ગ્રહીવચન ગુરૂદેવનું સેવ તુરૂપ એ શુધ્ધ સાચું,
મન ભલે મત્ત થઈ કોટી સાધન કરે સદ્ગુરુ શબ્દ વિણ સર્વ કાચું.
સ્વામી કહે છે કે મનની તાણ્ય મુકી દે અને ગુરૂના વચન પ્રમાણે ચાલ. “આચાર્ય માં વિજાનીયાત્”-ભાગ. જ્યારે પરમાત્મા પૃથ્વી પર મનુષ્યાકાર ન હોય ત્યારે સાચા સદગુરૂ એ ભગવાન કહે છે કે એ મારૂ સ્વરૂપ જાણો અને તેનું સેવન કેમ કરવું તે પણ બતાવ્યું છે કે સેવાનુવૃત્યા-તેની અનુવૃતિ સમજીને સેવા કરવી. અનુવૃતિ દૃઢપણે પાળવી એજ મોટી સેવા છે. તેમાં મનને એક બાજું મુકવાનું હોય છે. તેમાં એવું પણ નથી કે અનુકુળ આવી ગયું તો ગુરૂને ભગવાન ઠઠાડી દેવા. મનને મારવાનું છે. ગુરુને ભગવાન માનવાથી ચેલાનું પણ કામ થાય, ચેલાને પણ એક દિવસ ગુરૂથવામાં જ રસ આવી જાય-મોક્ષને માર્ગે કાંઈ કરવું જ નથી. ગુરૂનું પણ એમાં કામ થાય છે. ચેલા આગળ ધર્યા કરેને ગુરૂ ભોગવ્યા કરે ત્યારે તો બેય ની અધોગતિ થાય છે. “ધન ધુતા ગુરૂ હોય કે, મરી કે સર્જત શ્વાન. શીશ ગીંગોડા હોય કે લટકંત કંઠ અરૂ કાન” એવું પણ બતાવ્યું છે. અને અહિં ભગવાન તુલ્ય માનવાનું પણ બતાવ્યું છે. માટે વિવેક ને સાથે રાખીને વિચારવું. ગુરૂનો આધાર પોતાના મનને મારવા માટે છે. મનના રાગ પુરા કરવામાં ન થવો જોઈએ. જે ગુરૂના માધ્યમથી મનના રાગ પુરા થતા હોય કે તેનું પોષણ થતું હોય તો તે સાચા ગુરુ કહેવાને યોગ્ય નથી. ગુરૂના વચન પ્રમાણે ચાલીને, અનુવૃતિ પાળીને ભગવાન મેળવવાના છે. ભગવાન પાસે પહોંચવાનું છે. જે ગુરૂએ જ બીજો રસ્તો પકડ્યો હોય તેવા ગુરૂની અનુવૃતિથી સેવવાની અંહિ વાત નથી. જેની વૃતિ-ચેષ્ટા સારા હોય તે બધાજ દતાત્રેય ભગવાનની જેમ ગુરૂ કરવા-શિખામણ લેવા યોગ્ય છે. પણ મારા એજ સારા એમ આપણા મનથી ગોઠવી લીધાથી કાર્ય થઈ જતું નથી. જે સદ્ધાગ્યે સારાજ હોય તો તેમણે જાજે ઠેકાણે દોડવાની જરૂર નથી. દતાત્રેય ભગવાનની જેમ ૨૪ ગુરૂ કરવાની પણ જરૂર નથી. એક જ ગુરૂ ભગવાન પાસે પહોંચાડી દે છે. પણ આજ કલિયુગ છે તેથી જોવું જરૂરી છે. વળી ગરુ કાયમ સાથે હોતા નથી, મન તો ૨૪ કલાક સાથે રહેનારૂ છે. ગુરૂતો લગભગ વહેલા ધામમાં જતા રહેતા હોય છે. ત્યારે પાછળથી મોકળ ન મનાય જવી જોઈએ. ગુરૂની અનુવૃતિ હોય છે પ્રત્યક્ષ જાણીને તેની અનુવૃતિમાં સદાકાળ રહેવાનું છે પણ આપણા મનમાં કોઈક ગમતુ પકડી લઈને જીવવાનું નથી. મનને ગમતું પકડી લઈને કોઈ કામ ન કરવું. ગુરૂની અનુવૃતિથી અને દતાત્રેયની જેમ જે કાંઈ સારૂ હોય તેમાંથી ઉપદેશ લઈને જગતનાં બંધનથી છુટવાનું છે. બંધન મોટે ભાગ્યે પોતાના મનનું જ હોય છે.
‘मन एव मनुष्याणां कारणं बन्ध मोक्षयोः ।
विषयासक्तं बंधाय निर्विषयं मुक्तये स्मृतम् ।।’
મનધાર્યું એ જ બંધનનું કારણ બને છે .તેમાંથી જ બંધન ઊભુ થાય છે મનની મેળે સ્વામી કહે છે કે સાધનાને માર્ગે કોટિ સાધન કરે પણ તોય બંધન માંથી છુટે નહિ. ગુરૂનું ધાર્યું સાધન કરે ત્યારે ગણપતિએ ગાયની(કોઈ કહે માં-બાપની) પ્રદક્ષિણા કરવાથી પૃથ્વીની પ્રદક્ષીણા થઈ ગઈ એવું થાય છે. પોતાનું મનધાર્યું કાર્તિક સ્વામીએ આખી પૃથ્વીની પ્રદક્ષીણા કરી કોઈને પુછયું નહિ તેથી ફળ જે પામવાનું હતું તે હાથમાં ન આવ્યું, તેમ થાય છે. માટે મનનું ધાર્યું મુકવું. ગુરૂ હાજર ન હોય તો (ધામમાં ગયા હોય તો) જે આપણાથી શ્રેષ્ઠ છે જેની ક્રિયા આપણાથી સારી છે તે આપણા ગુરૂ છે. તેમ કરવું, પણ મનને તો જરૂર મારવું. તેનું ધાર્યું ન જ કરવું. મનની તાણ્યને લીધેજ એક બીજાનો વાંક દેખાય છે. બીજાનો જ્યારે વાંક, ખામીઓ દેખાય છે ત્યારે પોતાની અંદર પણ તપાસ કરવાની જરૂર હોય છે કે મારા મન ધાર્યામાં ઘસારો આવવાથી આવું થતું નથીને? મન ના ધાર્યા કોટિ સાધન કરે તોય સ્વામી કહે છે કે નકામા છે. સદ્ગુરુના વચન વિના સાધન કરી “ખોદવો ડુંગરને નીકળે ઉંદર’ તેવું થાય છે. એક જણો દંડવત કરતો કરતો ગિરનારની પ્રદક્ષિણા કરતો હતો. તેને સંતોએ કહ્યું કે આ અમારા મોટા સંત-ભગવાન જેવા સંત સદ્. ગુણાતીતાનંદસ્વામી છે પાછા ફરીને તેમને એક દંડવત કરો તમારૂ કલ્યાણ થઈ જશે. ત્યારે તે કહે સ્વામીને કહોને જરા સામે આવી જાય તો ભેળા ભેળા તેમને પણ થઈ જાય (એક માત્ર તેમને ન કરું) એવું છે. મન ધાર્યું તો આખોય ડુંગર ખોદી નાખે, ખુંદી વળે, એટલું કરે પણ બીજા કહે, ગુરૂ કહે એમ જરાય થાતું નથી એમ સ્વામી અંહિ બતાવી રહ્યા છે. અને જે ગુરૂનું ધાર્યું કરતા અને મનનું ધાર્યું મુક્તા આવડી ગયું તો પછી તેને મોક્ષના માર્ગમાં જાજું કરવાનું રહેતું નથી. આ વાત અંતરમાં દરેકે વિચારવાની છે.
કડી-૨
જજ્ઞજાગે કરી સ્વર્ગ સુખ ભોગવે પુણ્ય ખુટે પડે નક્કિ પાછો,
તીર્થને વ્રત તણુ જોર પણ તયાં લગી ગુરૂગમ વિના ઉપાય કાચો.
યજ્ઞ, તપ, તીર્થ કરવામાં મનને સારી રીતે મારી શકાતું નથી. ક્યારેક તો પુષ્ટ થાય છે. મનના સ્વભાવ દૂર થતા નથી, વધવાની શક્યતાઓ જાજી છે. એકજ ઉપાય એવો છે કે જેમાં મનને સંપૂર્ણ પણે મારવાનું છે કે જે શાસ્ત્રની મર્યાદામાં રહીને ગુરૂની પ્રામાણિકતા પૂર્વક અનુવૃતિ પાળવી. તેમ કરવાથી સંપૂર્ણ પણે મનનું ધાર્યું છુટી જાય છે, છોડવું પડે છે. યજ્ઞ, તપ, તીર્થ વગેરે સારા છે ને મનુષ્ય ને પવિત્ર કરનારા છે, પણ મનને મારવાની સાર્મથી તેમાં નથી. જન્મ-મરણ સંપૂર્ણ પણે મિટાવવાની સામર્થી તેમાં નથી. સ્વામી કહે છે તેનાથી પુણ્ય થાય છે ને સ્વર્ગમાં જાય છે. ત્યાં વિષય ભોગને ઓર વધારે ધક્કો લાગવાનો અને જન્મ- મરણ વધારે મજબુત થવાના. માટે ગુરૂગમ વિના બીજો ઉપાય કાચો છે. ગુરૂગમ એટલે શું? ગમ એટલે જાણવું ગમે એટલે ગુરૂએ આપેલું માર્ગદર્શન-સમજણ- ગુરૂગમ એટલે ગુરૂનો ગમો-અણગમો. ગુરૂએ પોતાના જીવનમાં, આચરણમાં મુકેલો મોક્ષનો ઉપાય તે ગુરૂગમ છે. તેમ કરવામાં સ્વભાવને, મનને ઘસારો આવવાનો હોય છે. મનનું ધાર્યું ચાર વ્યક્તિના જેટલો ઉદ્યમ કરે તો પણ સ્વભાવ ઘસાવાના નથી. ત્યાં સુધી સંસાર કેમ છુટી શકે? સાચા ગુરૂએ બતાવેલા માર્ગે ચાલવું તે વિના બીજા ફસાય જવાના રસ્તા છે. માટે વિવેકનો ઉપયોગ કરી ને ગુરૂનો આધાર લેવો.
કડી-૩
અડસઠ તીરથ સદ્ગુરૂચરણમાં જાણશે જે જન હશે પુરા,
મન કર્મ વચને મોહ મનનો તજી ભજે ગુરુબ્રહ્મ તે સંત શૂરા.
વાણીમાં, વર્તનમાં, વિચારવામાં મનનો ભાવ દૂર થઈ જવો જોઈએ. મનનું ધાર્યું કરવાની ટેવ દૂર થવી જોઈએ. મન ધાર્યો સંકલ્પ પણ ન કરવો ત્યારે મનનો મોહ ત્યાગ કર્યો કહેવાય. જ્યારે મોહ વ્યાપે છે ત્યારે પોતાની ભૂલ્ય કે પોતાની ખામી દેખાતી નથી. પોતાની ભૂલ્ય હોય તોય તેમા બીજાની ભૂલ્ય છે તેવું ગોઠવાય જાય છે. એજ મોહ છે. ગુરૂ છે તે મોહને દૂર કરે છે અને પોતાની ભૂલને ઓળખતા શીખવે છે. ગુરૂ આપણી ખામી બતાવે છે ને પોતે જ ઓળખાતા શીખવે છે. સાચા ગુરૂ શિષ્યોની ખામીઓને ઓળખાવે છે, દૂર કરે છે. ગુરૂ છે તે અરીસાનું કામ કરે છે અરીસા સામે ઊભા રહે ત્યારે પોતાનું જેવું સ્વરૂપ હોય તેવું અરીસો આપણને દેખાડી છે. પોતાના મુખ ઉપરની કાળાશ દેખાય તો અરીસાની ઉપર રીસ ના કરાય અને અરીસાને પથ્થર ન મરાય પણ કાળાશને દૂર કરી દેવાય. ને અરીસાનો ઉપકાર મનાય કે આપણી મુખ ઉપરની કાળાશ ને દેખાડી દીધી. નિર્મળ હૃદયના ગુરૂ શિષ્યની નબળાઈને ઢાંકતા નથી. કરૂણા કરીને દૂર કરવાના પ્રયત્ન કરે છે. પરંતુ અંહિ એક મોહ ની વિચિત્રતા કહો કે નાજુકતા કહો તે એ છે કે અરીસો જોઈને અર્થાત્ અરીસામાં પોતાની છબી જોઈને ઘણા નિમગ્ન બની જાય છે. વૃધ્ધો પણ ભાન ભૂલી જઈને પોતાના ચહેરામાં ચોંટી જાય છે. ને ચહેરા પરની કરચલીઓ ઘડી ભર દૂર કરવા લાગી હાય છે તે મોહ છે. અરીસો તથા અરીસામાં જોવું બધાને ખુબ ગમે, અરીસામાં પોતાનો ચહેરો જોવો ખુબ ગમે છે. પણ એ પોતાની મેળે જોવે તો જ ગમે છે. કોઈક કહેશેજે અરીસામાં મોઢું જોઈલો અથવા અરીસો સામે ધરી દેને કહે પહેલા જરા મોઢુ જોઈલો તો, ત્યારે માણસને ખુબ માઠુ લાગી જાય છે. મને અરીસામાં મોઢું જોવાનું કહ્યું!!!!! એટલે ભલ ભલા ડાહ્યા પંડિત હોય, શાસ્ત્ર પુરાણને ભણેલા હોય, શાસ્ત્રોની કથાઓ બીજાને કહેતા હોય, ગુરૂનો મહિમા બધાને કહેતા ફરતા હોય, તેને પણ સાચા ગુરૂઓના સાનિધ્યમાં રહેવું ઘણું કઠણ પડે છે. ને મન મોકળાશ નો માર્ગ પકડી લે છે. પોતાની મેળે અરીસો જોવો, ને બીજા આપણને અરીસામાં જોવાનું કહે તેમાં ઘણો અલગ ભાવ પડ્યો છે. પોતાની મેળે અરીસો જોવામાં ખુબ આનંદ આવે છે. માણસ મોટે ભાગે પોતાને શણગારી કરીને, નાહિ ધોઈને, વાળઓળીને વિગેરે ક્રિયા કરીને અરીસામાં જુએ છે, હવે હું કેવો દેખાઊં છું? અર્થાત્ ત્યારે અરીસામાં જોવાનો એવો ભાવ છે કે પોતાનો અહંકાર જોવો. જ્યારે બીજા અરીસામાં જોવાની યાદી આપે છે, ત્યારે ખામી જોવાનો ઈશારો કરતા હોય છે, પણ તે બહુ માઠુ લાગે છે. જીવને પોતામાં ખામી હોય તોય જોવી, વિચારવી કે માનવી જરાય ગમતી નથી. અને ત્યારે જે સ્વીકારી લે, માની લે અને તેને દૂર કરે તે ગુરૂમુખી થવાનું તાત્પર્ય છે. ગુરૂના નામ નીચે રોટલા ખાવા, લાભલેવા, માન મેળવવા તો બધાજ મોટા ગુરૂમાં પોતાનું નામ જોડવા તૈયાર જ હોય છે. પણ મોટા ગુરૂની કસણી ખમવી કઠણ પડતી હોય છે. માટે સ્વામી વારંવાર ગુરૂમુખી, ગુરૂગમ વિગેરેનો આગ્રહ રાખે છે. શૂરવીર સાધકો જ, વીરલ સાધકો જ ગુરૂમુખી થઈને ભગવાનને ભજી શકે છે. મનની મેળે ભગવાન ભજનારાઓ તો ઘણા જ હોય છે. ગુરૂની કસણી ખમનારા ઘણા ઓછા હોય છે. ગુરૂની કસણી ખમીને, મનનું ધાર્યું મુકીને પણ ગુરૂની અનુવૃતિમાં રહે છે તે ધન્યવાદને પાત્ર છે. મોટા ભાગના સાચા ગુરૂની કસણીમાં પાર નથી ઉતરતા ને મનગમતો માર્ગ પકડી લેતા હોય છે અને સાલાપોલા ગુરૂ ધારીને ગુરૂમુખી થવાનો સંતોષ લઈ લેતા હોય છે. કારણ કે શાસ્ત્રમાં ગુરૂની અને ગુરૂમુખીની માર્કેટ વેલ્યુ ઘણી બતાવી છે. માટે તેનો લાભ જતો કરવો તો મનમુખીને પણ પોસાતો નથી ને સાચા ગુરૂ પાસે રહેવાની પાત્રતા કે ધીરજ હોતી નથી. માટે ગુરૂને નામે કોઈ ઓડું પકડીને બેસી જાય છે.
કડી-૪
મનના કૃત્ય તે મિથ્યા જાણી તજ્યા મન પણ અમન થઈ મળ્યુ ત્યારે
મુક્તાનંદ ગુરૂમર્મ છે વચનમાં વચન વિચારિને જોયું જ્યારે.
મનમાં ઉઠતી તમામ પ્રાકૃતિક ઈચ્છાઓ ખોટી કરવાની છે. સાચો સાધક મનના ભાવોને ક્યારેય ધ્યાનમાં લેતો નથી, તેને મહત્વ આપતો નથી. શાસ્ત્રનો, ભગવાનનો કે સાચા સદ્ગુરૂનો આધાર ન હોય એવી મનમાં ધારેલી કે મનમાં ઉદ્ધવેલી કોઈ ક્રિયા ન કરવી. એવા મનના તમામ સંકલ્પોને મિથ્યા સમજવા. કર્મનું ફળ બંધન હોય છે. મનને ક્રિયામાં આવવા ન દેવું, ચોંટવા ન દેવું પણ ક્રિયામાંથી ઉખેડીને ભગવાનમાં રાખવું. ભગવાનની મૂર્તિનું સ્મરણ કરવું. ત્યારે તે કર્મનું ફળ બંધન થશે નહિ. ત્યારે મન છે તે અમન થઈ ગયું કહેવાય. મનનો દુષ્ટ સ્વભાવ દૂર થાય તેજ તેનું અમન થવું છે. ત્યારે તે જન્મ-મરણ ઉપજાવે તેવું રહે નહિ. કર્મ કરે તો પણ કર્મનું ફળ બંધન ન થાય એવી રીતે કર્મમાં મનને પ્રર્વતાવવું જોઈએ. વ્યક્તિ જીવીત છે ત્યાં સુધી કર્મ કર્યા વિના રહેવાતું નથી. કેવળ પ્રાકૃત ભાવથી કર્મ કર્યા કરે, મનમાં જેમ ઊગે તેમ કર્મ કર્યા કરે તો તેનું ફળ બંધન થાય જ. પણ તેમાં મનના પ્રાકૃતભાવો ન ભળવા દે અર્થાત્ મન ધાર્યું ન આવવા દે પણ ભગવાન, શાસ્ત્ર કે સાચા સદ્ગુરૂના અભિપ્રાય-અનુવૃતિ પ્રમાણે કરે તો કર્મનું ફળ બંધન રૂપ ન થાય કર્મ કરીને હું કરૂ છું એમ અભિમાન કરે તો પણ બંધન થયું કહેવાય. ગીતામાં બતાવ્યું છે કે કર્મમાં અકર્મને જુએ અર્થાત્ આ ક્રિયા હું કરૂ છું તેમાં અહં સ્વાર્થ, મનનું ધાર્યું કેટલું કરું છું? અને સાચા સંતનું ધાર્યું કેટલું થાય છે? અને ભગવાન કે શાસ્ત્રની ઈચ્છા મુજબ કેટલું થાય છે? જો તેમાં એ ન હોય તો(મનનું ધાર્યું ન હોય તો) અકર્મ એટલે નિર્ગુણ બની જશે. મુક્તિના સાધન રૂપ બની જશે ગુરૂની આજ્ઞાથી કર્મ કરે કે ગુરૂની અનુવૃતિમાં રહીને કર્મ કરે અને તેમાં અભિમાન ન આવવા દે તો કર્મ પણ અકર્મ બની જાય છે. નબળુ ફળ આપનારૂ રહેતું નથી. ભગવાનની ઇચ્છા પ્રમાણે અથવા મોટા પુરૂષની ઈચ્છા પ્રમાણે થતું હોય તો તેમાં બીજું જોવાની જરૂર નથી. મનની ધારી જે ક્રિયા થાય તે બધી મિથ્યા છે. ગુરૂદેવનું વચન પકડીને (ગ્રહીને) તેમાં અન્ય સંકલ્પ ન થવા દેવો. ‘કર્મણિ અકર્મ યઃ પત્યેદકર્મણિ ચ કર્મ યઃ । સ બુધ્ધિમાન મનુષ્યયેષુ સ યુક્તઃ કૃનકર્મકૃત ॥ ‘(ગી. ૪/૧૮) ગુરૂના માર્ગદર્શન પ્રમાણે કર્મ કરવું તે નિર્ગુણ કર્મ છે અને પોતાના મનની મેળે નિવૃત્તિ કર્મ બેસી જવું તો પણ તે બંધન રૂપ થાય છે. આવું જે મનુષ્યને દેખાય છે, સમજાય છે તે યોગી છે. અને સર્વ કર્મને સમજીને કરનારો છે.